Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદનાં નિવૃત્ત ડેપ્યુટી પોસ્ટ માસ્તર પ્રાકૃત્તિક કૃષિના પાઠ શીખીને યુવાનોને શરમાવે તેવી કર્મઠતા સાથે કરે છે ધીંગી કમાણી

Webdunia
ગુરુવાર, 23 માર્ચ 2023 (15:33 IST)
દાહોદનાં માનસિંહ ડામોર ૬૯ ની ઉંમરે ખેતી થકી મેળવે છે ત્રણ થી ચાર લાખની આવક
 
જીવનભર કામકાજ અને દોડાદોડી બાદ સામાન્ય વ્યક્તિ પોતાનું નિવૃત જીવન આરામથી વિતાવવા માંગે છે. ત્યારે દાહોદની પોસ્ટ ઓફિસમાંથી ડેપ્યુટી પોસ્ટ માસ્ટર તરીકે નિવૃત્ત થઇને દાહોદનાં ચાંદાવાડાના માનસિંહભાઇ પ્રાકૃતિક ખેતી ના કેવળ શીખ્યા પરંતુ અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની શકે એવો ચીલો પાડયો છે. અત્યારે ૬૯ ની ઉંમરે તેઓ યુવાનો જેટલી કમાણી ખેતી થકી કરી રહ્યાં છે. આ બધુ સરકારના વિવિધ તાલીમ કાર્યક્રમો અને યોજનાઓના લાભ થકી થઇ શકયું છે તેમ માનસિંહભાઇ જણાવે છે. 
 
દાહોદનાં ચાદાવાડા ગામના માનસિંહભાઇ ડામોર દાહોદની પોસ્ટ ઓફિસમાંથી વર્ષ ૨૦૧૪ના ડિસેમ્બરમાં નિવૃત્ત થયા. નિવૃત્ત થયા બાદ માનસિંહભાઇએ પોતાની ગમતી પ્રવૃતિ એટલે કે ખેતી કરવાનો વિચાર આવ્યો. સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તાલીમ કાર્યક્રમો ચાલી  રહ્યાં હતા તેમજ ખેડૂતોને સીધું માર્ગદર્શન પણ આપવામાં આવતું હતું. તેનો માનસિંહભાઇએ ભરપૂર લાભ લીધો.
તેમણે સરકાર દ્વારા ખેડૂતો માટેના પ્રેરણા પ્રવાસ કાર્યક્રમમાં હરિયાળા તેમજ જયપુર જેવા બહારના રાજ્યોની પણ મુલાકાત લીધી અને આધુનિક ખેતી વિશે માહિતી મેળવી. તેમણે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં પણ સહભાગી થયા અને હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પણ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી ખૂબ પ્રભાવિત થયા અને પ્રાકૃતિક ખેતી જ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. 
 
માનસિંહભાઇએ પ્રાકૃતિક ખેતીનો પોતાની મર્યાદિત જમીનનો વધુમાં વધુ ઉપયોગ થાય એ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રારંભ કર્યો અને ઉમરના આ પડાવે ભારે સફળતા મેળવી. તેઓ પોતાના પરબ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે કરતા પાકનું વૈવિધ્ય જોઇએ તો નવાઇ લાગશે. તેમણે પરંપરાગત પાકો ઉપરાંતના ફળફળાદિ તેમજ શાકભાજી પાકો, બાગાયતી પાકો કરવામાં વધારે રસ દાખવ્યો છે અને તેથી જ ખેડૂત તરીકેની તેમની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. 
 
માનસિંહભાઇનું ખેતર જાણે તેમની ખેતીની પ્રયોગશાળા સમાન છે. તેમના ખેતરમાં મકાઇ ઉપરાંત આંબો, સફરજન, જામફળ, શેરડી, લીબું, દાડમ, નાગપુરી ઓરેન્જ, હળદર, આદું મુખ્ય પાક તરીકે કરે છે. જયારે સહપાક તરીકે મરચા, રીંગણ, ટામેટા, તુવેર, ફણસી, મૂળા, ગાજર, ધાણા, મેથી, રાઇ, પાલખ, વટાણા, પાપડી, ગરાડું, રતાળું, લસળ, બટાટા, અળવી, સફેદ હળદર, ગલગોટા, કોબીજ, ફલાવર, સરગવો, મગ, ચોળી, ગવાર, ભીંડા, કેળા, ટેટી વગેરે જેવા પાક કરે છે. ઘણા દાહોદમાં સામાન્ય રીતે જે પાકોની ખેતી નથી થતી એ પણ તેઓ અહીં પ્રયોગાત્મક ધોરણે કરી રહ્યાં છે.
 
તેમણે પોતાના ખેતરમાં કેસર, આમ્રપાલી, લંગડો, પરપલ, કટીમુન સહિતની વિવિધ ૫ થી વધુ જાતોના ૪૫ આંબા તેમજ વિવિધ જાતોના ૪૦ જામફળ કર્યા છે. લીબુંના કાગદી, સીડલેસ, કોલકત્તી એમ ૩૫ જેટલા લીબુંના વૃક્ષ કર્યા છે. જયારે ૨૦ જેટલા નાગપુરી ઓરેન્જ અને એટલી જ સંખ્યાના દાડમ કર્યા છે. આ ઉપરાંત તેજપત્તા, દાલચીની, કેળા તેમજ શેરડી કર્યા છે. 
 
દાહોદમાં સફરજન થઇ શકે એવો કોઇ વિચાર પણ ન કરી શકે ત્યારે માનસિંહભાઇએ પોતાના ખેતરમાં ડોરસેટ ગોલ્ડન, હરીમન ૯૯ સહિતની વિવિધ ૪૦ કલમો વાવી છે. તેઓ જણાવે છે કે, મેં જયપુર ખાતે પ્રેરણા પ્રવાસ દરમિયાન ત્યાંના ખેડૂતોને સફરજન કરતા જોઇને નવાઇ લાગી હતી. દાહોદ કરતા ત્યાંનું તાપમાન વધારે હોય છે. એટલે મને દાહોદમાં સફરજન કરવાનો વિચાર આવ્યો. ગત ઓગસ્ટમાં કલમો લગાવી છે અને તેનો ગ્રોથ પણ સારો છે. 
 
માનસિંહભાઇ પોતાની ખેતીને વૈજ્ઞાનિક ઢબે કરે છે. તેઓ જણાવે છે કે, આ વિવિધ પાકો ખેતરમાં એકબીજાના પૂરક તરીકેની કામગીરી કરે છે. તેથી તેની ગુણવત્તા અને ઉત્પાદન વધુ આવે છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃત્તિક ખેતી એ આધુનિક જમાનાની માંગ છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે સારી છે એટલી જ માણસના સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેનાથી જમીનની ગુણવત્તા તો વધે છે જ. ઉપરાંત પાકનું ઉત્પાદનમાં પણ ખાસો વધારો થાય છે. હું અત્યારે વર્ષના ૩ થી ૪ લાખ રૂ. કમાઇ લઉં છું. 
 
યુવાનો માટે બીજો કોઇ પણ ધંધો કરવા કરતા ખેતીકામ કરવું એ ઉત્તમ છે. પ્રાકૃતિક ખેતીની વ્યાપક શક્યતાઓ છે અને પ્રાકૃતિક ખેતી કરીને સારી કમાણી કરી શકે છે. માનસિંહભાઇના પત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે અને તેઓ પણ ખેતીકામમાં તેમનો સાથ આપે છે.
 
માનસિંહભાઇ ડામોરે સરકાર દ્વારા દાહોદનાં મુવાલીયા ફાર્મ ખાતે પણ ખેતીની તાલીમ લીધી છે. તેમજ સરકાર દ્વારા યોજવામાં આવતા વિવિધ તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસ કાર્યક્રમોમાં પણ અવશ્ય ભાગ લે છે. માનસિંહભાઇને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પણ સીધું માર્ગદર્શન મળે છે અને આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી-કર્મયોગીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. સરકારના આ કાર્યક્રમો એ તેમના ખેતીમાં સહજ રસને પ્રોત્સાહિત કર્યો છે અને ૬૯ ની ઉંમરે પણ તેઓ યુવાનોને શરમાવે તેવું પ્રવૃત્તિમય જીવન ગુજારી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments