Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નનાં 17 વર્ષે બાળકીનાં માતા-પિતા બન્યાં, પરંતુ બોટ દુર્ઘટનાએ દીકરીનો ભોગ લીધો

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2024 (20:30 IST)
vadodara boat incident
“મારા મોટા ભાઈને ઘરે 17 વર્ષ પછી એક બાળકીનો જન્મ થયો હતો. હવે, એ દીકરી આ દુનિયામાં નથી. તેમની માતા તો હાલ બેભાન છે. તેમનું એકનું એક બાળક નથી રહ્યું, તો હવે તેમનું શું થશે તે આપણે વિચારવાની જરૂર છે. સહાય તો મળી જશે પણ અમારાં બાળકો પાછાં ક્યાંથી આવશે?”
 
આ સવાલ અને વ્યથા છે કુતુબદ્દીન ખલીફાનાં, જેમના મોટા ભાઈની દસ વર્ષની દીકરી આસ્થિયા અને નાના ભાઈનો સાત વર્ષનો દીકરો રૈયાન વડોદરાના હરણી તળાવમાં થયેલી હૃદયવિદારક દુર્ઘટનામાં મૃત્યું પામ્યાં.
 
હરણી તળાવ ખાતે ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આસ્થિયા અને રૈયાનની સાથે અન્ય 10 બાળકો અને બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં હતાં.
 
મૃત્યુ પામેલાં તમામ બાળકોની ઉંમર આઠ-તેર વર્ષ વચ્ચેની હતી.
 
સમગ્ર ઘટનામાં સરકાર અને તંત્ર પોતે ‘રેસ્ક્યુ અને સારવારના તમામ પ્રયાસો’ કર્યા હોવાની અને ‘જવાબદારો સામે કડક કાર્યવાહી’ કર્યાની વાત કરી હતી.
 
જ્યારે સ્કૂલના સંચાલકો હરણી તળાવના મૅનેજમૅન્ટ પર ‘દોષનો ટોપલો ઢોળી રહ્યા’ છે.
 
સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે થયેલી પોલીસ ફરિયાદમાં 18 લોકો સામે આઇપીસીની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ સરકારે કરેલી જાહેરાત પ્રમાણે આ મામલે જિલ્લા મૅજિસ્ટ્રેટને દસ દિવસમાં અહેવાલ સોંપવા કહેવાયું છે.
 
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી માહિતી અનુસાર પોલીસે અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરી હતી.
 
સ્થાનિક અહેવાલો અનુસાર સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા અધિક પોલીસ કમિશનર અશોક નિનામાના અધ્યક્ષપદે સાત સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.
 
“અમારા માટે આ રાત ખૂબ જ ભયાનક હતી”
 
વડોદરાના આજવા રોડ પર રહેતા કુતુબદ્દીન ખલીફાનો પરિવાર હવે તેમનાં બન્ને બાળકોની અંતિમવિધિની તૈયારી કરી રહ્યો છે.
 
રૈયાનના પિતા હનીફભાઈને પણ જ્યારે પોતાના દીકરાના મૃત્યુના સમાચાર મળતા તેઓ હેબતાઈ ગયા હતા.
 
કુતુબદ્દીન ખલીફાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારા માટે આ રાત ખૂબ જ ભયાનક હતી. તેની માતા વારંવાર બેભાન થઈ જાય છે અને તે વાત કરવાની સ્થિતિમાં નથી. બીજી તરફ મારા નાના ભાઈને પોતાના એકના એક દીકરાને ગુમાવ્યા પછી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને તેમની હાલત પણ ખરાબ છે.”
 
કુતુબદ્દીને આ ઘટનામાં વડોદરાના મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શાળાના સંચાલકોની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
 
તેઓ કહે છે શાળા તરફથી કોઈ પણ પ્રકારનો કેસ કરવામાં આવ્યો નથી અને તેમને આ ઘટના અંગે એક પણ પ્રેસનોટ પણ જાહેર નથી કરી. આ શાળાના આચાર્યની રાજકીય પહોંચ છે.
 
તેમણે મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું છે કે જ્યારે તેઓ દર વર્ષે સુરક્ષા માટે ચેકિંગ કરે છે તો તેઓ કેવું ચેકિંગ કરે છે? હરણી તળાવની જે બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યાં તેમાં સુરક્ષાની કોઈ પણ તકેદારી રાખવામાં આવી ન હતી અને બોટમાં સુરક્ષા માટે સેફ્ટી બેલ્ટ પણ ન હતા.
 
કુતુબદ્દીન પોતાની નિરાશા ઠાલવતા કહે છે કે ગરીબ માણસો તરફ જોવા કોઈ તૈયાર જ નથી. જો કોઈ નેતાનાં બાળકો સાથે આવો બનાવ બન્યો હોત તો અત્યાર સુધીમાં દિલ્હીથી હેલિકૉપ્ટરો આવી ગયાં હોત.
 
આસ્થિયાના પિતા લંડનમાં રહે છે અને તેણીની અંતિમવિધિ માટે લંડનથી પરત આવ્યા છે.
 
તેમનાં માતા-પિતા આસ્થિયાને પણ લંડન લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં.
 
કુતુબદ્દીને કહ્યું, “આસ્થિયા લંડન જવાની હતી અને તેના મેડિક્લેમની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી અને તેના વિઝા આવવાની તૈયારી હતી ત્યારે જ આવો બનાવ બની ગયો.”
 
