Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના કાપડ ઉદ્યોગની આવી માઠી દશા કેમ બેઠી?

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (11:27 IST)
ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરત છેલ્લા કેટલાક સમયથી મરણ પથારીએ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ત્રણ મહિનામાં જ 20 મિલોને બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ જે મિલમાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ ઉત્પાદન 100%ના બદલે માત્ર 50-70 ટકા જ થઈ રહ્યું છે.
મિલ માલિકો આવી રહેલી તહેવારોની સિઝનને જોતાં માગ વધશે એવી આશા રાખી રહ્યા હતા પરંતુ તેનાથી ઉલટું મિલોએ પોતાનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે.
આ પહેલાં મિલોમાં પ્રતિદિવસ 4.5 કરોડ મીટર ઉત્પાદન થતું હતું તે હવે ઘટીને 3 કરોડ મીટર પ્રતિદિવસ જ રહી ગયું છે.
વેપારને કારણે જાણીતા થયેલા આ શહેરમાં 350 જેટલી કાપડની મિલો ધમધમતી હતી.
 
ફેડરેશન ઑફ સુરત ટૅક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ રંગનાથનું કહેવું છે કે કાપડ ઉદ્યોગને નરેન્દ્ર મોદીની સરકારે લાવેલા જીએસટીથી વધારે માર પડ્યો છે.
તેમના કહેવા પ્રમાણે પહેલાં કાપડ પર કોઈ એવો ટૅક્સ ન હતો જેથી ઉત્પાદન પૂરજોશમાં ચાલતું હતું. જોકે, હવે જાણે આ વેપારને ગ્રહણ લાગી ગયું છે.
તેમણે કહ્યું, "હાલમાં જ 60 જેટલાં પ્રોસેસહાઉસો બંધ થઈ ગયાં છે. જીએસટી આવ્યા બાદ લગભગ 90થી 100 પ્રોસેસહાઉસ બંધ થઈ ગયાં છે."
"જે પ્રોસેસહાઉસો હાલ કામ કરી રહ્યાં છે તે પણ તેની 60 ટકા ક્ષમતાએ ઉત્પાદન કરે છે. તહેવારોની સિઝનમાં પણ અઠવાડિયામાં ત્રણ રજા રાખવામાં આવે છે."
ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ કહ્યું, "જીએસટી આવવાના કારણે જે કાપડના ફેરિયા હતા અને એ વેચાણ કરતા હતા, તે હવે ક્યાંય દેખાતા નથી."
 
કાપડ બજારમાં સન્નાટો
 
કાપડ ઉદ્યોગનો વેપાર તહેવારો અને લગ્નો પર આધારિત છે, તે સિઝન પ્રમાણે ચાલે છે.
જીતુભાઈ વખારિયાનું કહેવું છે કે સુરતની કાપડ બજારમાં 90 ટકા પોલિએસ્ટરના કાપડનું ઉત્પાદન થાય છે.
તેમનું કહેવું છે કે ફૅશનમાંથી ધીમે ધીમે દૂર થતી જઈ રહેલી સાડીને કારણે કાપડ બજારને મોટો ધક્કો લાગ્યો છે.
રંગનાથના કહેવા મુજબ આ વખતે લગ્નોમાં કમાણી ના થઈ, દિવાળી, પોંગલ કે રમઝાનમાં પણ સારો વેપાર થયો નથી.
તેમણે કહ્યું, "હાલ શ્રાવણ મહિનાની સિઝન છે, રક્ષાબંધન, બાદમાં દૂર્ગા પૂજા, નવરાત્રી અને દિવાળીની સિઝન આવી રહી છે, પરંતુ અહીં ક્યાંય કામ થતું હોય એવું લાગતું નથી."
"બજાર સાવ ખાલી પડ્યું છે, બહાર ગામથી પેમેન્ટ થતું નથી. વણાટની સ્થિતિ જોઈએ તો 60 ટકા જ કામ થઈ રહ્યું છે, 40 ટકા કારીગરો પોતાના ગામ પરત જતા રહ્યા છે."
રંગનાથના કહેવા પ્રમાણે પહેલાંથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલાં ઍમ્બ્રોડરીનાં 80 ટકા યુનિટો હાલ બંધ થઈ ગયાં છે.
 
વખારિયાના કહેવા પ્રમાણે હાલ મોટા ભાગનાં યુનિટ તેની અડધી ક્ષમતાએ કામ કરી રહ્યાં છે. મોટા ભાગના લોકો માત્ર એક શિફ્ટમાં કામ કરે છે. જે પહેલાં બે શિફ્ટમાં કામ થતું હતું.
સુરતમાં હાલ એવી સ્થિતિ પેદા થઈ છે કે માગ ઘટી જવાને કારણે કાપડ મિલોમાં કેટલાક લોકોએ અડધાં મશીનો બંધ કરી દીધાં છે.
ઉત્પાદન ઓછું કરવાથી અને અડધી ક્ષમતાએ કામ કરવાને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે.
સામાન્યપણે 15 જુલાઈથી દર વર્ષે કાપડ માર્કેટમાં ધમધમાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે માર્કેટમાં ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી વર્તાઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

આગળનો લેખ
Show comments