Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની હારના 5 કારણ જેને લીધે ત્રીજીવાર વર્લ્ડકપ જીતવાનું સપનું રોળાયું

ભારતની હારના 5 કારણ જેને લીધે ત્રીજીવાર વર્લ્ડકપ જીતવાનું સપનું રોળાયું
, ગુરુવાર, 11 જુલાઈ 2019 (08:12 IST)
વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં ટકરાયા હતા, જેમાં ભારતનો 18 રને પરાજ્ય થયો છે. હાર સાથે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં મંગળવારે મૅચ યોજાઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ ટૉસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેવટે બંને ટીમની પહેલીવાર સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પણ ભારત હારી ગયું છે.
 
9 તારીખે મંગળવારે યોજાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં 211 રન કર્યા હતા. વરસાદ પડતાં મૅચ રોકાઈ હતી અને બીજા દિવસે એટલે કે બુધવારે 10 તારીખે ફરી રમાઈ હતી. બુધવારે ફરી મૅચ શરૂ થતા ન્યૂઝીલૅન્ડે આઠ વિકેટ ગુમાવીને ભારતને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વર્લ્ડ કપમાં અગાઉ ભારતની ન્યૂઝીલૅન્ડ સાથે લીગ મૅચ હતી, પરંતુ એ મૅચ વરસાદને કારણે શરૂ નહોતી થઈ શકી અને બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.
webdunia
1 ઓપનિંગ જોડી નિષ્ફળ
 
ભારતીય ઓપનર બૅટ્સમૅન રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેઓએ આ ટુર્નામેન્ટમાં સળંગ ત્રણ અને કુલ પાંચ સદી ફટકારી હતી.
રોહિત શર્મા પાસેથી ઘણા બધા વિશ્વવિક્રમો સ્થાપવાની તક હતી, પણ તેઓ સેમિફાઇનલમાં નિષ્ફળ નીવડ્યા. તો કે. એલ. રાહુલ પણ ચાલ્યા નહીં. રોહિત શર્મા અને કે. એલ. રાહુલ એક-એક રન કરીને હેનરીની ઓવરમાં કૅચઆઉટ થયા હતા. બંનેના કૅચ લાથમે કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આઠ મૅચમાં 647 રન બનાવનાર ભારતીય બૅટ્સમૅન રોહિત શર્મા આ ટુર્નામેન્ટના સૌથી સફળ બૅટ્સમૅન રહ્યા હતા.
 
2. ત્રણ બૅટ્સમૅનના ત્રણ રન
 
તો ત્રીજા ક્રમે આવેલા ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી પણ માત્ર એક રન બનાવી શક્યા હતા. વિરાટ કોહલી બોલ્ટની ઓવરમાં એલબીડબલ્યૂ (લેગ બિફૉર વિકેટ) આઉટ થયા હતા. અમ્યાયરે તેમના આઉટ જાહેર કર્યા હતા. વિરાટે રિવ્યૂ લીધો હતો પણ રિવ્યૂમાં તેઓ આઉટ સાબિત થયા હતા. અત્યાર સુધીની મોટા ભાગની મૅચમાં ઓપનિંગ જોડી તૂટ્યા બાદ વિરાટ કોહલી આવીને બાજી સંભાળી લેતા હતા. બોલ્ટ અને હેનરીએ ઓપનિંગ સ્પેલ શાનદાર નાખ્યો હતો. ભારતની વિકેટ પડતાં બૅટ્સમૅન દબાણમાં આવી ગયા હતા અને તેમને વિકેટ સાચવવા સિવાય કોઈ આરો નહોતો. 3.1 ઓવર સુધીમાં ભારતની ત્રણ વિકેટ પડી હતી અને ચોથી વિકેટના રૂપમાં દિનેશ કાર્તિક 9.6 ઓવરમાં 25 બૉલમાં માત્ર એક કરીને શક્યા હતા. તેઓએ પણ હેનરીની ઓવરમાં નીશમના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.
 
3. ધોનીના સ્થાને દિનેશ કાર્તિકનું આવવું ભૂલ?
 
ભારતીય ટીમ આમેય ઘણા સમયથી મજબૂત મિડલ ઑર્ડરની કમીનો સામનો કરી રહી છે. ત્યારે વિરાટ કોહલી આઉટ થયા બાદ મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને દિનેશ કાર્તિકના આવવા પર પણ સવાલો ઊઠ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ લોકોએ દિનેશ કાર્તિકના આવવાને ભારતીય ટીમ માટે નુકસાનકારક ગણાવ્યું હતું. પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ જોતા તેણે વહેલા આવવું જોઈતું હતું એવું નિષ્ણાતો પણ માની રહ્યા છે. ભલે આ વર્લ્ડ કપમાં ધોની એટલું સારું પ્રદર્શન ન કરી શક્યા હોય, પરંતુ તેઓ બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા છે. ઘણી મૅચમાં ભારતને જીત અપાવી છે.
webdunia
4. ટૉસ હારવો હારની શરૂઆત?
 
સામાન્ય રીતે આ પીચ પર પહેલાં જે ટીમ બેટિંગ કરે તેને મોટા ભાગે ફાયદો થતો હોય છે. રન ચેઝ કરવામાં પાછળની ટીમને મુશ્કેલી પડતી હોય છે. આ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીત્યો અને સ્વાભાવિક રીતે જ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ આઠ વાર ટકરાયા છે. જેમાં કિવી ટીમનું પલ્લું ભારે રહ્યું છે. જોકે, ભારતીય બૉલરોએ શરૂઆતથી મૅચ પર પકડ જમાવી હતી. પહેલી બે ઓવર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વરે મેડન નાખી હતી. છેક 17મા બૉલે ન્યૂઝીલૅન્ડે પહેલો રન લીધો હતો.
 
5. રવીન્દ્ર જાડેજાની મહેનત એળે ગઈ
 
ગુજરાતી ઑલરાઉન્ટર રવીન્દ્ર આ સેમિફાઇનલમાં છવાયેલા રહ્યા હતા. બૉલિંગ, ફિલ્ડિંગથી માંડીને તેઓ બેટિંગમાં પણ ખરા ઊતર્યા હતા. આઠમા નંબરે આવેલા રવીન્દ્ર જાડેજાએ શરૂઆતથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જાડેજાએ ચાર સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી 59 બૉલમાં 77 રન ફટાકાર્યા હતા. જોકે, તેઓ બોલ્ટની ઓવરમાં કૅપ્ટન વિલિયમસનના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા. ધોની 72 બૉલમાં 50 રન કરીને પેવેલિયન ભેગા થયા હતા. માર્ટિન ગુપ્ટિલે ડાયરેક્ટ થ્રો મારીને ધોનીને રનઆઉટ કર્યા હતા. એક તબક્કે મૅચ ભારતની તરફ આવી ગઈ હતી. પણ ધોની અને જાડેજાની જોડી તૂટતાં ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.
 
ઓપનિંગમાં આવેલા માર્ટિન ગુપ્ટિલ માત્ર એક કરીને બુમરાહની ઓવરમાં કોહલીના હાથે ઝલાઈ ગયા હતા. તો ઓપનિંગમાં આવેલા નિકોલસ પણ 51 બૉલમાં 28 રન કરીને પેલેવિયન ભેગા થયા હતા. જોકે, ત્રીજા અને ચોથા ક્રમે આવેલા કૅપ્ટન વિલિયમસન અને ટેલરે બાજી સંભાળી હતી. ન્યૂઝીલૅન્ડ તરફથી રોસ ટેલરે સૌથી વધુ 90 બૉલમાં 74 રન કર્યા હતા, જ્યારે કૅપ્ટન વિલિયમસને 95 બૉલમાં 67 રન કર્યા હતા. આ જોડીને કારણે ન્યૂઝીલૅન્ડ પ્રમાણમાં સન્માનજનક સ્કોર કરી શક્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 43 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ધડાકાભેર તૂટી પડયું હોવાની ઘટના વાયરલ