Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોળાવીરાની દરેક ઇંટ આપણા પૂર્વજોનું કૌશલ્ય, જ્ઞાન અને વિજ્ઞાન દર્શાવે છે” : પીએમ મોદી

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (12:11 IST)
“કચ્છે માત્ર પોતાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને નવી ઊંચાઇઓ પર પહોંચાડ્યું છે”
“સ્મૃતિ વન સ્મારક અને વીર બાલ સ્મારક એ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશની સહિયારી પીડાના પ્રતીક છે” : પીએમ મોદી
પ્રધાનમંત્રીએ ભુજમાં આશરે રૂપિયા 4400 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો : પીએમ મોદી
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુજ ખાતે આશરે રૂપિયા 4400 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અગાઉ તેમણે ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
 
આ પ્રસંગે ઉપસ્થિત લોકોની મેદનીને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભુજમાં સ્મૃતિ વન સ્મારક અને અંજારમાં વીર બાલ સ્મારક કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશની સહિયારી પીડાનાં પ્રતીક છે. જ્યારે અંજાર સ્મારકનો વિચાર આવ્યો અને સ્વૈચ્છિક કાર્ય, ‘કારસેવા’ દ્વારા સ્મારકને પૂરું કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો તે સમયની યાદો તેમણે તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિનાશક ભૂકંપમાં ગુમાવેલા લોકોની યાદમાં આ સ્મારકો ભારે હૈયે સમર્પિત કરવામાં આવી રહ્યા છે. અહીંના લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ તેમણે લોકોનો આભાર પણ માન્યો હતો.
 
તેમણે પોતાના દિલમાંથી પસાર થયેલી સંખ્યાબંધ લાગણીઓને આજે યાદ કરી અને સંપૂર્ણ વિનમ્રતા સાથે કહ્યું હતું કે, 9/11 સ્મારક અને હિરોશિમા સ્મારકની જેવું જ, અહીંના દિવંગત આત્માઓને યાદ કરવા માટે, સ્મૃતિ વન સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે લોકોને અને શાળાના બાળકોને આ સ્મારકની મુલાકાત લેતા રહેવા અનુરોધ કર્યો હતો જેથી કરીને દરેકના મનમાં પ્રકૃતિનું સંતુલન અને વર્તન બાબતે સ્પષ્ટતા રહે.
 
પ્રધાનમંત્રીએ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની પૂર્વ સંધ્યાને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મને બરાબર યાદ છે કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું બીજા દિવસે જ અહીં પહોંચ્યો હતો. તે સમયે હું રાજ્યનો મુખ્યમંત્રી ન હતો, પણ માત્ર પક્ષમાં એક સામાન્ય કાર્યકર હતો. મને ખબર ન હતી કે હું કેવી રીતે અને કેટલા લોકોને મદદ કરી શકીશ. પણ મેં મનમાં નક્કી કર્યું છે કે દુઃખની એ ઘડીમાં હું આપણા લોકોની વચ્ચે રહીશ. અને, જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે, સેવાના અનુભવથી મને ઘણી મદદ મળી હતી.” તેમણે આ પ્રદેશ સાથેના તેમના ઊંડા અને લાંબા જોડાણને યાદ કર્યા હતા અને કટોકટી દરમિયાન જેમની સાથે તેમણે કામ કર્યું હતું તે લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
 
પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, “કચ્છની હંમેશા એક વિશેષતા રહી છે, જેની હું વારંવાર ચર્ચા કરું છું. અહીંના રસ્તા પરથી પસાર થતી વખતે પણ જો કોઇ વ્યક્તિ સપનાનું વાવેતર કરે તો તેને વટ વૃક્ષ બનાવવામાં આખું કચ્છ કામે લાગી જાય છે. કચ્છના આ સંસ્કારોએ અન્ય લોકોના મનમાં રહેલી દરેક આશંકા, દરેક આકલનોને ખોટા સાબિત કરી બતાવ્યા છે. કેટલાય લોકો એવું કહેનારા હતા કે, હવે કચ્છ ક્યારેય પોતાના પગ પર ઊભું નહીં રહી. પરંતુ આજે કચ્છના લોકોએ અહીંનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.” 
 
તેમણે યાદ કર્યું હતું કે, ભૂકંપ પછીની પહેલી દિવાળી તેમણે અને તેમના રાજ્ય કેબિનેટના સાથીઓએ આ વિસ્તારમાં લોકો સાથે એકતામાં ઉજવી હતી. તેમણે કહ્યું હતું કે, પડકારની તે ઘડીમાં અમે જાહેરાત કરી હતી કે આપણે આફતને અવસર (‘આપદા સે અવસર’)માં ફેરવીશું. તેમણે ઉમેર્યું હતુ કે, “જ્યારે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહું છું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ હશે, ત્યારે તમે જોઇ શકો છો કે મૃત્યુ અને આપત્તિ વચ્ચે, આપણે કેટલાક સંકલ્પો કર્યા હતા અને આજે આપણે તેને સાકાર થતા જોઇ રહ્યાં છીએ. એવી જ રીતે, આજે આપણે જે સંકલ્પ કરીએ છીએ, તે આપણને 2047માં ચોક્કસપણે સાકાર થતા જોવા મળશે.”
 
2001માં આવેલા ભૂંકપમાં કચ્છમાં સંપૂર્ણ વિનાશ થયા પછી અહીં કરવામાં આવેલા અવિશ્વસનીય કાર્ય પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં 2003માં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી, જ્યારે 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ભૂકંપપ્રૂફ જિલ્લા હોસ્પિટલો અને આ વિસ્તારના 200થી વધુ કાર્યરત દવાખાનાઓ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો અને દરેક ઘર સુધી પવિત્ર નર્મદાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે, જે ભૂતકાળમાં અહીં પાણીની અછતના દિવસો કરતાં ઘણા સારા દિવસો હોવાનું કહ્યું હતું. તેમણે આ પ્રદેશમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાંઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. 
 
તેમણે કહ્યું હતું કે, કચ્છના લોકોના આશીર્વાદથી તમામ મુખ્ય વિસ્તારોને નર્મદાના પાણીથી જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “કચ્છ ભુજ કેનાલના કારણે આ પ્રદેશના લોકો અને ખેડૂતોને ઘણો ફાયદો થશે.” સમગ્ર ગુજરાતમાં નંબર વન ફળ ઉત્પાદક જિલ્લો હવે કચ્છ બની ગયો છે તે બદલ તેમણે કચ્છના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કચ્છે માત્ર પોતાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને નવી ઊંચાઇઓ પર પહોંચાડ્યું છે.”
 
ગુજરાત જ્યારે એક પછી એક કટોકટીનો સામનો કરી રહ્યું હતું તે સમયને પણ પ્રધાનમંત્રીએ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે ગુજરાત કુદરતી આપદાનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ષડયંત્રો રચવાનો સમયગાળો શરૂ થયો હતો. દેશ અને દુનિયામાં ગુજરાતને બદનામ કરવા માટે, અહીં બહારથી આવતું રોકાણ અટકાવવા માટે એક પછી એક ષડયંત્ર રચવામાં આવ્યા હતા.” ગુજરાત સમક્ષ આવી પરિસ્થિતિઓ હોવા છતાં, તે કેવી આપત્તિ વ્યવસ્થાપન કાયદો ઘડનારનું દેશનું પ્રથમ રાજ્ય બન્યું તે બાબત પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. 
 
તેમણે ઉમેર્યું હતું કે, “આ અધિનિયમ પરથી પ્રેરણા લઇને, આખા દેશ માટે સમાન કાયદો ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમના કારણે મહામારી દરમિયાન દેશની દરેક સરકારને મદદ મળી શકી છે.” તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવાના આવા તમામ પ્રયાસોને અવગણીને અને ષડયંત્રોને નકારી કાઢીને ગુજરાતે એક નવો ઔદ્યોગિક માર્ગ તૈયાર કર્યો. કચ્છ એના મોટા લાભાર્થીઓમાંથી એક હતું.
 
તેમણે જણાવ્યું હતું કે, આજે દુનિયામાં સૌથી મોટો સિમેન્ટનો પ્લાન્ટ કચ્છમાં છે. વેલ્ડિંગ પાઇપના મેન્યુફેક્ચરિંગ બાબતે કચ્છ આજે સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. વિશ્વનો બીજો સૌથી મોટો ટેક્સટાઇલ પ્લાન્ટ પણ કચ્છમાં જ છે. એશિયાનો પ્રથમ SEZ કચ્છમાં બનાવવામાં આવ્યો છે. કંડલા અને મુન્દ્રા બંદરો ભારતના 30 ટકા કાર્ગોનું સંચાલન કરે છે અને તે દેશ માટે 30 ટકા મીઠાનું ઉત્પાદન પણ કરે છે. 
 
કચ્છમાં સૌર અને પવન ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી 2500 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થાય છે અને કચ્છમાં સૌથી મોટો સોલાર હાઇબ્રિડ પાર્ક આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે દેશમાં જે ગ્રીન હાઉસ અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતની ભૂમિકા ઘણી મોટી છે. તેવી જ રીતે, જ્યારે વિશ્વની ગ્રીન હાઉસ રાજધાની તરીકે ગુજરાત પોતાની ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે કચ્છ પણ તેમાં ઘણું મોટું યોગદાન આપશે.
 
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધન વખતે પ્રધાનમંત્રીએ જાહેર કરેલા પંચ પ્રણમાંથી એક પ્રણ – ‘આપણા વારસાનું ગૌરવ લઇએ’ને યાદ કરતા પ્રધાનમંત્રીએ કચ્છની સમૃદ્ધિ અને ભવ્યતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ધોળાવીરા શહેરના નિર્માણમાં એ વખતના લોકોની નિપુણતા પર ટિપ્પણી કરી હતું. તેમણે કહ્યું હતું, “ધોળાવીરાને ગયા વર્ષે જ વિશ્વ ધરોહર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. 
 
ધોળાવીરાની દરેક ઇંટ આપણા પૂર્વજોનું કૌશલ્ય, જ્ઞાન અને વિજ્ઞાન બતાવે છે.” તેવી જ રીતે, દેશમાં લાંબા સમય સુધી જેમની અવગણના કરવામાં આવી તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું એ પણ પોતાના વારસા પર ગૌરવ લેવાનો જ એક હિસ્સો છે. શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ પાછા લાવવાનો અવસર પ્રાપ્ત થયો તે સમયને પણ તેમણે યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માંડવી ખાતેનું સ્મારક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ સંદર્ભમાં લેવામાં આવેલા મુખ્ય પગલાં છે.
 
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કચ્છનો વિકાસ એ ‘સબકા પ્રયાસ’ની મદદથી અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનું ઉત્તમ દૃષ્ટાંત છે. તેમણે ઉમેર્યું હતું કે, “કચ્છ માત્ર કોઇ એક સ્થળ નથી, પરંતુ તે એક લાગણી છે, એક જીવંત ભાવના છે. આ એ જ ભાવના છે જે આપણને આઝાદી કા અમૃતકાલના પ્રચંડ સંકલ્પો પૂરા કરવાનો માર્ગ બતાવે છે.
 
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ શ્રી સી. આર. પાટીલ અને શ્રી વિનોદ એલ. ચાવડા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ડૉ. નીમાબેન આચાર્ય, રાજ્ય મંત્રીઓ કિરીટસિંહ વાઘેલા અને જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
 
પરિયોજનાઓની વિગતો
પ્રધાનમંત્રીએ ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરવામાં આવેલું, સ્મૃતિ વન આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે. 2001માં આવેલા ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોના મૃત્યુના આઘાત પછી લોકો દ્વારા દર્શાવવામાં આવેલી માનસિક મક્કમતાની ભાવના રજૂ કરવા માટે લગભગ 470 એકરના ક્ષેત્રફળમાં આ સ્મૃતિ વન બનાવવામાં આવ્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજમાં હતું. આ સ્મારકમાં એવા લોકોના નામ છે કે જેમણે ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
 
અદ્યતન કક્ષાનું સ્મૃતિ વન ભૂકંપ સંગ્રહાલય સાત થીમ પર આધારિત સાત બ્લૉકમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં: પુનર્જન્મ, પુનઃશોધ, પુનઃસ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીકરણનો સમાવેશ થાય છે. પ્રથમ બ્લૉક પુનર્જન્મની થીમ પર આધારિત છે જે પૃથ્વીની ઉત્ક્રાંતિ અને દરેક સંજોગોમાં ફરી બેઠાં થવાની પૃથ્વીની ક્ષમતા દર્શાવે છે. બીજો બ્લૉક ગુજરાતની ટોપોગ્રાફી અને એવી વિવિધ કુદરતી આપદાઓ દર્શાવે છે જે આ રાજ્યમાં આવવાની શક્યતાઓ વધુ છે. ત્રીજો બ્લૉક 2001માં આવેલા ભૂકંપની તુરંત પછીની સ્થિતિમાં આપણને લઇ જાય છે. 
 
આ બ્લૉકમાંની ગેલેરીઓમાં ભૂકંપ વખતે વ્યક્તિગત લોકો તેમજ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા જંગી રાહત પ્રયાસોને રજૂ કર્યા છે. ચોથો બ્લૉક 2001ના ભૂકંપ પછી ગુજરાતમાં પુનઃનિર્માણ માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ અને સફળતાની ગાથાઓ દર્શાવે છે. પાંચમો બ્લૉક મુલાકાતીને વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે જણાવે છે અને ભવિષ્યમાં કોઇપણ સમયે કોઇપણ પ્રકારની આપત્તિ આવે તો તેની સામેની તૈયારી વિશે વિચારવા અને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. 
 
છઠ્ઠો બ્લૉક આપણને સિમ્યુલેટરના માધ્યમથી ભૂકંપના અનુભવને ફરીથી જીવંત કરવામાં મદદ કરે છે. અનુભવને 5D સિમ્યુલેટરમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ મુલાકાતીને આટલા વ્યાપક સ્તરે બનેલી કુદરતી આપદાની ઘટનાની વાસ્તવિકતાનો અહેસાસ કરાવવાનો છે. સાતમો બ્લૉક લોકોને એવી જગ્યા પૂરી પાડે છે જ્યાં તેઓ દિવંગત લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી શકે છે.
 
પ્રધાનમંત્રીએ ભુજમાં આશરે રૂ. 4400 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સરદાર સરોવર પરિયોજના સાથે સંકળાયેલી કચ્છ બ્રાન્ચ કેનાલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેનાલની કુલ લંબાઇ લગભગ 357 કિમી છે. 2017માં પ્રધાનમંત્રીએ આ કેનાલના એક હિસ્સાનું ઉદ્ઘાટન કર્યું હતું અને બાકીના ભાગનું ઉદ્ઘાટન હવે કરવામાં આવ્યું છે. 
 
આ કેનાલ કચ્છમાં સિંચાઇની સુવિધા અને કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ સરહદ ડેરીના નવા ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ સહિત અન્ય વિવિધ પરિયોજનાઓ; ભુજ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; ગાંધીધામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર; અંજાર ખાતે વીર બાલ સ્મારક; નખત્રાણા ખાતે ભુજ 2 સબસ્ટેશન વગેરેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂપિયા 1500 કરોડ કરતાં વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો જેમાં ભુજ- ભીમાસર માર્ગ પરિયોજના પણ સામેલ છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments