Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat BJP New President - ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આટલુ મોડુ કેમ ?

patel patil
Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (16:58 IST)
ગુજરાતના રાજકારણમાં ગત લોકસભા ચૂંટણી બાદ મોદી કૅબિનેટમાં સામેલ કરાયા બાદથી ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના સ્થાને નવા અધ્યક્ષની નિમણૂક થવાની વાતો થઈ રહી છે.
 
ખુદ પાટીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં જળશક્તિ મંત્રાલયના કૅબિનેટ મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદથી ઘણી વાર જાહેરમાં 'ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશાધ્યક્ષ મળવાની' જાહેરાત કરીને પોતાની વિદાયના સંકેતો આપી ચૂક્યા છે.
 
ગત જૂન માસમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ સી. આર. પાટીલ સહિતના PM મોદીના ત્રીજી ટર્મના મંત્રીમડળના સભ્યોએ શપથ લીધા હતા.
 
આ શપથગ્રહણ સમારોહ બાદથી શરૂ થયેલી 'ગુજરાત ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ'ની ચર્ચા લગભગ છ માસ બાદ પણ હકીકતમાં પરિણમી શકી નથી.
 
તાજેતરમાં સી. આર. પાટીલે દિલ્હી ખાતેના પોતાના નિવાસસ્થાને વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને 'સ્નેહમિલન સમારોહ'માં આમંત્રિત કર્યા હતા. જે બાદથી ગુજરાત ભાજપને જલદી જ નવા પ્રદેશ પ્રમુખ મળવાની અટકળો તેજ બની હતી.
 
જોકે, કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ અવઢવમાં છે. અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની 'વિમાસણ' જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
 
નોંધનીય છે કે જુલાઈ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પાટીલને પ્રદેશાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
 
જાણકારો અનુસાર વિધાનસભા ચૂંટણી અગાઉ 100 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય, પેજપ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત (156 બેઠકો) અપાવીને સી આર પાટીલ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા.
 
પાટીલના કૅબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં 'ત્વરિત નિર્ણયો' લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો અને પક્ષકારો સાથે વાતચીત કરી હતી.
 
રાજકીય નિષ્ણાતોનું શું કહેવું છે?
 વિદ્યુત જોશીએકહ્યું કે, "અધ્યક્ષ બન્યા બાદથી પાટીલે પેજસમિતિ મૉડલ અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકૉર્ડબ્રેક જીત મેળવી હતી. જોકે, લોકસભાની ચૂંટણી સમયે તમામ બેઠકો પર જીતની હૅટ્રિક મારવાની તેમની મંશા પૂરી ન થઈ."
 
"આ સિવાય તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપના આંતરિક વિરોધને કારણે પક્ષના ઇતિહાસમાં પહેલી વાર ઉમેદવાર બદલવા પડ્યાના દાખલા નોંધાયા, છતાં પક્ષને તેમણે જીત અપાવી. ઉપરોક્ત તમામ વાતોને કારણે કેન્દ્રીય મંત્રી બન્યા પછી, તેમજ તેમની પ્રદેશાધ્યક્ષ તરીકેની ટર્મ પૂરી થયા છતાં તેમને વિધાનસભાની પેટાચૂંટણી એમને પ્રદેશાધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યા હતા."
 
તેઓ આ અંગેનો પોતાનો વિશ્લેષણ રજૂ કરતાં આગળ કહે છે કે, "હવે જો ભાજપની વ્યૂહરચનાની વાત કરીએ તો જ્યારે પણ રાજ્યમાં મુખ્ય મંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે. પરંતુ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ બનવવાની અવઢવ છે."
 
"હાલની સ્થિતિ મુજબ રાજ્યમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પટેલો નારાજ થાય એમ છે. અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો બે મહત્ત્વના હોદ્દા પર પટેલોને મળતાં ઓબીસી નારાજ થાય એમ છે. આ સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી અને સંગઠન પર પકડ રાખી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે એવા નેતા શોધવાની ગડમથલમાં છે. આ કારણે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં સમય લઈ રહ્યો છે."
 
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે ભાજપના નવા પ્રદેશાધ્યક્ષની નિમણૂકમાં વિલંબ અંગેનું કારણ વ્યક્ત કરતાં કહે છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા એવું નથી, પણ અત્યારે ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી લોકશાહી ઢબે કરી રહ્યો છે.
 
શું કહે છે ભાજપના નેતા?
 
"9 ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ પ્રદેશ પ્રમુખનાં નામ માટે સેન્સ લેવાશે, ત્યાર બાદ 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને એ પછી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવાયા બાદ 15 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે."
 
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપ માટે હવે પહેલાં જેવું વાતાવરણ રહ્યું નથી, આંતરિક વિરોધ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે માઇગ્રેશન થઈને પટેલો ગામડાંમાંથી શહેરો તરફ આવી રહ્યા છે. આ સંજોગોમાં ક્ષત્રિય વિવાદ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપને નડી શકે એમ છે."
 
તેઓ પાર્ટીમાં આંતરિક અજંપો અને સંગઠનની જરૂરિયાત અંગે વાત કરતાં કહે છે કે, "ભાજપ અત્યારે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને પ્રધાનમંડળમાં સમાવી શકતા નથી, ત્યારે ભાજપ ચૂંટણી વ્યૂહરચના ઘડી શકે એવા નેતાની શોધમાં છે, કારણ કે સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ સ્વીકૃત નેતા નહોતા છતાં એમણે પોતાની આગવી સૂઝથી સંગઠન પર પકડ જમાવી હતી. આ સંજોગોમાં કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓની સાથે ભાજપના કાર્યકરોને પણ સંભાળી શકે એવા ઓબીસી નેતાને ભાજપ શોધી રહ્યો છે, જેના કારણે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments