Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક જ પરિવારના પાંચ સભ્યોનાં મૃત્યુ થતા પરિવારના સપના રોળાયા

ગ્રાઉંડ રિપોર્ટ

ઋષિ બેનરજી
સોમવાર, 8 જુલાઈ 2024 (10:43 IST)
building collapse
તેઓ મારા બનેવી થાય છે. તેમની દીકરીનાં માર્ચ 2025 લગ્ન થવાનાં હતાં અને પૈસા કમાવવા માટે છ મહિના પહેલાં જ સુરત આવ્યા હતા. તેઓ પાવરલૂમ ખાતામાં 15 હજારની નોકરીએ લાગ્યા હતા અને દીકરીનાં લગ્ન માટે પૈસાની બચત કરતા હતા. અહીં તેઓ બહુ સાધારણ રીતે જીવતા હતા. અમને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની દીકરીનાં લગ્ન નહીં કરાવી શકે.
 
 
આ શબ્દો છે ચન્દ્રકાન્ત ગોડના. શનિવાર સાંજે સુરતના પાલીગામમાં આવેલી કૈલાશરાજ રેસિડન્સી ધરાશાયી થઈ હતી જેમાં તેમના 50 વર્ષીય બનેવી વ્રજેશ હીરાલાલ ગોડનું મૃત્યુ થયું હતું.
 
રવિવારે જ્યારે ગોડનો મૃતદેહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં તેમના ગામ જઈ જવામાં આવતો હતો ત્યારે પરિવારનાં કેટલાંય સપનાં તૂટી ગયાં હતાં.
 
આવી જ કંઈક કહાણી 21 વર્ષના પ્રવેશ કવેટની છે જેમણે આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. સુરતની સચીન જીઆઈડીસીમાં સ્થિત જરીના કારખાના નોકરી કરતા પ્રવેશની છ મહિનાની દીકરી છે.
 
તેમના પિતરાઈ ભાઈ વિકાસ કેવટ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, ''તેઓ અન્ય પરિવારના સભ્યો સાથે રહીને નોકરી કરતા હતા અને ગામ પૈસા મોકલતા હતા. તેઓ છ મહિના પહેલાં જ પિતા બન્યા હતા અને હવે તેની દીકરી પિતાવહોણી થઈ ગઈ છે. ઘરમાં બધા ઘેરા શોકમાં છે અને તેની પત્નીનાં આંસુ નથી રોકાઈ રહ્યાં.''
 
શનિવારે સચીનના પાલીગામમાં જે છ માળની ઇમારત તૂટીને પડી ગઈ તેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને એક વ્યક્તિને ઈજા થઈ છે. 20 વર્ષનાં કશિષ શર્મા હાલ સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
 
એક જ પરિવારના પાંચ સભ્યોનાં મૃત્યુ
શનિવારની ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આ લોકો મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના પરાસી અને ડિયાડોલ ગામના છે. બધા લોકો રોજીરોટી કમાવવા માટે પોતાના પરિવારને મૂકી સુરત આવ્યા હતા. બધા જરીનાં કારખાનામાં કામ કરતા હતા અને બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા.
 
અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પ્રવેશ કેવટ, લાલજી કેવટ અને હીરામણી કેવટ સગાસંબંધી થાય છે. કોઈ ભાણેજ છે કે તો કોઈ કાકાનો ભાઈ. પાંચ સંબંધીઓના મૃત્યુના સમાચારથી પરિવારજનો પણ ઘેરા શોકમાં છે.
 
વિકાસ કેવટ કહે છે, ''અમારાં કુટુંબના સાત લોકો આ બિલ્ડિંગમાં રહેતા હતા. શનિવારના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે પાંચ લોકો ઘરમાં હાજર હતા અને બે લોકો કામ પર ગયા હતા, જેના કારણે તેઓ બચી ગયા છે. મૃત્યુ પામનારા અહીંથી પૈસા કમાઈને ઘરે મોકલતા હતા. શિવપૂજન કેવટની લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ હવે તે શક્ય નથી.''
 
પરિવાર વિખેરાઈ ગયો
 
શનિવારની ઘટનાએ સાત પરિવારોને વિખેરી નાખ્યા છે. મૃત્યુ પામનારાં નાની-મોટી નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવી રહ્યા હતા અને તેમના પરિવારના એકલા કમાનાર વ્યક્તિ હતા. હવે તેમના મૃત્યુ બાદ પરિવારે પોતાના આવકનો આધાર ગુમાવી દીધો છે.
 
સંચા ખાતામાં નોકરી કરતાં રાધા મહતોની ઘટનાના કારણે આખી જિંદગી બદલાઈ ગઈ છે. તેમના પતિ નાઇટ શિફ્ટ કરીને ઘરે આવ્યા હતા અને આરામ કરતા હતા.
 
રાધા નોકરીએ ગયાં હતાં અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હોવાની ખબર પડતાં તેઓ દોડી આવ્યાં હતાં. મોડી રાતે તેમના પતિનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રાધા અને તેમનાં પતિ 15 દિવસ પહેલાં જ મકાનનાં નીચલા માળે એક રૂમ ભાડે લીધો હતો.
 
''મારું તો બધું ખતમ થઈ ગયું છે. મેં મારા પતિને ગુમાવી દીધા અને હવે આગળ જીવન કઈ રીતે જીવવું તે મોટો પ્રશ્ન છે. દુર્ઘટનામાં મારી ઘરવખરી અને સામાન પણ બચ્યો નથી. મારી પાસે કઈ નથી અને મારી એટલી આવક પણ નથી કે સમગ્ર પરિવારની જવાબદારી ઉપાડી શકું. મારી સરકારને વિનંતી છે કે કંઈક મદદ કરવામાં આવે.''
 
ચન્દ્રકાન્ત ગોડની પણ માગ છે કે કંઈક મદદ કરવામાં આવે જેથી તેમના બનેવીનો પરિવાર જીવનનિર્વાહ કરી શકે.
 
''મારા બનેવીને ત્રણ સંતાનો છે. હવે તેમના મૃત્યુ બાદ તેમનો પરિવાર કઈ રીતે રહેશે તે એક મોટો પ્રશ્ન છે. અમે નથી જાણતા કે તેમની દિકરીના લગ્ન કઈ રીતે લેવાશે. તેઓ જે રૂમમાં રહેતા હતા ત્યાંથી અમને કઈ મળ્યું નથી. તેમની પાસે જે સામાન હતો તે કાટમાળમાં જ દબાઈ ગયો છે.''
 
મૃતકોનાં નામ
 
અભિષેક કેવટ
વ્રજેશ હીરાલાલ ગોડ
શિવપૂજન કેવટ
હીરામણી કેવટ
અનમોલ ઉર્ફ (સાહિલ)
પ્રવેશ કેવટ
લાલજી કેવટ
 
‘‘બપોરનો સમય હતો અને હું ઘરમાં સૂતો હતો. એકાએક અમારી બિલ્ડિંગ ધ્રૂજવા લાગી અમને લાગ્યું ભૂકંપ આવ્યો છે અને અમે ડરી ગયા હતા. અમે ઘરની બહાર દોડી ગયા અને ખબર પડી કે અમારા બાજુની બિલ્ડીંગ આખે આખી તૂટી પડી છે. ઘટનાની જાણ થયાં લોકો ભેગા થઈ ગયા હતા.’’
 
‘‘થોડાં સમય બાદ પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમો અને રૅસ્ક્યૂ ટીમો અહીં આવીને કાટમાળમાં દબાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ રૅસક્યૂ ઑપરેશન આખી રાત ચાલ્યું હતું. જેમાં સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે અને એક મહિલાને રૅસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યાં છે.''
 
આ શબ્દો છે શ્રીકાંત યાદવના. કૈલાશરાજ રેસિડન્સી ઇમારત ધરાશાયી થઈ તે સમયે શ્રીકાંતભાઈ નાઇટ ડ્યૂટી પરથી આવીને ઘરમાં સૂતા હતા.
 
પાલ ગામની પ્લૉટ નંબર ૮૦, ૮૧ અને ૮૨ ઉપર સાલ 2017માં કૈલાશરાજ રેસિડેન્સી નામની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં હતી. દીવાલમાંથી પાણી પડતું હોય તેમાં તિરાડો પડી ગઈ હતી.
 
બિલ્ડિંગમાં રહેતા ભાડવાતો અવારનવાર સમારકામ માટે મકાન માલિકને કહેતા હતા પરંતુ કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવવામાં આવ્યું નહોતું. થોડા સમય પહેલાં સુરત મહાનગરપાલિકાએ બિલ્ડિંગને જોખમી ગણીને નૉટિસ પણ આપી હતી પરંતુ મકાન માલિકો તેના વિશે કોઈ દરકાર લીધી નહોતી. જોખમી હોવા છતાં ભાડવાતોને ફલેટ ભાડે આપી ભાડું વસૂલવામાં આવતું હતું.
 
માત્ર સાત વર્ષ જૂની બિલ્ડિંગ આટલી જર્જરિત બની જતાં ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે. મૃતકોના પરિવારજનો અને સ્થાનિકો આની તપાસ કરવાની માગ કરી રહ્યા છે.
 
વિકાસ કેવટ કહે છે, ''બિલ્ડિંગ આટલી જર્જરિત કઈ રીતે બની ગઈ અને કેમ તેને નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં લોકો તેમાં રહેતા હતા તેના વિશે તપાસ થવી જોઈએ. જો તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો બીજા લોકો આ રીતે જીવ નહીં ગુમાવે.''
 
પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ વાતથી હેરાન છે.
 
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સુરતના એસીપી એન. પી. ગોહિલ કહે છે, ''અમને પણ આશ્ચર્ય થાય છે કે 2017માં તૈયાર થયેલી બિલ્ડિંગ કેમ આવી હાલતમાં હતી. અમે એ વિશે પણ તપાસ કરી રહ્યા છીએ કે શું મકાનમાલિકોઓએ જાણી જોઈને ખરાબ ગુણવત્તાવાળું બાંધકામ કર્યું હતું કે કેમ. અમે આ મામલે એફએસએલની ટીમની પણ મદદ લઈ રહ્યા છીએ.''
 
ચન્દ્રકાન્ત ગોડ કહે છે કે સામાન્ય રીતે એક મોટી બિલ્ડિંગ 20 અથવા 25 વર્ષે જર્જરિત થાય છે પરંતુ અહીં તો સાત વર્ષ જ થયા છે. સરકાર જો માત્ર એટલો નિયમ બનાવે કે કોઈ પણ જોખમી બિલ્ડિંગને ભાડે ન આપી શકાય તો અમારા જેવા ઘણા પ્રવાસી મજૂરોને લાભ થશે. તેમના પરિવાર નિરાધાર નહીં થાય.
 
સમગ્ર પાલી ગામમાં ચાલીઓ જ ચાલી છેસચીન જીઆઈડીસીને અડીને આવેલા પાલી ગામમાં વર્ષોથી પરપ્રાંતીય મજૂરો વસવાટ કરે છે. સચીન જીઆઈડીસીમાં સ્થિત કાપડની ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો અહીંથી બહુ નજીક હોવાથી આ મિલોમાં કામ કરતા લોકો માટે પાલી ગામ પહેલી પસંદ હોય છે.
 
જ્યારે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાના હદમાં ન હતો અને સૂડામા લાગતો તે સમયે મોટા પ્રમાણમાં અહીં પાંચથી છ માળની ચાલીઓ બનાવી દેવામાં આવી હતી. પાલી ગામમાં પ્રવેશ કરો ત્યારથી જ ચાલીઓ શરૂ થઈ જાય છે.
 
અહીં નાનકડા વિસ્તારમાં પાંચથી છ માળનાં મકાનો બનાવવામાં આવે છે જેમાં 25થી લઈને 30 અને ક્યારેક તો 40 રૂમો હોય છે. બીબીસીની ટીમ જ્યારે પાલી ગામમાં પહોંચી ત્યારે સાંકળી ગલીઓમાં ચાલની કતાર જોવા મળી.
 
વિનય શર્મા પાલી ગામમાં વર્ષોથી દુકાન ચલાવે છે. તેઓ પણ પાલી ગામમાં ચાલી ધરાવે છે જેમાં 25 રૂમ છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''સમગ્ર પાલી ગામમાં ચાલીઓ જ છે. સસ્તું હોવાને કારણે અને જીઆઈડીસીની નજીક હોવાના કારણે મિલોમાં કામ કરતા લોકો અહીં જ રહેવાનું પસંદ કરે છે. અહીં રૂમનું ભાડું મહિને 1500 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી હોય છે. રૂમમાં કોઈ પ્રાથમિક સુવિધા હોતી નથી કારણકે ભાડવાતની એવી કોઈ માંગણી પણ હોતી નથી.''
 
જે જગ્યાએ કૈલાશરાજ રેસિડન્સી હતી તેને અડીને એવી જ ઊંચાઈ ધરાવતી બીજી ચાલીઓ આવેલી છે, જેમાં લોકો નાના બાળકો સાથે રહેતા જોવા મળ્યા હતા. નાની ઓરડીઓ ધરાવતાં મકાનો સમગ્ર પાલી ગામમાં જોઈ શકાય છે.
 
અયોધ્યા જિલ્લાના સુધા પાન્ડે આવી જ ચાલીમાં પોતાનાં પતિ અને બે બાળકો સાથે 10x15ની સાઇઝ ધરાવતાં રૂમમાં રહે છે.
 
તેઓ કહે છે, ''અમારી એટલી આવક નથી કે બીજી જગ્યાએ જઈને રહી શકીએ. અહીં રહેવામાં તકલીફ પડે છે પરંતુ કોઈ છૂટકો નથી. અહીં સુવિધાઓ નથી પરંતુ ગમે તે પ્રકારે નિર્વાહ કરી રહ્યાં છીએ.''
 
કોઈ બોધપાઠ લેવામાં આવશે? 
 
સચીન જીઆઈડીસીને અડીને આવેલા પાલી ગામમાં વર્ષોથી પરપ્રાંતીય મજૂરો વસવાટ કરે છે. સચીન જીઆઈડીસીમાં સ્થિત કાપડની ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો અહીંથી બહુ નજીક હોવાથી આ મિલોમાં કામ કરતા લોકો માટે પાલી ગામ પહેલી પસંદ હોય છે.
 
જ્યારે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાના હદમાં ન હતો અને સૂડામા લાગતો તે સમયે મોટા પ્રમાણમાં અહીં પાંચથી છ માળની ચાલીઓ બનાવી દેવામાં આવી હતી. પાલી ગામમાં પ્રવેશ કરો ત્યારથી જ ચાલીઓ શરૂ થઈ જાય છે.
 
અહીં નાનકડા વિસ્તારમાં પાંચથી છ માળનાં મકાનો બનાવવામાં આવે છે જેમાં 25થી લઈને 30 અને ક્યારેક તો 40 રૂમો હોય છે. બીબીસીની ટીમ જ્યારે પાલી ગામમાં પહોંચી ત્યારે સાંકળી ગલીઓમાં ચાલની કતાર જોવા મળી.
 
વિનય શર્મા પાલી ગામમાં વર્ષોથી દુકાન ચલાવે છે. તેઓ પણ પાલી ગામમાં ચાલી ધરાવે છે જેમાં 25 રૂમ છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''સમગ્ર પાલી ગામમાં ચાલીઓ જ છે. સસ્તું હોવાને કારણે અને જીઆઈડીસીની નજીક હોવાના કારણે મિલોમાં કામ કરતા લોકો અહીં જ રહેવાનું પસંદ કરે છે. અહીં રૂમનું ભાડું મહિને 1500 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી હોય છે. રૂમમાં કોઈ પ્રાથમિક સુવિધા હોતી નથી કારણકે ભાડવાતની એવી કોઈ માંગણી પણ હોતી નથી.''
 
જે જગ્યાએ કૈલાશરાજ રેસિડન્સી હતી તેને અડીને એવી જ ઊંચાઈ ધરાવતી બીજી ચાલીઓ આવેલી છે, જેમાં લોકો નાના બાળકો સાથે રહેતા જોવા મળ્યા હતા. નાની ઓરડીઓ ધરાવતાં મકાનો સમગ્ર પાલી ગામમાં જોઈ શકાય છે.
 
અયોધ્યા જિલ્લાના સુધા પાન્ડે આવી જ ચાલીમાં પોતાનાં પતિ અને બે બાળકો સાથે 10x15ની સાઇઝ ધરાવતાં રૂમમાં રહે છે.
 
તેઓ કહે છે, ''અમારી એટલી આવક નથી કે બીજી જગ્યાએ જઈને રહી શકીએ. અહીં રહેવામાં તકલીફ પડે છે પરંતુ કોઈ છૂટકો નથી. અહીં સુવિધાઓ નથી પરંતુ ગમે તે પ્રકારે નિર્વાહ કરી રહ્યાં છીએ.''
 
કોઈ બોધપાઠ લેવામાં આવશે?
 
ઘટના બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે અને જર્જરિત હોય એ પ્રકારનાં મકાનોનો સરવે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
બીબીસી સાથે વાત કરતા સુરતના મેયર દશેશ માવાણી કહે છે, ''ઘટના બાદ અમે અધિકારીઓને શહેરમાં સરવે કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે જો કોઈ જર્જરિત મકાન નજરે પડે તો તેને નોટિસ આપવામાં આવે અથવા તો વધુ જર્જરિત હોય તો તેને ઉતારી પાડવામાં આવે. આ દિશામાં સારી રીતે કામગીરી થઈ રહી છે. આજે અમે માન દરવાજા વિસ્તારમાં આ જ પ્રકારના જર્જરીત મકાનને ઉતારી પાડ્યું છે જેથી જાનહાનિ અટકાવી શકાય. આવી કાર્યવાહી સતત ચાલતી રહેશે.''
 
પોલીસ વિભાગે પણ મહાનગરપાલિકાને દરેક પ્રકારે મદદ કરવાની વાત કરી છે.
 
એસીપી એન. પી. ગોહિલ કહે છે, ''અમે મહાનગરપાલિકા સાથે મળીને કામ કરીશું અને જરૂર પડ્યે કાર્યવાહી પણ કરીશું.''
 
સચીન જીઆઇડીસી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જિજ્ઞેશ ચૌધરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, ''આ ઘટનામાં હાલ રમીલાબેન કાકડીયા તેમના પુત્ર રાજ કાકડિયા અને ભાડું ઉઘરાવનાર અશ્વિન વેકરીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.''
 
આ ઘટનામાં અશ્વિન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજ કાકડિયા વિદેશમાં રહે છે અને રમીલા કાકડિયાની ધરપકડ બાકી છે. આ બિલ્ડિંગ બનાવનાર રસિક કાકડિયાનું 2022-23માં કૅન્સરના કારણે મૃત્યુ થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments