Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યુકરમાઇકોસીસ ગંભીર બિમારી છે પરંતુ જીવલેણ નથી, ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં આ બિમારીનું ચલણ વધુ

રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ મ્યુકરમાઇકોસીસના કેસ નોંધાયા

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (10:45 IST)
કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ (રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય) દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે. 
 
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનિયંત્રીત ડાયાબીટીઝ,  કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના અન્યની સરખામણી માં વધુ રહેલી હોય છે.  
 
રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સત્વરે અને શ્રેષ્ઠ સારવાર મેળી રહે તે માટે આ બિમારીને મહામારી જાહેર કરવામાં આવી છે. ૨૦ મી મે ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં એપીડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ અંતર્ગત મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરવાનો જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. 
 
મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરાતા તેની સારવાર કરતી સરકારી, ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ ભારત સરકારના આરોગ્ય વિભાગ અને આઇ.સી.એમ.આર. દ્વારા રોગના સ્ક્રીનીંગ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે નિર્ધારીત કરાયેલ દિશાનિર્દેશો પ્રમાણે જ સારવાર કરવાની રહે છે. 
 
મહામારી જાહેર કરાતા રાજ્યના કોઇપણ છેડે મ્યુકરમાઇકોસીસ રોગના શંકાસ્પદ અને કન્ફર્મ કેસોની વિગત ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહે છે. 
 
મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કર્યા બાદ આ રોગના દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એપિડેમીક એક્ટ અંતર્ગત આ રોગનો સમાવેશ થતા તેની સારવાર માટે જરૂરી તમામ મેડિકલ ઉપકરણો, દવાઓ, જરૂરી માનવબળ, તબીબો યુધ્ધના ધોરણે સ્તવરે ઉપલબ્ધ થઇ શકે છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મ્યુકરમાયકોસીસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ-ઇ.એન.ટી.-ઓપ્થેલ્મોલોજી-મેડીસીન વિભાગના સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના તજજ્ઞ-તબીબોનો સમાવેશકરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.
 
મ્યુકરમાઇકોસીસ શું છે
મ્યુકર એ ફંગસની વિવિધ જાતીઓમાંથી ઉદ્ભવતી એક છે. જે સામાન્યપણે ચયાપચન ક્રિયાના કારણે,છોડની સપાટી પર,કાચા ફળો પર અથવા લોખંડના કાટ પર જોવા મળે છે. માઇકોસીસ એટલે કે મ્યુકરના કારણે ઉદભવતુ ફંગલ ઇન્ફેકશન. આ બંનેનો સમન્વય થઇને મ્યકરમાઇકોસીસ શબ્દ પ્રચલનમાં આવ્યો છે. 
મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
 
ફંગલ ઇન્ફેકશન થવાના કારણો
આપણી આસપાસ હવામાં ફંગસના બીજ જોવા મળે છે.જે શ્વાચ્છોશ્વાસની ક્રિયા દરમિયાન આપણા શરીરમાં પ્રવેશીને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિ આ નુકશાનને ઝીલી તેની સામે પ્રતિકાર કરી શકે છે. જ્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યકતિઓ ફંગલ ઇન્ફેકશનો ભોગ બને છે. 
 
કોરોના બાદ આ બ્લેક ફંગલ ઇન્ફેકશન થવાનું કારણ
અગાઉ પણ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, કિડની કેન્સરની બિમારી ધરાવતા દર્દીઓમાં આ ઇન્ફેકશન જોવા મળતુ હતું.પરંતુ કોરોના થઇ ગયા બાદ ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેવું, વિવિધ સ્વાસ્થપ્રદ(અનહાઇજીન) પરસિથ્તિ ન જળવાય, આઇ.સી.યુ. માં લાંબા સમય સુધીની સારવાર, કોમોર્બિડીટીસ અથવા કેટલીક એન્ટીફંગલ દવાઓ અને સ્ટેરોઇડ્સના મહત્તમ ઉપયોગના કારણે મ્યુકરમાઇકોસીસ થવાની સંભાવના રહેલી છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. 
 
મ્યુકરમાઇકોસીસના લક્ષણો ... તેને કેવી રીતે ઓળખીશું
કોરોના થઇ ગયા બાદ બે અઠવાડિયા થી ત્રણ મહિના સુધીના સમયગાળામાં ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીને મ્યુકરમાઇકોસીસ થવાની સંભાવના રહેલી છે. જેના લક્ષણોમાં એક બાજુનો ચહેરો સોજી જવો,નાકના ભાગમાંથી લાલ કે કાળા રંગનું પ્રવાહી વહેવું , માથામાં સતત દુખાવો થવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ અનુભવવી,મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો,આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી, ખોરાક ચાવવા કે ગળવામાં તકલીફ થવી અવરોધ ઉભો થવો તાવ,કફ ,છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો , સામાન્યત: સમાવેશ થાય છે. 
 
આ પ્રકારના કોઇપણ લક્ષણોનો અનુભવ થાય ત્યારે સંલ્ગન તબીબનો સંપર્ક કરવો જોઇએ. આંખમાં ઉદ્ભવી રહેલી તકલીફ માટે ઇ.એન.ટી. સર્જન, દાંત માટે ડેન્ટીટ્સને બતાવીને તેનું નિદાન કરવું જોઇએ.
 
પોસ્ટ કોવિડ દર્દીએ ધ્યાનમાં રાખવાની બાબતો
કોરોનાથી સાજા થઇ ગયેલ દર્દીએ ત્રણ મહિના સુધી સ્વાસ્થ્ય સ્થિતિને લગતા વિવિધ રીપોર્ટસ સમયાંતરે કરાવતા રહેવું જોઇએ.કોરોનાથી સાજા થયેલ દર્દીઓએ તેમનું સુગર લેવલ ખાસ કરીને નિયંત્રણ રાખવું જરૂરી બની રહે છે જેનાથી મ્યુકર થતા મહદઅંશે બચાવી શકાય છે. ત્યારબાદ કિડની અને લિવરને લગતા વિવિધ બ્લડ રીપોર્ટસ કરાવીને તેના માપદંડો નિયંત્રણમાં છે કે નહીં તે તપાસવું જોઇએ.બ્લડ રીપોર્ટર્સમાં ક્રિએટીનીન,મેગ્નેશીયમ, પોટેશીયમ, ક્રિ-રીએક્ટીવ પ્રોટીન(CRP) ના રીપોર્ટસ કરાવીને સમયાંતરે તબીબી સલાહ મેળવવી જોઇએ. તબીબી પ્રિસ્ક્રિપશન વિના કોઇપણ પ્રકારના ડ્રગ્સ કે સ્ટેરોઇડ્સ લેવા જોઇએ નહીં. 
 
મ્યુકરનું નિદાન કંઇ રીતે કરીશું
ઉપર મુજબ ના કોઇપણ લક્ષણો જણાઇ આવે ત્યારે સંલ્ગન સર્જનનો સંપર્ક સાધવો જોઇએ. દર્દીની શારીરીક સ્થિતિ જોઇ સી.ટી.સ્કેન , એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગસના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. 
 
ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસના કારણે કંઇ પેશીઓ, સાયનસ  ફંગસથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે. 
 
નાકમાંથી પ્રવાહી પડવાના કિસ્સામાં અથવા નાકના અથવા ચહેરાના ભાગમાં ફંગલ જમા થવાના કિસ્સામાં સર્જન તબીબ દ્વારા દર્દીની એન્ડોસ્કોપી કરવામાં આવે છે. એન્ડોસ્કોપી દ્વારા ફંગલ કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં છે તે જાણવામાં આવે છે. 
 
જો તબીબને એન્ડોસ્કોપીમાં સંતોષકારક પરિણામ ન મળે તો દર્દીના ફંગસનું કલ્ચર એટલે કે સેમ્પલ લઇને તેને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. જેને KOH કલ્ચર કહેવામાં આવે છે. જે મ્યુકરમાઇકોસીસમાં ફંગસનું સ્તર અને તેની ગંભીરતા તપાસવામાં ઉપયોગી બને છે. 
આ KOH ક્લચર પોઝીટીવ આવ્યાનું નિદાન થતા તેની ગંભીરતાના આધારે વિવિધ પ્રકારની સારવાર પધ્ધતિ નક્કી કરવામાં આવે છે. 
 
મ્યુકરમાઇકોસીસની સારવાર
મ્યુકરમાઇકોસીસ સારવાર સામાન્યત: બે પ્રકારે કરવામાં આવે છે. એક તબક્કામાં સર્જરી અને અન્ય તબક્કામાં એન્ટીફંગલ ઇન્જેકશન દ્વારા.KOH સેમ્પલ પોઝીટીવ જણાઇ આવતા અને ચહેરા કે શરીરના જે ભાગમાં ફંગસ હોય અને તેની ગંભીરતાના આધારે સર્જરી હાથ ધરવામાં આવે છે. આ સર્જરીમાં સામાન્યપણે આંખ, દાંત, જડબું, તાડવાનો ભાગ અને કાનના ભાગ પર ખાસ કરીને મ્યુકરમાઇકોસીસના ફેલાયેલ ઇન્ફેકશનને સર્જરી દ્વારા દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. 
 
સર્જરી થઇ ગયા બાદ બાકી રહી ગયેલ ફંગસને એમ્ફોટેરેસીન ઇન્જેકશનની મદદથી દૂર કરવાની સારવાર શરૂ કરવામાં આવે છે. આ એમ્ફોટેરેસીન ઇન્જેકશનની શરીરના વિવિધ ભાગ પર રહેલ ફંગસને જડમૂળમાંથી નાશ કરવાનો ભાગ ભજવે છે. 
 
મ્યુકરમાઇકોસીસમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેશન વચ્ચેનો ભેદ
આ રોગની સારવાર માટે એમ્ફોટેરેસીન બી ઇન્જેકેશનનો વધુ ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે જેમાં લાયોફીલાઇઝ અને લાયફોસોમેલ પ્રકારના એમ્ફોટેરેસીન ઇન્જેકશન જોવા મળે છે. આ બંને વચ્ચે  સામાન્ય ભેદ છે.
 
લાયોફીલાઇઝ એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન સામાન્યપણે જે સ્વરૂપમાં બનાવવામાં આવ્યું હોય તે મૂળ સ્વરૂપમાં જ મિશ્ર થઇને શરીરમાં પ્રવેશે છે. શરીરમાં જ્યારે તેની અસર વર્તાય ત્યારે ફંગસ થયેલ ભાગ પર પહોંચતી વખતે કિડની મારફતે થઇ તે ફંગસના ભાગ સુદી પહોંચે છે આવા કિસ્સામાં આ ઇન્જેકશનની કિડની પર પણ સામાન્ય અસર થતી જોવા મળે છે. 
 
જ્યારે લાયફોસોમોલ પ્રકારના એમ્ફોટેરેસીનમાં એક પડ(કોટેડ) એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન સાથે મિશ્ર કરવામાં આવે છે.  જયારે આ ઇન્જેકશન શરીરમાં પ્રવેશે છે ત્યારે તે ફંગસ ધરાવતા વિસ્તારમાં પર ચોક્કસ પણે અસર કરે છે. આ ઇન્જકેશનના કારણે શરીરનો અન્ય ભાગ આનાથી અસરગ્રસ્ત બનતો નથી. 
 
સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ઇ.એન.ટી. સર્જનના મતે મ્યુકરમાઇકોસીસના ઇન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે.પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટીક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઇનફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાંકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે જેના કારણે ઝેરી તાવ આવે છે જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે. 
 
તેમના મતે મ્યુકરમાઇકોસીસ ગંભીર પણ સામાન્ય બિમારી છે. મ્યુકરમાઇકોસીસ કોઇ નવી બિમારી નથી.સત્વરે નિદાન અને સમયસરની સારવાર દ્વારા આ રોગના ધાતક પરિણામો થી બચી શકાય છે. મ્યુકરમાઇકોસીસ થવા પાછળ ઘણાંય પરિબળો કામ કરે છે. હાલ કોઇ ચોક્કસ પરિસ્થિતિઓમાં જ મ્યુકર થાય તેવું ક્યાય સાબિત થયું નથી. 
 
રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગ થી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોર કમિટીમાં બેઠક કરીને સમયાતંરે વિવિધ જનહિતલક્ષી નિર્ણયો હાથ ધરવામાં આવ્યા છે. તદ્અનુસાર મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. 
 
ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ તમામ દર્દીઓને જરૂરી એમ્ફોટેરેસીન ઇન્જેકશન સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધવુ જરૂરી છે કે, મ્યુકરમાઇકોસીસની સારવાર માટે જરૂરી એમ્ફોટેરેસીન ઇન્જેકશનનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સમગ્ર વિતરણ વ્યવસ્થા પર કેન્દ્ર સરકારની ફાળવણી પર આધારિત છે. 
 
મ્યુકરમાઇકોસીસ અસરગ્રસ્તો દર્દીઓની સર્જરી અને ઇન્જેકશનની સારવાર અત્યંત ખર્ચાળ છે. એક અંદાજ પ્રમાણે એક મ્યુકરમાઇક્રોસીસના દર્દીની સંપૂર્ણ સારવાર પાછળ 5 થી 6 લાખનો ખર્ચ થતો જોવા મળે છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 
 
રાજ્યની સ્થિતિ પર નઝર કરીએ તો ૨૫ મી મે સુધીમાં રાજ્યનાભરમાં ૨૫૦૦ જેટલા મ્યુકરમાઇકોસીસના કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.
 
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિસ હોસ્પિટલમાં જોઇએ તો એપ્રિલ મહીનાથી ૨૫મી મે સુધીમાં ૮૩૦ જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. જેમાંથી ૩૬૦ જેટલા દર્દીઓ સર્જરી હાથ ધરવામાં આવી છે. 
 
કોરોનાની પ્રથમ લહેરમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલ કોરોનાના  કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે પોસ્ટ કોવિડ મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે. 
 
આમ મ્યુકરમાઇકોસીસ રોગ સામે  સામાન્ય તકેદારી અને દેખરેખ રાખવામાં આવે અને રોગ થઇ ગયા બાદ સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસ પણે આ રોગના ગંભીર પરિણામો થી બચી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments