Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના એક એવુ શહેર જ્યા મહિલાઓ કઢાવી નાખે છે ગર્ભાશય

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2019 (18:16 IST)
ગીતા પાંડે
 




હાલના મહિનાઓમાં ભારતમાં રોજગારી મેળવતી મહિલાઓ અને તેમના માસિકસ્રાવની બાબતમાં બે બહુ ચિંતાજનક સમાચારો આવ્યા છે. ભારતમાં માસિકસ્ત્રાવ વિશે પહેલેથી જ અયોગ્ય અભિગમ રહ્યો છે. માસિકમાં આવેલી સ્ત્રીને અપવિત્ર ગણીને તેને બધા જ સામાજિક અને ધાર્મિક કાર્યોમાંથી બાકાત રાખી ખૂણે બેસવાનું કહેવામાં આવે છે.
 
હાલનાં વર્ષોમાં આવી જુનવાણી માન્યતાઓ સામે પડકારો ફેંકાતા રહ્યા છે. ખાસ કરીને શહેરની શિક્ષિત મહિલાઓ હવે આવી બાબતોને સ્વીકારતી નથી. જોકે, હાલમાં જ આવેલા બે અહેવાલો દર્શાવે છે કે ભારતમાં હજીય રજસ્રાવના મુદ્દે રહેલી નારીની મુશ્કેલીઓ દૂર થઈ નથી. બહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓએ આ મુદ્દે એવા નિર્ણયો લેવા પડે છે, જેની લાંબા ગાળાની અસરો તેમનાં સ્વાસ્થ્ય અને જીવન પર પડે છે.
 
ખાસ કરીને અસહાય અને અશિક્ષિત ગરીબ પરિવારની સ્ત્રીઓએ એવું પગલું લવું પડે છે, જેનાથી કાયમી નુકસાન થાય છે.
 
શેરડીના ખેતરમાં કામ મળી રહે તે માટે મહિલાઓએ કૂખ કઢાવી નાખી
પહેલા સમાચાર આવ્યા હતા મહારાષ્ટ્રમાંથી, જેના જણાવ્યા અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં હજારો યુવાન નારીઓએ સર્જરી કરાવીને પોતાનાં ગર્ભાશય કઢાવી નાખ્યાં છે. તેમાંની મોટા ભાગની સ્ત્રીઓએ શેરડીના ખેતરમાં કામ મળી રહે તેવા હેતુથી પોતાની કૂખ કઢાવી નાખી હતી.
 
દર વર્ષે બીડ, ઓસ્માનાબાદ, સાંગલી અને સોલાપુરના હજારો ગરીબ પરિવારો વધુ સમૃદ્ધ ગણાતા પશ્ચિમ તરફના જિલ્લાઓમાં કામ કરવા માટે પહોંચે છે.
 
આ પ્રદેશને મહારાષ્ટ્રનો 'સ્યુગર બેલ્ટ' કહેવામાં આવે છે. છ મહિના સુધી આ વિસ્તારમાં શેરડીનાં ખેતરોમાં શેરડી કાપવાનું કામ મળી રહી છે.
 
જોકે અહીંના શેરડીનાં ખેતરોમાં કામ કરવા આવતા આ મજૂરો કૉન્ટ્રેક્ટરોની દયા પર જ હોય છે અને તેમનું ભારે શોષણ થતું હોય છે.
 
શેરડી કાપવાનું કામ મહેનત માગી લેનારું હોય છે એટલે કૉન્ટ્રેક્ટરો મહિલાઓને મજૂરીએ રાખવા અચકાતા હોય છે.
 
બીજું દર મહિને માસિકસ્ત્રાવના કારણે સ્ત્રીઓ વળી બે કે ત્રણ દિવસ કામે ના આવે. શેરડી કપાણનું કામ એક દિવસ પણ પાડવામાં આવે તો ઊલટાનો દંડ લેવામાં આવતો હોય છે.
 
ખેતરોની આસપાસ જ ઝૂંપડાં બનાવીને આ મજૂરો રહેતા હોય છે. અહીં સંડાસ-બાથરૂમ જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. ઘણી વાર રાત્રે પણ શેરડી કાપવાનું કામ ચાલતું હોય છે એટલે આરામનો અને સૂવાનો પણ નક્કી સમય હોતો નથી.
 
આવી કપરી સ્થિતિમાં માસિકમાં બેસતી સ્ત્રીઓ માટે સ્થિતિ વધારે દુષ્કર બની જતી હોય છે.
 
આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોતું નથી, તેના કારણે સ્ત્રીઓને ઘણી વાર ઇન્ફૅક્શન લાગી જાય છે. આવા સંજોગોમાં લેભાગુ ડૉક્ટરો તેમને જરૂર ના હોય તો પણ સર્જરી કરાવી લેવાનું કહેતા હોય છે એમ આ વિસ્તારમાં કામ કરતા સ્વયંસેવી કાર્યકરો કહે છે.
 
સામાન્ય ગાયનેક સમસ્યા માટે સ્ત્રીઓ ડૉક્ટરો પાસે જતી હોય છે, જેની સારવાર દવા આપીને થઈ શકે, પણ લેભાગુઓ તેમને ઑપરેશન કરાવવું પડશે એવું કહી દેતા હોય છે.
 
આ પ્રદેશોમાં નાની ઉંમરે લગ્ન થઈ જતાં હોય છે. તેના કારણે યુવાનારી વીસીમાં પ્રવેશી હોય ત્યાં સુધીમાં તેને એક કે બે સંતાન પણ થઈ ગયાં હોય છે. આવા સંજોગોમાં સ્ત્રીઓ ગર્ભાશય કઢાવી નાખવા માટે તૈયાર થઈ જતી હોય છે.
 
ઑપરેશન બાદ મહિલાઓને દુખાવાની ફરિયાદ
 
બીજું કે ડૉક્ટરો મહિલાઓને એવું જણાવવાની તસદી નથી લેતા કે હિસ્ટરેક્ટમીનું ઑપરેશન કરાવવાથી તેમને કાયમી કેવી સમસ્યા થઈ શકે છે. ગર્ભાશય કઢાવી નાખવાની વ્યાપક બનેલી આવી રીતના કારણે આ પ્રદેશોમાં કેટલાંક ગામોની સ્થિતિ હવે 'ગર્ભાશય વિનાની નારીઓનું ગામ' એના જેવી થઈ ગઈ છે. ગયા મહિને આ મુદ્દો ધારાસભ્ય નીલમ ગોર્હે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો. તે પછી રાજ્યના આરોગ્યમંત્રી એકનાથ શિંદેએ સ્વીકાર્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં માત્ર બીડમાં જ 4,605 ગર્ભાશય કઢાવી નાખવાના ઑપરેશન થયાં છે. જોકે તેમણે એવો ખુલાસો કર્યો કે આ બધી જ શેરડીના ખેતરમાં મજૂરી કરનારી સ્ત્રીઓ નથી. આમાંના ઘણા કિસ્સાઓની તપાસ કરવા માટે એક સમિતિ બેસાડાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
 
બીબીસી મરાઠીમાં કામ કરતાં મારા સહકર્મચારી પ્રજાક્તા ધુલપે બીડ જિલ્લાના વાંજરવાડી ગામની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા અનુસાર ઑક્ટોબરથી માર્ચ દરમિયાન દર વર્ષે ગામની 80 ટકા સ્ત્રીઓ શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે જતી રહે છે. તેમના અહેવાલ અનુસાર ગામની અડધોઅડધ સ્ત્રીઓએ પોતાનું ગર્ભાશય કઢાવી નાખ્યું છે. તેમાંની મોટા ભાગની સ્ત્રીઓની ઉંમર 40થી ઓછી છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ હજી વીસીમાં જ પ્રવેશી છે.
 
આવી ઘણી મહિલાઓ સાથે પ્રજાક્તાએ મુલાકાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ઑપરેશન કરાવ્યા પછી તેમની તબિયત સારી રહેતી નથી. એક મહિલાએ જણાવ્યું કે તેમને 'સતત પીઠમાં, ગળામાં અને ઘૂંટણમાં દુખાવો' રહે છે. સવારે પોતે ઊઠે ત્યારે 'હાથ, મોઢું અને ઘૂંટણી સૂઝી ગયેલાં હોય છે' એમ તેમણે કહ્યું. અન્ય એક મહિલાએ કહ્યું કે તેને સતત ઘેન જેવું લાગ્યા કરે છે. થોડું ચાલીને જવું હોય તો પણ હવે જવાતું નથી એવી તેમની ફરિયાદ હતી. આ બંને સ્ત્રીઓનું કહેવું હતું કે આવી શારીરિક સમસ્યાઓને કારણે હવે તેઓ ખેતમજૂરીનું કામ કરી શકવાની સ્થિતિમાં નથી.
 
આવી જ ચિંતા જગાવનારા બીજા સમાચાર આવ્યા હતા તામિલનાડુથી. તામિલનાડુની લાખો ડૉલર કમાતી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી કેટલીક સ્ત્રીઓએ ચિંતાજનક ફરિયાદ કહી હતી. તેમનું કહેવું હતું કે તેઓ માસિક વખતે દુખાવાની ફરિયાદ કરે ત્યારે તેમને રજા આપી દેવાના બદલે લેબલ વિનાની દવાઓ પિવરાવી દેવામાં આવતી હતી. થોમસન રોઇટર ફાઉન્ડેશને 100 જેટલી સ્ત્રીઓ સાથે મુલાકાત કરીને કરેલા પર્દાફાશ અનુસાર આ દવાઓ કોઈ ડૉક્ટરને પૂછીને આપવામાં આવતી નહોતી.
 
ગાર્મેન્ટના કારખાનામાં કામ કરનારી મોટા ભાગની ગરીબ પરિવારની સ્ત્રીઓનું કહેવું હતું કે માસિકસ્ત્રાવની તકલીફના કારણે એક દિવસની રજા પાડવી પડે એ તેમને પરવડે નહિ. 
 
દવાઓને કારણે મહિલાઓની તબિયત બગડવા લાગી
 
મુલાકાત લેવામાં આવી તે બધી જ 100 સ્ત્રીઓએ જણાવ્યું કે તેઓએ આવી દવા લીધી હતી. તેમાંની અડધોઅડધનું કહેવું હતું કે એ દવાના કારણે તેમની તબિયતને અસર થઈ હતી. મોટા ભાગની સ્ત્રીઓએ કહ્યું કે તેમને દવાનું નામ જણાવાયું નહોતું અથવા તેના કારણે શું આડઅસર થઈ શકે તેની ચેતવણી આપવામાં આવી નહોતી. ઘણી બધી સ્ત્રીઓનું કહેવું હતું કે આ દવાના કારણે જ તેમની તબિયત બગડવા લાગી છે. ડિપ્રેશન અને ચિંતા, પેશાબમાર્ગમાં ચેપ અને કસુવાવડ જેવી સમસ્યાઓ થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
 
આ અહેવાલો જાહેર પ્રગટ થયા તે પછી સત્તાવાળાઓ જાગ્યા હતા. નેશનલ કમિશન ફૉર વિમેને મહારાષ્ટ્રની સ્ત્રીઓની હાલતને 'દુખદાયક અને દયાજનક' ગણાવીને મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું કે ભવિષ્યમાં સ્ત્રીઓ પર આવો 'અત્યાચાર' ના થાય તે માટે પગલાં લેવાં જોઈએ. તામિલનાડુમાં સરકારે જણાવ્યું હતું કે ગાર્મેન્ટ ઉદ્યોગમાં કામ કરતા કામદારોના આરોગ્ય પર તે હવેથી દેખરેખ રાખશે.
 
આ અહેવાલો એવા સમયે પ્રગટ થયા છે, જ્યારે વિશ્વભરમાં સ્ત્રીઓ વધારે પ્રમાણમાં રોજગારના ક્ષેત્રમાં સક્રિય થાય તે માટે નીતિઓ ઘડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં મહિલા કામદારોની સંખ્યા ઘટી રહી છે. 2005-06માં કામદારોમાં સ્ત્રીઓનું પ્રમાણ 36% હતું, તે 2015-16માં ઘટીને 25.8% જેટલું થઈ ગયું હતું. સ્ત્રીઓએ કેવા સંજોગોમાં કામ કરવું પડે છે તેનો વિચાર કરીએ ત્યારે આ સ્થિતિનું કારણ સમજી શકાય તેવું છે.
 
ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય કેટલાક દેશોમાં માસિકસ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓને એક દિવસની રજા આપવામાં આવે છે. ઘણી ખાનગી કંપનીઓ પણ આવી રજા આપે છે. "ભારતમાં પણ બિહાર જેવા રાજ્યમાં છેક 1992થી દર મહિને સ્ત્રીઓને બે દિવસની વધારાની રજા મળે છે. તેનો ફાયદો થઈ રહ્યો હોવાનું જણાય છે," એમ નીતિ આયોગના જાહેર નીતિ વિષયક બાબતોના નિષ્ણાત ઉર્વશી પ્રસાદનું કહેવું છે. ગયા વર્ષે એક મહિલા સાંસદે મેન્સ્ટ્રુઅલ બૅનિફિટ્સ બિલ પણ સંસદમાં દાખલ કર્યું હતું. દેશમાં કામકાજ કરતી દરેક સ્ત્રીને મહિને બે દિવસની રજા માટેની જોગવાઈ કરતો આ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે.
 
ઉર્વશી પ્રસાદનું કહેવું છે કે ભારત જેવા વિશાળ દેશમાં કોઈ પણ નીતિને લાગુ પાડવાનું કામ અઘરું હોય છે. બિનસંગઠિત ક્ષેત્રમાં તે કામ વધારે મુશ્કેલ હોય છે, કેમ કે પૂરતું નિયંત્રણ ત્યાં હોતું નથી. 
જોકે તેઓ કહે છે કે સંગઠિત ક્ષેત્રમાં શરૂઆત કરવામાં આવે તો તેનાથી બદલાયેલી માનસિકતાનો સંદેશ જશે અને ભારતમાં રજસ્રાવના મુદ્દે ચાલતી ખોટી માન્યતાઓ દૂર કરવામાં મદદરૂપ થશે.
 
"સંગઠિત ખાનગી ક્ષેત્રમાં અને સરકારમાં આ મુદ્દે મક્કમ વલણ લેવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ બેઠેલા લોકો યોગ્ય સંદેશ વહેતો કરે તેવું આપણે કરવાની જરૂર છે," એમ તેઓ કહે છે.
 
"કોઈક જગ્યાએથી આપણે શરૂઆત કરવી રહી અને તેના કારણે આખરે બિનસંગઠિત ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે તેવી અપેક્ષા આપણે રાખી શકીએ."
 
જોકે મેન્સ્ટ્રુઅલ બૅનિફિટ્સ બિલ એ સાંસદે રજૂ કરેલું વ્યક્તિગત બિલ છે અને તેને ગંભીરતાથી લેવામાં આવે તેવી શક્યતા ઓછી છે.
 
સંજોગવશાત્ આ ખરડો કાયદો બની શકે તો તામિલનાડુની ગાર્મેન્ટ ફૅક્ટરીઓમાં કામ કરતી મહિલાઓને તેનો લાભ મળી શકે છે. કારખાનેદારોએ કાયદો બને તો તેનો અમલ કરવો પડે. જોકે આવાં કલ્યાણકારી પગલાંનો ભારતના વિશાળ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને ભાગ્યે જ મળે છે. તેનો અર્થ એ કે કાયદો બની જાય તો પણ મહારાષ્ટ્રના શેરડીનાં ખેતરોમાં કામ કરનારી નારીઓએ કૉન્ટ્રેક્ટરોની દયા પર જ નભવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

આ તો ઘણી થઈ ! છોકરી માત્ર ટુવાલ પહેરીને ઇન્ડિયા ગેટ પર પહોંચી, લોકોએ ક્લાસ લગાવી

Marriage AnniversaryWishe In Gujarati: વેંડિંગ એનીવર્સરીની શુભેચ્છા

Jharkhand Assembly Election 2024 - ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પ્રથમ તબક્કામાં 528 ઉમેદવારોનું ભાવિ દાવ પર

Maharashtra Assembly Election Live: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ શરૂ, 4136 ઉમેદવારોની કિસ્મત EVMમાં થશે કેદ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, પારો ગગડ્યો; હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી છે

આગળનો લેખ
Show comments