કુતુબદ્દીનના પરિવારને ન્યાયની અપેક્ષા છે. તેઓ ઇચ્છે છે કે જેમની બેદરકારીને કારણે તેમનાં બાળકોનાં મોત થયાં તેમને કડક સજા મળે.
 
કેવી રીતે ઘટી સમગ્ર ઘટના?
 
આ મામલાની ફરિયાદમાં હરણી લેકમાં બોટિંગ પ્રવૃત્તિના કૉન્ટ્રેક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો અને કર્મચારીઓ વિરુદ્ધ આરોપ કરાતાં લખાયું છે કે, "બોટિંગ કરાવતા પહેલાં જરૂરી સૂચનાઓ નહોતી અપાઈ અને ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડાયાં હતાં. આ સિવાય અમુક બાળકોને લાઇફ જૅકેટ પહેરાવ્યાં વગર બેસાડી ગુનાહિત બેદરકારી અને નિષ્કાળજી દાખવતાં માનવજિંદગી જોખમાય તેની સંભાવના અને જાણકારીનો અહેસાસ હોવા છતાં બાળકો-શિક્ષકોનાં મૃત્યુ નિપજાવવા અને ઈજા પહોંચાડવાનો ગુનો કર્યો હતો."
 
ઘટના બાદ સ્થળે પહોંચેલા સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટનાનાં કારણો અને તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપી હતી.
 
સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "આ સાડા ચાર વાગ્યાનો બનાવ છે. બોટનું બૅલેન્સ બગડતાં તે પલટી મારી ગઈ. આ ખૂબ ચિંતાજનક મામલો બન્યો છે. કૉન્ટ્રેક્ટર પણ લાપતા થઈ ગયા છે. તેમને કેટલાં બાળકો હતાં, એનો બરાબર અંદાજ નહોતો. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે બોટમાં વધુ બાળકો બેઠાં હશે."
 
જ્યારે તેમને લાઇફ જેકેટ વગર બોટિંગ મામલે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, "આ તપાસનો વિષય છે. મેં એકેય બૉડી જોઈ નથી, પરંતુ કૉન્ટ્રેક્ટરનું કહેવું છે કે લાઇફ જૅકેટ આપ્યાં હતાં."
 
કોની સામે ફરિયાદ નોંધાઈ?
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે.
 
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ મામલે અત્યાર સુધી છ લોકોની ધરપકડ પણ કરાઈ છે.
 
કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, "મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ નામની કંપનીએ તળાવના વિકાસ ઉપરાંત નૌકાવિહાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કૉન્ટ્રેક્ટ મેળવ્યો હતો. આ કંપનીમાં 15 ભાગીદારો છે અને તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત લૅક ઝોનના મૅનેજર, બોટ ચલાવનાર અને સુરક્ષાની જવાબદારી નિભાવનારા અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે."
 
કૉર્પોરેશને કરેલી એફઆઇઆર બાદ વડોદરા પોલીસે આ મામલામાં કરાયેલી પોલીસ કાર્યવાહી અંગેની વિગતો જાહેર કરી હતી.
 
આરોપીઓમાં બિનીત કોટિયા, હિતેશ કોટિયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મિલ શાહ, રશ્મિકાંત સી પ્રજાપતિ, જતીનકુમાર હરિલાલ દોશી, નેહા ડી. દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મિન ભટાણી, નૂતનબહેન પી. શાહ, વૈશાખીબહેન પી. શાહ, મૅનેજર હરણી લેક ઝોન શાંતિલાલ સોલંકી, બોટ ઑપરેટર નયન ગોહિલ અને બોટ ઑપરેટર અંકિત સામે FIR દાખલ કરવામાં આવી છે.
 
દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસ.આઈ.ટી) રચના કરાઈ હોવાનું પણ ગેહલોતે જણાવ્યું છે.
 
એડિશનલ કમિશનરના નેતૃત્વમાં રચાયેલી આ એસએઆઈટીમાં બે ડિસીપી અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ઉપરાંત ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓનો સમાવેશ કરાયો છે.
 
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઇને જણાવ્યું હતું કે, "પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જૅકેટ પહેરાવાયાં હતાં."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jokes- જન્મદિવસની શુભેચ્છા કેમ ન આપી

મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું, કહ્યું, 'હું સાધ્વી હતી અને રહીશ'

Ranveer Allahbadia Vulgar Remark: રણવીર અલ્લાહબાદીયાએ પેરેન્ટ્સને લઈને કર્યો વલ્ગર સવાલ, યુઝર્સ બોલ્યા તારા પપ્પાને જઈને પૂછજે

ગુજરાતી જોક્સ - ચાર પાનાનો નિબંધ

ગુજરાતી જોક્સ - પછી શું થયું?

વધુ જુઓ..

નવીનતમ

ગાજરની ફિરની

Promise Day History & Significance: પ્રોમિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીંનો ઇતિહાસ અને મહત્વ જાણો

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

International Epilepsy Day 2025 - વાઈ કે આંચકી શા માટે આવે છે? જાણો આ ખતરનાક રોગના કારણો અને લક્ષણો

ભૂંગળા બટેટા રેસીપી

આગળનો લેખ
Show comments