Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (12:33 IST)
કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહલાદક જ હોય છે, પરંતુ હેમંતના પરોઢ તો અપૂર્વ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે.  હેમંતના પરોઢનુ ફુલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક ! શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. રાતભર કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ઊઠે છે અને મીઠાં ગીતો ગાઈ ઊગતી પરોઢનું સ્વાગત કરે છે.
 
શિયાળાની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે. ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. મહિયારીઓ મહી મથવાની કામગીરીમાં લાગી જાય છે. ઘમ્મર વલોણાં ગાજી ઊઠે છે. ‘દૂધ લ્યો રે, દૂધ’ નો પોકાર કરતી રબારણો ઠંડીની પરવા કર્યા વિના શેરીએ શેરીએ ઘૂમે છે. વૃદ્ધો ને મોટેરાંઓ તાપણાંની આસપાસ ગોઠવાઈને અલકમલકની વાતો કરે છે. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે.
 
શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. જો કે કેટલાક ‘સૂર્યવંશીઓ’ સવારની આવી તાજગીને માણવાને બદલે રજાઈ-કામળા ઓઢીને નિરાંતે સૂઈ રહે છે ! ઘણા લોકો શિયાળાની સવારે તેલમાલિસ કરાવે છે. વહેલી સવારે કડકડતી ટાઢમાં ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગે છે. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવે છે.
 
પરંતુ, મોટાં શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. વાહનવ્યવહારનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલદીઓનો ખખડાટ અને મિલોનાં ભૂંગળાંનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે. આમ છતાં, શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કૉલેજોનાં પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે.
 
હેમંતના પરોઢે નીલ ગગનની શોભા અને ઉત્સાહ ઘેલા પંખીઓનો કલરવ શરીરમાં તાજગી ભરી દે છે. શિયાળામાં ખાવા-પીવાની અનેરી મજા હોય છે. શિયાળામાં જાતજાતનાં ફળો અને લીલાંછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણા લોકો શિયાળામાં અડદિયા પાક અને જાતજાતનાં વસાણાંનું સેવન કરે છે. આમ, શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને ઉલ્લાસ અને સ્ફૂર્તિથી ભરી દે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

Holi 2025- હોળી કઈ તારીખે છે 2025

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

આગળનો લેખ
Show comments