rashifal-2026

અંતરને અજવાળતું પ્રકાશ પર્વ એટલે દિવાળી, દિવાળી વિષે આટલું જરૂર જાણીએ અને સમજીએ

Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (16:56 IST)
અંધકારમાંથી પ્રકાશ તરફ યાત્રા કરાવતું પર્વ એટલે દિપાવલી. ઘણી બધી પૌરાણિક તેમજ ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલુ મહાપર્વ એટલે દિવાળી. શ્રી રામચન્દ્રે રાવણ પર વિજય મેળવ્યા બાદ જ્યારે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રજાવાસીઓએ પોતાના ઘરોમાં, શેરીઓમાં તેમજ પૂરી અયોધ્યા નગરીમાં દીવાઓ પ્રગટાવીને શ્રી રામના આગમનને વધાવ્યું તે દિવસ એટલે દિવાળી. મહાદુષ્ટ અસુર ભસ્માભૌમાસુરનો શ્રી કૃષ્ણએ વધ કરી, પૃથ્વીને ભયથી મુક્ત કરી, તે આશ્વિન માસની અમાવસ્યા એટલે દિવાળી. આત્માની પરમાત્મા સુધીની યાત્રાની સ્મૃતિ અપાવતો ભગવાન મહાવીરનો નિર્વાણદિન એટલે દિવાળી. વૈશ્યો માટે સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો તેમજ નવા વર્ષના ચોપડાના પૂજનનો દિવસ એટલે દિવાળી. આપણે સૌ દિવાળીના દિવસોમાં ઘરમાં દીવાઓ પ્રગટાવીને રોશની કરીએ છીએ, રોજ રોજ નવી રંગોળી બનાવીછીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ, સારા સારા ભાવતા ભોજન આરોગીએ છીએ, ફટાકડા ફોડી હ્રદયનો આનંદ-ઉલ્લાસ વ્યક્ત કરીએ છીએ. પરંતુ ભારતવર્ષનું દરેક પર્વ આનંદ ઉલ્લાસ ની સાથે સાથે આત્મોન્નતિનો કોઈ ચોક્કસ આધ્યાત્મિક સંદેશ પણ આપતું જાયછે, જે સંદેશ આજે વિસરાતો જાય છે.  દિપાવલીના પર્વને પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ પાંચે દિવસની ઉજવણીમાં ઘણું વૈવિધ્ય સમાયેલું છે સાથે સાથે દરેક દિવસના પર્વ પાછળ એક ગૂઢ આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે.
 
પાંચ દિવસના આ પર્વની શૃંખલાની શરૂઆત ધનતેરસ થી થાય છે જે દિવસે ખાસ, સુખ સંપદાની પ્રાપ્તિ અર્થે ધનની દેવી લક્ષ્મીનું આહવાન કરી વિશેષ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. પરંતુ આપણે એ પણ સમજી લેવું જોઈએ કે સાચા સુખ, શાંતિ અને સમૃધ્ધિની જનની પવિત્રતા છે. વ્યક્તિ જ્યારે વિષય વિકારોથી મુક્ત થઈ પોતાના જીવનમાં પવિત્રતાને અપનાવે છે ત્યારે સ્વતઃ સુખ-સમૃધ્ધિ તેના ચરણોમાં આવે છે. એટલે આ દિવસે ખરેખર તો આપણે જીવનમાં પવિત્રતાને અપનાવવાનો સંકલ્પ કરીને સુખ-સંપદાનો આપણો જન્મસિધ્ધ અધિકાર પ્રાપ્ત કરી લેવો જોઈએ.
 
બીજો દિવસ એટલે કાળી ચૌદસ જે દિવસે આસુરી તત્વોનો તેમજ આસુરી વૃત્તિવાળા અસુરોનો  વિનાશ કરનારી કાલિકા દેવીનું આહવાહન કરી વિશેષ પુજા કરવામાં આવે છે. ભલે આપણે પુજા કરીએ પરંતુ સાચા અર્થમાં સાચી કાળી ચૌદસ ત્યારે જ મનાવી ગણાય જ્યારે આપણે ખુદ સર્વશક્તિમાન પરમાત્મા શિવ સાથે સંબંધ જોડી, અનેક શક્તિઓથી સંપન્ન બની, સ્વયં  શિવશક્તિ કાલિકા સ્વરૂપ ધારણ કરી આપણાંમાં રહેલા વિકારોને, આસુરી વૃત્તિઓને, આપણી કમી કમજોરીઓને, દોષોને, અવગુણોને, બૂરાઈઓને  દૂર કરવાનો પુરો પ્રયાસ કરીએ. 
 
ત્યાર પછીનો દિવસ એટલે દિવાળી અર્થાત પ્રકાશનું પર્વ. આ દિવસે ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવે છે, જ્ઞાનની દેવી શારદાનું પૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવે છે, મેવા મીઠાઇ આરોગીએ છીએ, ફટાકડા ફોડી આનંદ લુટીએ છીએ, મંદિરોમાં જઈ દેવ દર્શન કરીએ છીએ. આ બધુ આપણે ભલે કરીએ, પરંતુ વાસ્તવમાં દીપોત્સવ એટલે આપણે સ્થૂળ દીપકની સાથે સાથે આપણી આત્માના દીપકને પણ પ્રજ્વલિત કરીએ અને અજ્ઞાન રૂપી ગાઢ અંધકારમાંથી, સ્વયં પરમાત્મા શિવે આપેલા જ્ઞાન પ્રકાશથી, સ્વયંને ઉજાગર કરીએ. બહાર જરૂર દિવડા પ્રગટાવો પરંતુ વર્તમાન સમયે વધું જરૂરત છે અંદરના આત્માના દીપકને પ્રગટાવી આત્મખોજ કરવાની, આત્મપરિવર્તન કરી આત્મોન્નતિ કરવાની. શારદા પૂજન તેમજ ચોપડા પૂજનની સાથે સાથે, આજે જ્યારે ચારેતરફ રાગ-દ્વેષ, વેર-ઝેર, ઈર્ષા, તેમજ વિકારોનું પ્રભુત્વ પ્રવર્તે છે ત્યારે આ દિવસે આપણે આપણાં પોતાના જીવનના હિસાબ-કિતાબને પણ જોઈ લેવો જોઈએ 
 
        પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. આ દિવસે આપણે એક બીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ સાલમુબારક પાઠવી છીએ. નવા વસ્ત્રો પહેરી દેવ દર્શન અર્થે મંદિરોમાં જઈએ છીએ. ભાવતા ભોજન આરોગીએ છીએ.  ભલે આપણે પૂરા ઉમંગ ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી આ પ્રમાણે કરીએ. પરંતુ આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ચારે તરફ આપણે ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, જીવન મૂલ્યોનું પતન જોઈ રહ્યા છીએ ત્યારે આપણે બેસતા વર્ષના દિવસે ખાસ કરીને આપના પોતાના પરીવર્તન દ્વારા નવા મૂલ્યનિષ્ઠ સમાજ અર્થાત નવા યુગની સ્થાપનનો સંકલ્પ કરવો જોઈએ. ખાસ કરીને વર્તમાન સમયે જ્યારે આજની આ કળયુગી ભ્રષ્ટાચારી દુનિયાનું પરીવર્તન કરવા સ્વયં જ્યોતિબિંદુ પરમાત્મા શીવ  બ્રહ્માના તનનો આધાર લઈ નવી સતયુગી દુનિયાની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છેત્યારે આપણે આ દિવસે આપણી કમીઓને દૂર કરી,જીવના શ્રેષ્ઠ મૂલ્યોને, ધારણ કરી નવયુગની સ્થાપનાના કાર્યમાં સહયોગી બની, નવયુગની મુબારક આપવી જોઈએ.
 
સમગ્ર પર્વનો છેલ્લો દિવસ એટલે ભાઈબીજ. સ્થૂળ રૂપે જોઈએ તો આ દિવસે બહેનો તેમના ભાઈઓને પોતાના ધરે નિમંત્રણ આપે છે, પ્રેમથી ભાવતા ભોજન જમાડે છે અને ભાઈ બહેનના પવિત્ર સંબંધની ગરિમાને નિભાવે છે. પરંતુ આ પર્વના આધ્યાત્મિક રહસ્યને સમજીને તે અનુસાર ઉજવણી કરીશું તો વધુ પ્રાપ્તિ કરી શકીશું. ભાઈબીજનું એક સુંદર અર્થઘટન બ્રહ્માકુમારી વિદ્યાલય પાસેથી મને મળ્યું. ભાઈબીજનું બે શબ્દોમાં વિઘટન કરીએ તો ભાઈ અને બીજ એમ બે શબ્દોમાં થાય. મનુષ્ય આત્માનું મૂળ સ્વરૂપ બીજ રૂપ અર્થાત સૂક્ષ્મ બિંદુ સમાન છે. આવી બિંદુરૂપ બધીજ મનુષ્ય આત્માઓ પરમાત્માની સંતાન છે. એ દ્રષ્ટિએ આપણે આપસમાં આત્મા આત્મા ભાઈ ભાઈ છીએ॰ આપણો આ સંબંધ સંપૂર્ણ રીતે નિર્વિકારી તેમજ પવિત્ર છે. જો આજના દિવસે દરેક વ્યક્તિને, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય,આત્મા આત્મા ભાઈ ભાઈની દ્રષ્ટિથી જોઈશું તો ઉચ્ચ કક્ષાની પવિત્રતાની અનુભૂતિ કરી શકીશું અને સમગ્ર વિશ્વમાં પવિત્રતા તેમજ શાંતિના વાયબ્રેશન ફેલાવી શકીશું
 
વર્તમાન સમયના સંદર્ભમાં ઉપરોક્ત રહસ્યોને સમજી આપાણે દિવાળી પર્વના આ પાંચ દિવસની ઉજવણી કરીશુ તો જરૂર એક અનેરા આનંદની અનુભૂતિની સાથે સાથે પરમાત્મા એ આરંભેલા નવ યુગની  સ્થાપનાના કાર્યમાં સહભાગી બની શકીશું. તો ચાલો આ વર્ષે આપણે સૌ મળી આ નવીનતમ પ્રયાસ સાથે દિવાળી મનાવીએ.
 
 
  બ્રહ્માકુમાર પ્રફુલચંદ્ર શાહ , નડીઆદ  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments