Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘વિશ્વ રેડિયો દિવસ’ - અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક શ્રી સુલેમાન દલનું ઘર એટલે જાણે 'રેડિયો મ્યુઝિયમ'

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (10:27 IST)
¤ વાલ્વ વાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ ૨૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા શ્રી સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે
¤ શુક્રવારી, અલંગમાંથી જુદાં-જુદાં શહેરોમાંથી રેડિયો એકઠા કર્યા સંગ્રહના તમામ રેડિયો ચાલુ હાલતમાં
¤ બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ મૂળભુત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરુ કરવાનો શોખ:'રેડિયો મેન' ઓફ ચલાળા શ્રી સુલેમાન દલ
**
૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં   ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયો નો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે. 'વિશ્વ રેડિયો દિવસ'ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી,૨૦૧૨ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે તા.૧૩મી એ સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરુપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક શ્રી સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે.
શ્રી સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. ૭૭ વર્ષીય શ્રી સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક- એક પાર્ટ વિશે જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે. 
 
રેડિયોના શોખ વિશે માહિતી આપતા શ્રી દલ જણાવે છે કે, મને નાનપણથી જ રેડિયોનો શોખ હતો, ચલાળામાં ડૉ. પોટા નામે તબીબ રહેતા હતા જેમના ઘરે રેડિયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે રેડિયો સાંભળવા માટે અમે જતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૪માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. મારે રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ ૨૦૦૦થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે મારી પાસે વાલ્વવાળા વિવિધ ૭૨ રેડિયો છે જ્યારે ૧૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૨૦૦ રેડિયો સંગ્રહમાં છે.  આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે. 
 
તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ ૩૨ બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે.  મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી 'રંગભૂમિના રંગો' નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે શ્રી સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને 'રેડિયો મેન' છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. 
 
રેડિયો ઉપરાંત શ્રી સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે.
 
રેડિયોનો ઈતિહાસ:
 
આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫માં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ૧૯૫૬માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ "આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

આગળનો લેખ
Show comments