Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ગાંધીનો યુપી પોલીસ પર આરોપ, 'મારું ગળું પકડવામાં આવ્યું', પોલીસે આરોપ નકાર્યો

Webdunia
રવિવાર, 29 ડિસેમ્બર 2019 (10:53 IST)
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની પોલીસ પર આરોપ લગાવ્યો છે કે લખનૌમાં તેઓ જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી એસ. આર. દારાપુરી અને કૉંગ્રેસ કાર્યકર સદફ જાફરને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
દારાપુરી અને સદફની નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કરાયેલા પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરવામાં આવી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું, "મને ઘેરવામાં આવી, મારું ગળું પકડવામાં આવ્યું અને મને રોકવામાં આવી."
જોકે, આ મામલે રવિવારે સમાચાર સંસ્થા એએનઆઈને લખનઉના સર્કલ ઑફિસર અર્ચના સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધી સાથે કોઈ ગેરવર્તન નથી કરવામાં આવ્યું. આ વાત ખોટી છે. મેં ફક્ત મારી ફરજ બજાવી.
 
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "મને પકડીને ધકેલવામાં આવી. એ બાદ હું પડી ગઈ. એ બાદ હું એક કાર્યકરના સ્કૂટર પર બેસીને નીકળી ગઈ. મને મહિલા પોલીસ અધિકારીએ રોકી હતી."
તેમણે કહ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં થયેલાં હિંસક પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરાયેલા સેવાનિવૃત્ત આઈપીએસ એસ. આર. દારાપુરીના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યાં હતાં.
એ દરમિયાન લખનૌના લોહિયા ચોક પર તેમને અટકાવવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
 
લખનૌમાં ગત સપ્તાહે નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શન દરમિયાન સદફ જાફરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારાપુરીની લખનૌમાં 19 ડિસેમ્બરે સંબંધિત કાયદા વિરુદ્ધ યોજાયેલી એક રેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, પ્રિયંકા ગાંધી દારાપુરીના પરિવારજનોને મળવામાં સફળ રહ્યાં હતાં અને તેમણે પોલીસ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રિયંકાએ એવું પણ કહ્યું, "હું તેમના પરિવારજનોને મળી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીની અટકાયતને પગલે તેમનો પરિવાર આઘાતમાં છે."
સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં પ્રિયંકાએ જણાવ્યું, "રસ્તા પર અમને અટકાવવાનો કોઈ અર્થ નથી."
પ્રિયંકાએ એવું પણ જણાવ્યું કે દારાપુરી 76 વર્ષના પૂર્વ પોલીસ અધિકારી છે અને તેમણે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા માટે ફેસબુક પર પોસ્ટ કરી હતી. એમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
પ્રિયંકાએ પૂછ્યું, "દારાપુરીનાં પત્ની બહુ બીમાર છે. આ બધુ શા માટે? તમારી નીતિ એમને પસંદ નથી એવા માટે?"
પ્રિયંકાએ પોતાના ફેસબુક પેજ પર પણ લખ્યું હતું, "મારો નિશ્ચય અટલ છે. હું ઉત્તર પ્રદેશમાં પોલીસદમનનો શિકાર થયેલા તમામ નાગરિકોની સાથે ઊભી છું. ભાજપ સરકાર કાયરોવાળી હરકત કરી રહી છે. હું ઉત્તર પ્રદેશની પ્રભારી છું અને હું ઉત્તર પ્રદેશમાં ક્યાં જઉં એ ભાજપની સરકાર નક્કી નહીં કરે."
 
પ્રિયંકા ગાંધી સાથે થયેલા કથિત ગેરવર્તન બાદ મહિલા કૉંગ્રેસનાં વડાં સુસ્મિતા દેવે પત્રકારપરિષદ યોજીને ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને રાજ્યની પોલીસની નિંદા કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "લખનૌમાં કૉંગ્રેસનાં મહાસચિવ અને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસનાં પ્રભારી પ્રિયંકા ગાંધી લખનૌમાં હતાં ત્યારે આ ઘટના ઘટી હતી."
તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પર સુરમુખત્યારની માફક વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ ઉત્તર પ્રદેશમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાની ઘટના અને તેમાં માર્યા ગયેલા લોકોના મામલે તેમણે યોગી આદિત્યનાથના રાજીનામા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની પણ માગ કરી હતી.
 
આ પહેલાં પ્રિયંકા રવિવારે બિજનોરમાં નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા પહોંચ્યાં હતાં. બાદમાં તેમણે મેરઠમાં માર્યા ગયેલા લોકોને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુપી પોલીસે તેમને મેરઠમાં પ્રવેશતાં અટકાવી દીધાં હતાં.

સંબંધિત સમાચાર

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments