Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gandhi@150 : કહાણી એ મનુ ગાંધીની જેઓ ગાંધીજીની અંતિમ ક્ષણોનાં સાક્ષી બન્યાં

સૌતિક બિસ્વાસ
બુધવાર, 2 ઑક્ટોબર 2019 (13:06 IST)

30 જાન્યુઆરી, 1948. સાંજનો સમય હતો. મહાત્મા ગાંધી તેમના ઘરના બગીચામાં યોજાતી પ્રાર્થનાસભામાં જવા માટે ડગલાં ભરી રહ્યાં હતાં. મહાત્મા ગાંધી દિલ્હીમાં જે બંગલામાં રહેતા હતા એ મોટા ભારતીય ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાનો હતો.

ગાંધીની સાથે રાબેતામુજબ તેમનાં બે અનુયાયી મનુ અને આભા હતાં. (મનુ મહાત્મા ગાંધીના મોટા ભાઈનાં પૌત્રી, જ્યારે આભા મહાત્મા ગાંધીના ભાઈનાં પૌત્રવધુ. આભાબહેનના પતિનું નામ કનુ ગાંધી).

પ્રાર્થનામંચ પર જવા માટે 78 વર્ષના મહાત્મા પગથિયાં ચડી રહ્યાં હતાં ત્યારે ખાખી કપડામાં સજ્જ એક પુરુષ ભીડમાંથી બહાર આવે છે. તે મનુને બાજુ પર ધકેલી દે છે અને પિસ્તોલ કાઢી ત્રણ ગોળી કૃશકાય નેતાની છાતી તથા પેટમાં ધરબી દે છે.

મહાત્મા ગાંધી "હે રામ…" બોલતાં એ મહિલાના ખોળામાં દમ તોડી દે છે. એ મહિલા મહાત્મા ગાંધીના મુશ્કેલી અને ખળભળાટભર્યાં અંતિમ વર્ષોમાં તેમના વિશ્વાસુ સેવિકા તથા એ સમયગાળાની ઘટનાઓના નોંધકર્તા બની રહ્યાં.

પોતાના મૃત્યુના એક વર્ષથી પણ ઓછા સમય પૂર્વે મે, 1947માં મહાત્મા ગાંધીએ ભાવિનો સંકેત મળી ગયો હોય તેમ મનુને જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે કે મનુ તેમના મૃત્યુનાં 'સાક્ષી' બને.

ગાંધીની ચાહના


મનુ માત્ર 14 વર્ષની વયે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં સૌથી ઓછી વયનાં કેદી બન્યાં હતાં.

બ્રિટિશ શાસનના અંતની માગણી સબબ અગાઉ જેલવાસ ભોગવનાર મહાત્મા ગાંધી સાથે મનુ જોડાયાં હતાં અને 1943થી 1944 દરમિયાન લગભગ એક વર્ષ કારાવાસ ભોગવ્યો.

આ કારાવાસમાં મનુએ ડાયરી લખવાનું પણ શરૂ કર્યું હતું.

એ પછીનાં ચાર વર્ષમાં એ કેદી તરુણી બની મોટા પ્રમાણમાં લેખન કરવા લાગ્યાં હતાં.

ગુજરાતી ભાષામાં લખાયેલી મનુ ગાંધીની ડાયરીના બાર ખંડોને સરકારી આર્કાઈવ્ઝમાં જાળવી રાખવામાં આવ્યા છે.

એ ડાયરીમાં મનુ ગાંધીનાં પોતાનાં લખાણ, મહાત્મા ગાંધીનાં ભાષણો તથા પત્રો અને મનુની 'ઇંગ્લિશ વર્ક બુક'નો સમાવેશ થાય છે.

ગાંધીવિચારના વિદ્વાન ત્રિદીપ સુહ્રુદે એ ડાયરીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે અને તેનું પ્રકાશન હવે સૌપ્રથમ વાર કરવામાં આવ્યું છે.

એ ડાયરી મનુ ગાંધીની સદાની સંગાથી હતી. ઘાતક હુમલા પછી ગાંધીજી મનુ પર ઢળી પડ્યા ત્યારે એ ડાયરી મનુના હાથમાંથી પડી ગઈ હતી.

એ દિવસ પછી મનુએ ડાયરી રાખવાનું બંધ કર્યું હતું અને પુસ્તકો લખ્યાં હતાં તથા 1969માં 42 વર્ષની વયે અવસાન થયું ત્યાં સુધી મનુ ગાંધી મહાત્મા વિશે વાત કરતાં રહ્યાં હતાં.

જેલનું એ જીવન
મનુની ડાયરીના પહેલા ભાગમાં વયના પ્રમાણમાં તેઓનું વધુ પરિપકવ તથા અત્યંત ચકોર તરુણીનું પ્રતિબિંબ જોવા મળે છે.

એ તરુણી જેને ગાંધીમાં શ્રદ્ધા છે, જે તવારીખનાં ઊભરતી લેખિકા છે અને કારાવાસ દરમિયાનની દરેક ઘટનાઓને બારીકાઈથી નોંધે છે.

ગાંધીનાં પત્ની કસ્તૂરબાનું સ્વાસ્થ્ય ઝડપભેર કથળતું હતું ત્યારે તેમનાં સદાતત્પર સેવિકા તરીકેનો મનુનો પરિચય પણ આ ડાયરી મારફતે મળે છે.

જીવન કેવું નિરસ અને શિસ્તબદ્ધ હતું તે મનુની ડાયરીની પ્રારંભિક નોંધ વાંચતા સમજાય છે.

શાકભાજી સમારવાં, રાંધવું, કસ્તૂરબાને માલિશ કરવી તથા તેમના વાળમાં તેલ નાખી આપવું, સૂતર કાંતવું. વાસણ સાફ કરવાં અને ચોક્કસ દિવસોમાં સ્વમૂલ્યાંકન કરવું - એવાં બધાં દૈનિક કામોનો ક્યારેક અંત આવતો નહીં.

ડૉ. સુહ્રુદ કહે છે, "તમે એ યાદ રાખજો કે ગાંધી, તેમનાં પત્ની અને સાથીઓ જોડે મનુ પણ જેલમાં હતાં. તેમણે કેદી તરીકે સ્વૈચ્છિક ફરજ પણ બજાવવાની હતી. જીવન લાચાર અને ઉદાસ ભલે લાગે, પણ ગાંધી જેનું પાલન કરતા હતા તે આશ્રમની જીવનશૈલીના નિયમો પણ મનુ શીખી રહ્યાં હતાં."

મનુ ઔપચારિક શિક્ષણ પામ્યાં નહોતાં, પણ ગાંધીના માર્ગદર્શનમાં તેઓ અંગ્રેજી વ્યાકરણ, ભૂમિતિ અને ભૂગોળ શીખ્યાં હતાં.

મનુએ મહાકાવ્યો અને હિન્દુ ધર્મગ્રંથો વાંચવાનું શરૂ કર્યું હતું. "બીજું વિશ્વયુદ્ધ ક્યાં લડાઈ રહ્યું છે" એ પણ તેમણે નકશાપોથી જોઈને શોધી કાઢ્યું હતું.

તરુણી મનુએ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક ઇગ્લ્સ વિશે પણ વાંચ્યું હતું.

વ્યાકરણના અભ્યાસમાં ઘણો સમય જતો હતો. એક લેસન વિશેની નોંધમાં મનુએ લખ્યું છે કે "આજે મેં વિભક્તિ પ્રત્યય તથા અવ્યય અને વિધેયાત્મક તથા ઉપવિધેયાત્મક વિશેષણોનો અભ્યાસ કર્યો હતો."

ગાંધી અને તેમના સાથીઓ જોડેનું જેલમાંનું જીવન સંપૂર્ણપણે ઢંગધડા વગરનું નહોતું.

મનુ ગ્રામોફોન પર સંગીત સાંભળતાં હતાં, દૂર સુધી ચાલવા જતાં હતાં. ગાંધી સાથે "પિંગ પોંગ" (ટેબલ ટેનિસ) અને કસ્તૂરબા સાથે કૅરમ રમતાં હતાં. તેમજ ચૉકલેટ બનાવવાનું શીખતાં હતાં.

વેશભૂષા પ્રકારના એક કાર્યક્રમ માટે જેલમાંના ગાંધીના સહયોગીઓ રૂઝવેલ્ટ, ચર્ચિલ અને મેડમ ચાંગ કાઈ-શેકનો વેશ ધારણ કરવાની કેવી તૈયારી કરતાં હતાં તેના વિશેની નોંધ મનુએ કરી છે.

ગાંધીએ તે કાર્યક્રમના વિચારને ફગાવી દીધો હતો, કારણ કે તેમને "આવા નાટક" પસંદ નહોતા.

કસ્તૂરબાનું મૃત્યુ અને આઘાત


આ ડાયરીઓમાં દુર્ઘટનાઓની વ્યાપક નોંધ પણ છે.

મહાત્મા ગાંધીને તેમના અત્યંત નજીકના સહયોગી મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાનાં મૃત્યુથી જોરદાર આઘાત લાગ્યો હતો. તેની વિગતવાર નોંધ આ ડાયરીઓમાં છે. મહાદેવ દેસાઈ મહાત્માના અંગત સચિવ હતા.

ફેબ્રુઆરી, 1944માં કસ્તૂરબાનું મૃત્યુ થયું તે પહેલાનાં દિવસોનું હ્રદયદ્રાવક વર્ણન આ ડાયરીમાં છે.

એક રાતે કસ્તૂરબાએ તેમના પતિ ગાંધીને જણાવ્યું હતું કે તેમને બહુ જ પીડા થઈ રહી છે અને "આ મારા અંતિમ શ્વાસ છે."

"જાઓ, પણ શાંતિથી જાઓ. તમે એવું નહીં કરો?" એવું ગાંધીએ તેમને કહ્યું હતું.

અને શિયાળાની એક રાતે કસ્તૂરબા મૃત્યુ પામ્યાં ત્યારે તેમનું મસ્તક તેમના પતિના ખોળામાં હતું.

ગાંધીએ "આંખો બંધ કરી અને કસ્તૂરબાને આશીર્વાદ આપતાં હોય તેમ પોતાનું કપાળ કસ્તૂરબાના કપાળને અડાડ્યું હતું."

મનુએ લખ્યું છે કે "તેઓ એકમેકની સાથે જીવ્યાં હતાં. હવે ગાંધી પોતાની ભૂલોની અંતિમ ક્ષમા માગતા હતા અને કસ્તૂરબાને વિદાય આપતા હતા. કસ્તૂરબાના ધબકારા અટકી ગયા અને તેમણે અંતિમ શ્વાસ લીધા."

મનુ તરુણીમાંથી યુવતી બન્યાં પછી તેમની ડાયરીમાંની નોંધ લાંબી અને વિચારશીલ જણાય છે.

એ વિવાદાસ્પદ પ્રયોગ


ગાંધીના સૌથી વિવાદાસ્પદ અને અગમ્ય પ્રયોગ વિશે મનુએ નિખાલસ નોંધ કરી છે.

ડિસેમ્બર, 1946માં ગાંધીએ મનુને પોતાની સાથે એક પથારીમાં સૂવા જણાવ્યું હતું.

જીવનચરિત્રના લેખક રામચંદ્ર ગુહાના શબ્દોમાં "ગાંધી જાતીય ઇચ્છા પર વિજય મેળવવા માટે પરીક્ષણ અથવા આકરું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા." (ગાંધીનાં લગ્ન 13 વર્ષની વયે થયાં હતાં અને ચાર સંતાનોના પિતા બન્યા પછી 38 વર્ષની વયે તેમણે બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી).

પ્રયોગ માત્ર બે સપ્તાહ જ ચાલ્યો હતો અને તેની વ્યાપક નિંદા થઈ હતી, પરંતુ એ બાબતે મનુ શું માનતાં હતાં એ જાણવા માટે આપણે ડાયરીના આગામી ખંડોની રાહ જોવી પડશે.

આખરે મનુ ગાંધીનો પરિચય એક ઉમદા, લવચીક, વયના પ્રમાણમાં વધુ પરિપકવ, સમજદાર અને વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી તથા શક્તિશાળી નેતાઓ પૈકીના એકની સામે પોતાની વાત સિદ્ધ કરવા સક્ષમ વ્યક્તિ તરીકે મળે છે.

ડૉ. સુહ્રુદ કહે છે કે, "ગાંધી સાથે તેમના જીવનના છેલ્લા તબક્કામાં રહેવું આસાન નહોતું, તેઓ વૃદ્ધ થઈ ગયા હતા, સમય મુશ્કેલીભર્યો હતો. તેમનાં પત્ની તેમજ નજીકના સાથીઓ મૃત્યુ પામ્યાં હતાં. ગાંધીના અંતિમ દિવસો વિશેની આપણી સમજણ માટે આપણે મનુના ઋણી છીએ. તેઓ તવારીખનાં નોંધકર્તા અને એક ઇતિહાસકાર છે એ વાત સાચી છે."

ગાંધીએ મનુને 1944માં કહ્યું હતું કે "ચર્ચિલને ખાતરી થઈ ગઈ છે કે હું તેમનો સૌથી મોટો દુશ્મન છું. તેમાં કોઈ શું કરે? તેઓ માને છે કે મને જેલની બહાર રાખવામાં આવશે તો તેઓ દેશને દબાવીને અંકુશમાં નહીં રાખી શકે. લોકોમાં એક વાર આત્મવિશ્વાસ આવી જશે પછી તેઓ ભૂલશે નહીં. મને લાગે છે કે વધારે કામ કરવું પડશે."

ત્રણ વર્ષ પછી લોહિયાળ વિભાજન વચ્ચે દેશને આઝાદી મળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments