Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાત જૂનાગઢની એ વ્યક્તિની જેમણે પાકિસ્તાનના નાગરિકત્વનો દાવો કર્યો

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (19:21 IST)

પાકિસ્તાનમાં સોમવારે સિંધની હાઈકોર્ટમાં જસ્ટિસ સલાહુદ્દીન પન્હવાર અને શમ્સુદ્દીન અબ્બાસીએ જૂનાગઢની એક વ્યક્તિની એ અરજી પર સુનાવણી કરી જેમાં તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ ન મળવાની ફરિયાદ કરી હતી.

છોટું મિયાંએ અરજીમાં કહ્યું છે, "તેઓ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે વર્ષ 2007માં પાકિસ્તાન આવ્યા હતા પરંતુ હજુ સુધી તેમને પાકિસ્તાનનું નાગરિકત્વ મળ્યું નથી."

તેમનું માનવું છે, "જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો એટલે જૂનાગઢના રહેવાસી પાકિસ્તાનના નાગરિક છે."

ભારતના ભાગલા પડ્યા ત્યારે ઉપમહાદ્વીપમાં એવાં કેટલાય રજવાડાં હતાં, જેમાં નવાબોનું રાજ હતું. જૂનાગઢ પણ આવું જ એક રજવાડું હતું.

જૂનાગઢની 80 ટકા જેટલી વસતી હિંદુ હતી પરંતુ નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે, આઝાદીના થોડા મહિના બાદ જૂનાગઢને ભારતમાં અધિકૃત રીતે જોડી દેવાયું હતું.

તો શું હવે જૂનાગઢના રહેવાસીઓને પાકિસ્તાનનું નાગરિકત્વ આપી શકાય? સિંધની હાઈકોર્ટે આ બાબતે પાકિસ્તાનની સરકારનો મત માગ્યો છે.

છોટું મિયાંના વકીલ સૈયદ સિકંદરે બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાનમાં જૂનાગઢમાંથી લોકો આવતા રહે છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાન તેમને નાગરિકત્વ આપવા માટે બંધાયેલું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ પ્રક્રિયા બંધ હોવાથી હાલ તંત્રને આ મામલે કોઈ જાણ નથી."
 



"જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો એ મામલે ન તો સરકારી વકીલને જાણ છે કે ન તો ન્યાયાધીશોને. એટલે કોર્ટે સરકારી વકીલોને સંઘીય સરકારનું વલણ જાણી કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો છે."

વકીલ સૈયદ સિકંદર મુજબ પાકિસ્તાનની આઝાદીના બે મહિના બાદ ભારતે જૂનાગઢ પર કબજો કર્યો હતો અને આ મામલે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ પહોંચ્યું હતું.

પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 2-ડીને ટાંકતાં તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનનું બંધારણ જૂનાગઢના રહેવાસીને પણ નાગરિકત્વ આપે છે.

પાકિસ્તાનના બંધારણની આ જોગવાઈ હેઠળ, આ આર્ટિકલ ત્યારે જ લાગુ પડશે જ્યારે કોઈ રાજ્ય કે પ્રાંત પાકિસ્તાનમાં ભળી ગયાં હોય અથવા કોઈ અન્ય રીતે જોડાઈ ગયાં હોય.

આ પછીના ધારા પ્રમાણે, પાકિસ્તાનની સંસદ, કાયદાકીય પ્રમાણે નવા રાજ્યો અથવા પ્રદેશને સંસદને યોગ્ય લાગે તે પ્રમાણેની શરતે સંઘમાં સામેલ કરે.

જોકે, પૂર્વવર્તી ધારા પ્રમાણે પાકિસ્તાનની ભૌગોલિક સરહદમાં ખૈબર-પખ્તૂનખ્વા. બલૂચિસ્તાન, સિંધ અને પંજાબ આવે છે.
 

જૂનાગઢમાં શું થયું હતું?


ઉપમહાદ્વીપના ભાગલા પડ્યા, ત્યાર પહેલાં બ્રિટનની સરકારે 262 રાજ્યો અને દેશી રજવાડાંઓને માટે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ રજૂ કર્યો હતો.

આ દેશી રજવાડાંઓમાં જૂનાગઢ પણ સામેલ હતું, જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળી જવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાતનું જૂનાગઢ સાડા ત્રણ હજાર કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલું હતું જેનો એક ભાગ અરબી સાગરના કિનારે આવેલો છે.

જૂનાગઢ હિંદુ બહુલતાવાળો વિસ્તાર હતો જેનું શાસન મુસ્લિમ પરિવારના હાથમાં હતું.
 

ભારતના ભાગલા પડ્યા ત્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાને પાકિસ્તાન સાથે ભળી જવાનો નિર્ણય કર્યો અને 15 સપ્ટેમ્બર 1947ના દિવસે પાકિસ્તાને અધિકૃત ગૅઝેટિયર રજૂ કર્યું હતું, જેમાં તેની સીમામાં આવતાં સ્થળોનું વર્ણન હતું.

જોકે, પાકિસ્તાનની સરહદ જૂનાગઢને ક્યાંય અડતી નહોતી.

જૂનાગઢના સ્થાનિક લોકોએ નવાબના નિર્ણયનો વિરોધ કર્યો હતો, જેના આધારે ભારતીય સૈનિકોએ જૂનાગઢમાં પ્રવેશ કર્યો હતો.

પ્રિન્સલી અફેયર્સના લેખક યાકૂબ ખાન બંગશ કહે છે કે સર શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના નવાબના દીવાન હતા.

નવાબે દીવાનને કહ્યું હતું કે તેમને જે ઠીક લાગે તે પ્રમાણેનો નિર્ણય લે.

દીવાને રિજનલ કમિશનરને પત્ર લખીને સંપત્તિનું નુકસાન અને ખૂનખરાબો રોકવા માટે પ્રશાસનની મદદ કરવા કહ્યું.

9 નવેમ્બર, 1947ના ભારતે કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા જૂનાગઢને કબજે કરી લીધું.

પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાને ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરૂને ટેલિગ્રામ મોકલીને વિરોધ દર્શાવ્યો કે ભારતનું આ પગલું પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

જવાહરલાલ નેહરૂએ ભારતીય સેનાને જૂનાગઢની હઠાવવાનો ઇનકાર કર્યો અને લોકોની ઇચ્છા જાણવાનો વાયદો કર્યો હતો.

આ અંગે જનમત લેવામાં આવ્યો જેમાં ભારતની તરફેણમાં 19 હજાર મત આવ્યા અને પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત.
 

જૂનાગઢ પર ભારતને કબજો થઈ ગયો પછી જૂનાગઢના નવાબનો પરિવાર મહાબત ખાનનો પરિવાર, દીવાન શાહ નવાઝ ભુટ્ટો અને તેમના પાળેલાં કૂતરાં એક જહાજમાં સવાર થયાં અને પાકિસ્તાન પહોંચ્યા.

તેમના બેગમોમાંથી એક બેગમ અને એક બાળક જૂનાગઢમા રહી ગયાં હતાં. જોકે, તેઓ ક્યારેય પાછાં નહોતાં જઈ શક્યાં.

નવાબ મહાબત ખાનનું નિધન 7 નવેમ્બર, 1959ના દિવસે થયું હતું. તેઓ પોતાની પાછળ એક વિધવા અને તેમના 17 આશ્રિતો મૂકી ગયાં હતાં.

તેમના સૌથી મોટા પુત્ર નવાબ દિલાવર ખાનને રજવાડાના વારસ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જહાંગીરને નવાબ જાહેર કરવામાં આવ્યા હતા.પત્તિ બાબતે વિવાદ

 
પરિવારમાં તકરારને કારણે જૂનાગઢના નવાબની સંપત્તિનો મામલો સિંધ હાઈકોર્ટ પહોંચ્યો હતો.
 
1963માં કરાચીના કમિશનરે સંપત્તિના બે ભાગ પાડી દીધા; જે પૈકી એક ભાગ નવાબ દિલાવરને અપાયો, જ્યારે બાકીની સંપત્તિ બીજા વારસદારો વચ્ચે વહેંચી દેવાઈ.
 
અન્ય વારસદારોને કમિશનરના આ નિર્ણય સામે વાંધો પડ્યો અને તેમણે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી, જેમાં શરિયા કાયદા અનુસાર વહેંચણી કરવાની માગ કરાઈ. આ મામલો હજુ સુધી હાઈકોર્ટમાં જ પેન્ડિંગ પડ્યો છે.
 
જૂનાગઢના નવાબની સંપત્તિમાં ભારત સરકાર પાસે રહેલા 1.20 કરોડ રૂપિયા, પાકિસ્તાન સરકાર પાસે રહેલા 30 લાખ રૂપિયા, કરાચી ખાતે આવેલું કરોડોની કિંમત ધરાવતું જૂનાગઢ હાઉસ, માલિરમાં 16 એકરનો બાગ, હૈદરાબાદ ખાતેનો રૂપમહલ, ટાંડો હૈદરમાં આવેલ કૃષિ બાગ, ટાંડો મોહમ્મદ ખાન ખાતેની 500 એકર ખેતીની જમીન, ઘરેણાં અને હીરાનો સમાવેશ થાય છે.
 
જૂના વાયદા અને ફરિયાદો
થોડાં વર્ષો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢના હાલના નવાબ ખાન જહાંગીરે એવી ફરિયાદ કરી હતી કે તેમના પરિવારને પાકિસ્તાનમાં આવતાની સાથે જ નાગરિકતા મળી ગઈ હતી, પરંતુ પાછળથી આવનાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
 
તેમણે એવું પણ જણાવ્યું કે પહેલાં અમારા માટે નોકરીઓ માટે અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત જગ્યાઓ રાખવામાં આવતી જે જોગવાઈ હવે રદ્દ કરી દેવાઈ છે.
 
પહેલાં જૂનાગઢના નવાબને જકાતમુક્ત વાહનો અને ઈલેક્ટ્રોનિક પેદાશો મગાવવાની પણ છૂટ અપાતી હતી, આ મંજૂરી પણ પાછળથી રદ્દ કરી દેવાઈ હતી.
 

સંબંધિત સમાચાર

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments