Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુલ્લામાં શૌચ કરી રહેલાં દલિત બાળકોની માર મારીને હત્યા

Webdunia
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (11:25 IST)
શુરૈહ નિયાઝી
ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે
SHURIAH NIAZI
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ખુલ્લામાં શૌચ કરી રહેલાં બે દલિત બાળકોની માર મારીને હત્યા કરી દેવાઈ છે. શિવપુરી જિલ્લાના સિરસૌદ પોલીસ સ્ટેશનની હદના ભાવખેડી ગામનો આ કેસ છે.
બુધવારે સવારે વાલ્મીકિ સમાજનાં બે બાળકો રોશની (ઉંમર 12 વર્ષ) અને અવિનાશ (ઉંમર 10 વર્ષ) પંચાયત ભવન સામેના રસ્તા પર શૌચ કરી રહ્યાં હતાં.
પોલીસના કહેવા પ્રમાણે હાકિમે બન્ને બાળકોને શૌચ કરવાની ના પાડી અને કહ્યું કે રસ્તો ખરાબ કરી રહ્યાં છો. એ પછી તેમણે રામેશ્વર સાથે મળીને હુમલો કરી દીધો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
માહિતી પ્રમાણે બન્ને મૃતક સગીર વચ્ચે ફોઈ-ભત્રીજાનો સંબંધ હતો.
ઘટના પછી તણાવને કારણે વિસ્તારમાં પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.
અવિનાશના પિતા મનોજ વાલ્મીકિએ દાવો કર્યો, "બન્ને સવારે 6 વાગ્યે શૌચ માટે નીકળ્યાં હતાં. હાકિમ અને રામેશ્વર યાદવે દંડાથી તેમને માર માર્યો. એ લોકોએ બન્નેનાં મૃત્યુ થઈ ગયાં ત્યાર સુધી માર માર્યો. હું પહોંચ્યો ત્યારે બન્ને ત્યાંથી ભાગી ગયા હતા."
ઘટના બાદ પોલીસે બન્ને બાળકોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે શિવપુરી મોકલ્યા હતા.
 
'અમારા ઘરમાં શૌચાલય બનવા ન દીધું'
 
રોશની મનોજની નાની બહેન હતી અને તેને તેઓ પોતાની દીકરી તરીકે ઉછેરતા હતા. અવિનાશ અને રોશની બન્ને ભાઈબહેનની જેમ રહેતાં હતાં.
મનોજ અને તેમના પરિવારના ઘરમાં શૌચાલય બનાવવા નહોતું દેવાયું. શૌચાલય ન હોવાને કારણે પરિવારે શૌચ માટે બહાર જવું પડતું હતું.
મનોજ એવું પણ કહે છે કે તેમના ઘરે શૌચાલય બનાવવા માટે પંચાયત પાસે પૈસા આવ્યા હતા પણ 'આ લોકોએ બનવા ન દીધું.'
તેઓ એવો પણ દાવો કરે છે કે આ લોકોના કારણે ગામમાં તેમના પરિવારના લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.
તેમણે એવું પણ જણાવ્યું કે બે વર્ષ પહેલાં ગામમાં ઝૂંપડી બાંધવા માટે લાકડાં કાપ્યાં જે બાદ તેમની આરોપીઓ સાથે દુશ્મનાવટ થઈ ગઈ.
મનોજ એવું પણ કહે છે કે આરોપીઓ તેમને ગાળો ભાંડતા હતા, ધમકાવતા અને મજૂરીનું વળતર પણ ઓછું આપતા હતા.
મનોજ પાસે કોઈ જમીન નથી અને તેમનો પરિવાર મજૂરી કરીને જ ગુજરાન ચલાવે છે.
 
પોલીસ શું કહે છે?
સિરસૌદ પોલીસ સ્ટેશનના પ્રભારી આર. એસ. ધાકડે જણાવ્યું, "બન્ને બાળકો ખુલ્લામાં શૌચ કરતાં હતાં, જેનાથી આરોપીઓને વાંધો હતો અને એ પછી તેમણે દંડાથી માર મારીને તેમની હત્યા કરી દીધી."
શિવપુરીના એસ.પી. રાજશે ચંદેલે જણાવ્યું કે આ કેસમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે અને તેમની પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "ભાવખેડીમાં દંડાથી માર મારીને બે બાળકોને મારી નાખ્યાં છે. બન્ને આરોપીઓ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની પૂછતાછ કરાઈ રહી છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments