Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂતોમાં હરખની હેલી, મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા કૃષિ રાહત પેકેજ

ખેડૂતોમાં હરખની હેલી, મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા કૃષિ રાહત પેકેજ
, ગુરુવાર, 27 મે 2021 (09:25 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કૃષિ હિતકારી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના ૮૬ તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. 
 
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૭મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉ’તે વાવાઝોડું કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતને ચીરીને ૧૮મી મે એ રાજસ્થાન તરફ ગયુ હતું. 
 
આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન કર્યું તેની સામે રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્રએ ખૂબ જ ટૂંકાગાળામાં યુદ્ધના ધોરણે સર્વે- રિસ્ટોરેશન વગેરે કામગીરી કરીને રાજ્યમાં આવી આપદામાં ભુતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી અભુતપૂર્વ ઝડપે કામગીરીની સિદ્ધિ મેળવી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે. 
 
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્સ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.    
 
મુખ્યમંત્રીએ એમ પણ જાહેર કર્યું કે, બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. 
 
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. 
 
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યના ધરતીપુત્રો આ રાહત સહાય પેકેજથી તેમને મળનારી સહાય દ્વારા ઝડપભેર બેઠા થઈ જશે અને પૂર્વવત સ્થિતિ મેળવશે.
 
આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત વેળાએ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જવાહરલાલ નેહરુ પુણ્યતિથિ વિશેષ - Pandit Jawaharlal Nehru Death Anniversary