Festival Posters

માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે: નિતિન પટેલ

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (21:42 IST)
'માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, ભરૂચનો નર્મદામૈયા બ્રિજ એનું જીવંત ઉદાહરણ છે' એમ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા  ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય 'નર્મદામૈયા પુલ' તેમજ એલિવેટેડ કોરીડોર'ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
 
નાયબ મુખ્યમંત્રીના હસ્તે અષાઢી બીજના પવિત્ર દિને ભરૂચ અને અંકલેશ્વરના નાગરિકો સહિત લાખો વાહનચાલકોને 'નર્મદામૈયા પુલ'ના રૂપે નવલું નજરાણું મળ્યું છે, સાથોસાથ ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.૧૪.૫૦ કરોડના ખર્ચે બનનાર ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટના કામની તકતીના અનાવરણ સહિત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા.રરર કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગોના કામોનું પણ તેમણે  ખાતમુહુર્ત કરી ભરૂચ શહેર અને જિલ્લાના પ્રજાજનોને માતબર વિકાસકાર્યોની ભેટ ધરી હતી.
ભરૂચના કે.જે.પોલિટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ૨૦ હજાર કરોડના વિકાસકામો કર્યા છે. ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં કેન્દ્ર સરકારને ભરૂચમાં નર્મદા નદી અને નેશનલ હાઈવે પર નવો બ્રિજ બનાવવાની અવારનવાર સતત રજૂઆત કરી એમ જણાવી એ અરસાને યાદ કરતા નિતિન પટેલે કહ્યું કે ભરૂચ, અંકલેશ્વરના હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ સમાચારપત્રો-ટીવીમાં ચમકતા, છતાં ભૂતકાળની સરકારના પેટનું પાણી ન હલતું. 
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તે સમયની કેન્દ્ર સરકારના ભરોસે બેસી ન રહેતા, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું, ગોલ્ડન બ્રિજની સમાંતરે જ નવો બ્રિજ બનાવવાનું વિચારબીજ રોપાયું અને આજે આ મહત્વાકાંક્ષી બ્રિજ સાકાર થયો છે. આ બ્રિજ બનવાના કારણે સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર જતા લાખો વાહનચાલકો, અંકલેશ્વરથી ભરૂચ અપડાઉન કરતાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે એમ ગર્વથી જણાવ્યું હતું.
 
નાયબ મુખ્યમંત્રીએ ભરૂચને થતા અન્યાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભરૂચ શહેર અને નર્મદા નદી એકબીજાના પર્યાય ગણાય છે, નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, દરિયાનું ખારું પાણી ભરૂચના નસીબમાં આવતું. અનેક પાણી પુરવઠા યોજનાના લાભ મળતા હવે આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયા છે. 
ભાડભૂત બેરેજ યોજનામાં માછીમારોને દરિયામાંથી બેરેજના મીઠા પાણીના સરોવરમાં જવા માટે અલાયદી ચેનલ ઊભી કરી છે. જેથી મત્સ્ય ઉદ્યોગને પણ પરેશાની રહેશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાળવેલી મેડિકલ કોલેજ કાર્યરત થઈ ગઈ હોવાનું અને ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી વિકાસના ફળો પહોંચે એ આ સરકારની નેમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
 
તેમણે પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી નિભાવી એ દિવસોને વાગોળતાં જણાવ્યું કે ભરૂચ સાથે હું દિલથી જોડાયો છું. ભરૂચ પ્રત્યેના પ્રેમ અને રાજ્યના વિકાસમાં ભરૂચના આગવા યોગદાનના કારણે આ જિલ્લો મારો પ્રિય બન્યો છે એમ જણાવી ઉમેર્યું કે, જંબુસરથી દહેજ સુધીના માર્ગને ૬૦ કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. ભરૂચના ગામડાઓના રસ્તાઓ પણ રૂ.૨૨૨ કરોડના માતબર ખર્ચથી નિર્માણ તેમજ નવીનીકરણ પામશે. નિતીન પટેલે પવિત્ર અષાઢી બીજના દિવસે પ્રાર્થના કરી નર્મદા મૈયા અને ભગવાન જગન્નાથજીની કૃપા રાજ્યના પ્રજાજનો પર અવિરત વરસતી રહે એવી પ્રાર્થના કરી હતી.
 
આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું, જે આજે વાહનવ્યવહાર માટે ખૂલ્લો મૂકાયો એ આ વિસ્તારની જનતા માટે ગૌરવભરી ક્ષણ છે. પૂલના નિર્માણથી સમય, ઈંધણ અને નાણાંની મોટી બચત થશે.
 
નિતિન પટેલે રૂ.૪૩૫૦ કરોડના ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી પાણીની વિપુલ ઉપલબ્ધી સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે એમ જણાવી આ પ્રકારના અનેક વિકાસકામોથી રાજ્ય સરકારે પ્રજાની સુખસુવિધામાં વધારો  કર્યો હોવાનું ઉમેર્યું હતું.
 
સાંસદ મનસુખભાઇ વસાવાએ અંકલેશ્વરથી રાજપીપલાને જોડતાં માર્ગને રૂ.૧૦૦ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાની સરકારની મંજૂરી મળી હોવાનું જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અદ્યતન બ્રિજ બનવાની ખુશી વ્યક્ત કરી આ વિસ્તારની જનતાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ હોવાનું ગર્વથી કહ્યું હતું.
 
ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી બ્રિજ સાકાર થવાથી પ્રજાના પ્રતિનિધિના રૂપમાં પોતાની પાસે આભાર વ્યક્ત કરવા શબ્દો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આ માર્ગ પર શાળા કોલેજો મોટી સંખ્યામાં હોવાથી અકસ્માત થવાના બનાવોને રોકવા બ્રિજની લંબાઈ વધારવા રજુઆત કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રીએ તુરંત જ મંજૂર કરી વધુ રૂ. ૮૦ કરોડની ફાળવણી કરીને સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી નવા બ્રિજની ભેટ આપવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
 
આનંદના આ અવસરે ભરૂચ, અંકલેશ્વર, દહેજ, વાગરા સહિતના વિસ્તારોના વિવિધ GIDC એસોસિએશનો, હોટેલ એસો., રોટરી કલબ સહિતની સંસ્થાઓએ નાયબ મુખ્યમંત્રીનું ફુલહાર, મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
 
કાર્યક્રમ સ્થળે પરંપરાગત આદિવાસી નૃત્યોથી નાયબ મુખ્યમંત્રીનું ઉમળકાથી સ્વાગત કરાયું હતું. સમારોહમાં ભૂદેવોએ નર્મદાષ્ટકનું સુમધુર ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ શ્રી સંદિપભાઈ વસાવાએ આભારવિધિ આટોપી હતી.
 
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરી, જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, જનકભાઈ બગદાણાવાળા, લધુ ભારતી બળદેવભાઇ પ્રજાપતિ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાન પદાધિકારીઓ, અન્ય અધિકારીગણ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Names 2026: ભૂલી જાવ જૂના નામ, આ છે 2026 નાં સૌથી લેટેસ્ટ અને મોર્ડન બેબી નેમ્સનું લીસ્ટ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

વધુ જુઓ..

નવીનતમ

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments