Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ બાદ હજી બે દિવસ ભારે, ગુજરાતમાં હવે ક્યાં પડશે અતિભારે વરસાદ?

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (07:13 IST)
ગુજરાતમાં રવિવારે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને આવનારા બે દિવસ હજી રાજ્યના ઘણા વિસ્તારો માટે ભારે છે.
 
હવામાનવિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં હજી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં રવિવારે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવો વરસાદ પડ્યો હતો.
 
મધ્ય પ્રદેશ પર રહેલી સિસ્ટમ પહેલાં ગુજરાત પર આવે તેવી શક્યતા હતી પરંતુ હવે તે રાજસ્થાન પરથી પસાર થશે. આવનારા બે દિવસ સુધી તે રાજસ્થાનમાં આગળ વધશે. જોકે, ગુજરાતની નજીકથી પસાર થતી હોવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. છેલ્લા બે દિવસથી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડતો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
 
હવે સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ આજથી વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં હવે ક્યાં પડશે અતિભારે વરસાદ?
 
હવામાનવિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
 
ચોમાસાના આ છેલ્લા મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવી પણ શક્યતા છે.
 
હવામાનવિભાગની માહિતી પ્રમાણે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
18થી 20 સપ્ટેમ્બરની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
 
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે અને 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
 
જોકે, સિસ્ટમ રાજસ્થાન પરથી પસાર થતી હોવાને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે. પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
 
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
 
રાજ્યમાં કઈ તારીખ સુધી વરસાદી માહોલ રહેશે?
 
ગુજરાતમાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ખેડૂતોના ચોમાસુ પાક માટે આ વરસાદ ખૂબ મહત્ત્વનો છે.
 
દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રવિવારે અનેક નદીઓમાં પૂર આવ્યાં છે.
 
બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધારે મજબૂત બની અને નબળી પડ્યા વિના જ આગળ વધી જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદનો આ નવો રાઉન્ડ જોવા મળ્યો છે.
 
રાજ્યમાં 20 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, એટલે કે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.
 
જોકે, 20 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 23 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
 
હાલની સિસ્ટમ રાજસ્થાન પરથી થઈને કચ્છની બાજુમાંથી નીકળી અરબી સમુદ્રમાં જશે અને ઓમાન તરફ આગળ વધે તેવી સંભાવના છે. જેના કારણે રાજ્યમાં તેની થોડી અસર દેખાશે.
 
ગુજરાતમાં હજી પણ પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહે તેવી સંભાવના છે.
 
કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 18 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી તથા જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓમાં 18 સપ્ટેમ્બરના રોજ યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. 
 
19 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
 
20 સપ્ટેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વધારે વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે.
 
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
 
રવિવારે ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને નર્મદા તથા અન્ય નદીઓ પૂરજોશમાં વહી રહી છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
 
12 કલાકમાં શહેરમાં 76 મીમી વરસાદ પડતાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. અધિકારીઓએ સાવચેતીનાં પગલાં તરીકે ટ્રાફિક માટે અંડરપાસ બ્લૉક કરી દીધા છે.
 
ભારતીય હવામાનવિભાગ (આઇએમડી) એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને મંગળવાર સવાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
 
વિભાગે ગુરુવાર સવાર સુધીની તેની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
 
રવિવારે સવારે 138.68 મીટરની જળાશયની સપાટીને સ્પર્શતા સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પડોશી મધ્યપ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પણ નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું.
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નર્મદા જિલ્લા ખાતે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની નજીક આવેલાં ગામો સહિત 28 અસરગ્રસ્ત ગામોમાંથી લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
 
કલેકટરે જણાવ્યું હતું, '28 અસરગ્રસ્ત ગામોના લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે'.
 
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશનો હવાઈ સરવે કર્યો હતો. તે રવિવારે સવારે નર્મદા જિલ્લાના એકતા નગરમાં નદીના સંપૂર્ણ સ્તરને સ્પર્શ્યા બાદ નદીને પ્રાર્થના કરવા ગયા હતા.
 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં નર્મદા જિલ્લાની એક રહેણાંક શાળાના લગભગ 70 વિદ્યાર્થીઓ અને પાંચમાં નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે.
 
કેવડિયા કોલોનીમાં આવેલા સરદાર સરોવર ડેમના 30માંથી 23 દરવાજા શનિવારે 5.5 લાખ ક્યુસેક પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા હતા.
 
અધિકારીઓના જણાવ્યા મુજબ, નદીમાં છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેથી નદી કિનારે પૂરની સ્થિતિ હળવી થવાની સંભાવના છે.
 
દરમિયાન ભરૂચ જિલ્લામાં રવિવારે બપોરે નર્મદા નદીનું પાણી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતાં આશરે 2000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.
 
જિલ્લા વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતના ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર રવિવારે સાંજે 7:30 વાગ્યા સુધીમાં બ્રિજ પર 37 ફૂટ - ખતરાના નિશાનથી લગભગ નવ ફૂટ ઉપર પહોંચ્યું હતું.
 
પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ભાગો રવિવારે ધોધમાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
 
પંચમહાલ જિલ્લાના ગોધરા અને સેહરા તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 226 મીમી અને 220 મીમી વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર ગુજરાતમાં દિવસભરનો સૌથી વધુ છે.
 
સ્ટેટે ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઈઓસી) જણાવ્યું હતું કે, "મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકો (205 મીમી), સાબરકાંઠાના તલોદ (181 મીમી), અને પંચમહાલના મોરવા હડફ (171 મીમી) એ આ સમયગાળા દરમિયાન 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 16 તાલુકાઓમાં સમાવેશ થાય છે.
 
રાજ્ય સરકારના ડેટા મુજબ, ઉકાઈ, દમણગંગા, કડાણા અને ભાદર સહિત ઓછામાં ઓછા દસ મોટા ડેમ તેમના છલકાવાની નિશાનની નજીક છે.
 
એસઈઓસી ડેટા મુજબ અનુક્રમે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 90.8 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 137 ટકા અને 111 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ દક્ષિણ, પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 85 ટકા, 83 ટકા અને 76 ટકા વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી સહાયરીઓ અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ

છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયા માટે હીરો બન્યો આ ઘાતક બોલર, રોમાંચક મેચમાં આફ્રિકાને હરાવ્યું

IPS બનવાની જીદમાં છોડી ડૉક્ટરની ટ્રેનીંગ, પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી UPSC પરીક્ષા, જાણો IPS તરુણા કમલની સ્ટોરી

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati

Inflation hit છુટક મોંઘવારી છેલ્લા 14 મહિનાની ટોચે પહોંચી

આગળનો લેખ
Show comments