નવ પરિવારનો માળો વિખેરનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ સ્ટેશનમાં સબક શિખવાડવામાં આવ્યો હતો. બાપ-દીકરાને નીચે બેસાડીને પોલીસે પેપર ડિશમાં જમાડ્યા હતા. વૈભવી જીવનશૈલી જીવતા પિતા-પુત્રએ આખી રાત પોલીસ સ્ટેશનના ભોંયતળિયે બેસીને વિતાવી હતી અને સરકારી ટિફિન જમ્યા હતા. એટલું જ નહીં આ બાપ-દીકરાને પૈસાનો એટલો રુઆબ હતો કે, પાંચ-દસ હજાર રૂપિયા તો કેફેમાં ઉડાડી દેતા હતા.
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા માટે બદનામ હતો. પોતાની સાથે દેખાડો કરવા માટે યુવતીઓ અને મિત્રોને સાથે રાખતો અને તેની પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો. સિંધુભવન હોય કે આજુબાજુના કેફે તે ત્યાં જતો અને બાપના રૂપિયાનો ધુમાડો કરતો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે તે એક કોફીના 500થી 700 રૂપિયા ચૂકવતો હતો. તેની સાથે આવતા તમામનો ખર્ચો પણ તે જ ઉપાડતો હતો. રોજનો 5-10 હજાર રૂપિયા ખર્ચ કરતો તથ્ય પટેલ નવ લોકોના મોત બાદ પણ તેના મોઢા પર જરા પણ શરમ ન હતી.
pragnesh patel
પ્રજ્ઞેશ પટેલ પહેલાંથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેની માનસિકતા ક્ષતિ સરખેજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલા એક રૂમની અંદર પ્રજ્ઞેશ પટેલને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા થઈ હતી. જ્યારે તેના મળતિયા પોલીસ સ્ટેશનમાં આટા મારતા દેખાતા હતા. પરંતુ ધીમે ધીમે આ વાત સામે આવ્યા બાદ એક સિનિયર આઇપીએસ અધિકારીએ આરોપીઓને આરોપીઓની જેમ જ સાચવવા અને તેને તેના ગુનાનો અહેસાસ કરાવવા માટેની કડક સૂચના આપ્યા બાદ આખું દૃશ્ય ફરી ગયું હતું.સાંજના સમયે બાપ-દીકરાને પેપર ડિશમાં સરકારી વ્યવસ્થા પ્રમાણે જમવાનું જમાડવામાં આવ્યું હતું. અનેક લોકોના ઘરમાં મોત બાદ ચૂલો સળગ્યો ન હતો, ત્યારે આ નબીરા બાપ-દીકરાને કઈ રીતે સગવડ મળે તેવું પોલીસે નક્કી કરીને તેમને ખાસ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.