જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મતની ભીખ માંગવા માટે લોકો સુઘી પહોંચી જાય છે. અને મીઠા ભાષણો કરીને લોકો પાસેથી મત મેળવે છે. જ્યારે લોકોની ફરિયાદોને સાંભળવાનો વારો આવે ત્યારે તેમના મોઢા માંથી ના બોલાવી જોઈએ તેવી ભાષાઓ બોલાય છે. નેતાઓ ચૂંટણી લોકોની સેવા કરવા માટે લડે છે. લોકોને ગાળો દેવા માટે નહીં, આવી બાબત ગાંઘીનગરમાં બની હતી. મેડિકલ અને ડેન્ટલના પ્રવેશ માટેની NEET પરીક્ષા ગુજરાતીમાં લેવાની રજૂઆત કરવા રાજ્યભરમાંથી આવેલાં વાલીઓને મંગળવારે સ્વર્ણિમ સંકુલ-1માં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અસલી મિજાજનો વરવો અનુભવ થયો હતો. વાલીઓ અને ના.મુખ્યપ્રધાન વચ્ચે ચકમક ઝરતા એકતબક્કે નાયબ મુખ્યપ્રધાને પિત્તો ગુમાવ્યો હતો અને વાલીઓ તરફ તાડુક્યા હતા કે, એકના એક મુદ્દે વારંવાર રજૂઆત કરવા શું દોડ્યા આવો છો/ હું તમારા બાપનો નોકર છું!! નાયબ મુખ્યપ્રધાનના ઉચ્ચારણોથી વાલીઓને ભારે આઘાત લાગ્યો હતો. હજુ આ આઘાતમાંથી વાલીઓ બહાર આવે તે પહેલાં જ ગાંધીનગર LCB પીઆઈ આશુતોષ પરમારે રજૂઆત કરવા આવેલાં વાલીઓમાંથી સરકારી કર્મચારી હોય તેવા વાલીઓને આઈડેન્ટિફાય કરીને તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવાની લુખ્ખી ધમકી ઉચ્ચારતા મામલો તંગ બની ગયો હતો. ત્યારબાદ તમામ વાલીઓને ધક્કા મારીને સંકુલની બહાર કાઢી તમામની અટકાયત કરીને પોલીસ વાનમાં બેસાડી સેક્ટર-21ના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં એક કલાક પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. સરકારના સૌથી સિનિયર પ્રધાન અને પોલીસ અધિકારીના આવા બેહુદા વર્તનથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. સરકારમાં રજૂઆત કરવા આવેલા વાલીઓની માગણીમાં મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પરીક્ષા ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પ્રવેશમાં 85 ટકા જ્યારે અન્ય માટે 15 ટકા રાખવા, મેરિટ લિસ્ટમાં 60:40નો રેશિયો જાળવવો અને ચોથા સેમેસ્ટરમાં સો ટકા થિયરીને બદલે MCQનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે. આવા નેતાઓને લોકો શું કામ સાંખી લેતા હશે એવા સવાલોએ જોર પકડ્યું છે. તો બીજી તરફ ભાજપ પ્રત્યે લોકોને હવે નફરત થવા માંડી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યાં છે.