Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સામે મમતા : 'અમે અહીં ટોપી-દાઢી સાથે છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ'

Webdunia
ગુરુવાર, 16 મે 2019 (09:00 IST)
મમતા બેનરજી : 'ચોકીદાર?'
 
ભીડ : 'ચોર હૈ.'
 
જનતા તરફથી સારો પ્રતિસાદ મળતા મમતા સ્ટેજના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં માઇક પકડીને ચાલે છે અને કહે છે, "હું બે મિનિટ મૌન રહું છું. તમે જોરથી બોલો, ચોકીદાર..."
 
પછી ભીડમાં 'ચોર હૈ'નો અવાજ બે મિનિટ સુધી ગૂંજતો રહ્યો. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે માહોલ ગરમ છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને બીજી પાર્ટીઓની રેલીઓ દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ સૌથી વધારે રેલીઓ અને રોડ શો તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને મુખ્ય મંત્રી મમતા બેનરજી કરી રહ્યાં છે.
 
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર તેઓ જે પ્રમાણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યાં છે, તેનાથી સ્પષ્ટ છે કે તેઓ ભાજપથી પરેશાન છે. દરેક રેલીમાં મમતા બેનરજી ચોકીદાર વાળું સૂત્ર બોલતાં રહે છે.
 
તેઓ સરેરાશ એક સભામાં એક કલાક લાંબુ ભાષણ આપે છે કે જેમાં અડધા કરતાં વધારે સમય તેઓ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરે છે. આ સામાન્ય ચૂંટણીનો છેલ્લો તબક્કો છે. અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટે મમતા બેનરજી પોતાનું તમામ જોર લગાવી રહ્યાં છે. તેઓ દરરોજ ત્રણથી ચાર ચૂંટણી સભા અને રોડ શો કરે છે. મુખ્ય મંત્રી પોતાનાં દરેક ભાષણમાં રફાલ, નોટબંધી, બેરોજગારી અને જીએસટી જેવા મુદ્દા ઉઠાવે છે.
 
તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપ પર સમાજને વિભાજિત કરવાનો આરોપ પણ લગાવે છે. તેમનાં સમર્થકોમાં ઉત્સાહ છે. રેલીઓમાં આવેલા લોકો તેમની દરેક વાતથી સહમત જણાય છે અને પોતાનાં નેતાના અવાજ સાથે અવાજ મિલાવે છે. 
કોલકાતાથી 100 કિલોમિટર દૂર આદમપુર ગામની વસતિ 200 જેટલી છે. આ બસિરહાટ મતવિસ્તારનું એક ગામ છે જ્યાં ટીએમસીનાં ઉમેદવાર ફિલ્મ સ્ટાર નુસરત જહાં ચૂંટણી મેદાને છે. મેં ગ્રામજનોને પૂછ્યું અહીં મત માગવા કોઈ ઉમેદવાર આવ્યા? તો જવાબ આવ્યો, નહીં. તે છતાં તેમનાં પ્રમાણે લોકોએ ટીએમસીના પક્ષમાં મત આપવાનું મન બનાવી લીધું છે.
 
મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર સમાજને વિભાજિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે એક 27 વર્ષીય યુવાને કહ્યું, "મમતા દીદીએ સ્કૂલે જતી છોકરીઓને સાઇકલ આપી છે. અમને ચોખા મળે છે. અમારા ગામડા સુધી રસ્તો બનાવી આપ્યો છે. અમારું જીવન સુખી છે. સીપીએમના રાજમાં અમે ગરીબ અને દુઃખી હતા."
 
આદમપુર નજીક આવેલા વધુ એક નાના એવા ગામની બહાર મેઇન રોડ પર કેટલાક મુસ્લિમો વાતચીત કરી રહ્યા હતા. તેઓ એક અવાજે મમતાનાં પક્ષમાં બોલે છે.
મેં પૂછ્યું કે કેટલાંક લોકો કહે છે કે મમતા પશ્ચિમ બંગાળના 30% મુસ્લિમોને મતબૅન્ક તરીકે વાપરી રહ્યાં છે તો ત્યાં બેઠેલા મોહમ્મદ બશીર મુલ્લા, જેઓ એક જમાનામાં સીપીએમના સમર્થક હતા, તેઓ કહે છે કે દીદીએ તેમના સમુદાયને સુરક્ષા તેમજ સન્માન આપ્યું છે.
 
ઉત્તર ભારતમાં નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા છે પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતાની સામે કોઈ નથી મુલ્લા જણાવે છે, "અમે આ રાજ્યમાં ટોપી અને દાઢી રાખીને પોતાની ઓળખ સાથે ગમે ત્યાં છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ જે બીજા રાજ્યોના મુસ્લિમો મોદી રાજમાં કરી શકતા નથી."
પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરતાં જ ટીએમસીના ઝંડા અને મમતા બેનરજીના પોસ્ટર્સ સ્વાગત કરી રહેલા દેખાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્યપણે દરેક જગ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સ્મિત ચહેરો પોસ્ટર અને બિલબોર્ડ પર જોવા મળે છે. જોકે, પશ્ચિમ બંગાળના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મોદીના એવા પોસ્ટર ઓછા જોવા મળે છે. અહીં તૃણમૂલના ઝંડા અને મમતા બેનરજીના પોસ્ટર તમારો પીછો છોડતા નથી.
 
અહીં નરેન્દ્ર મોદીનું નામ લેનારા લોકો ખૂબ ઓછા મળશે. આ રાજ્યમાં 'દીદી' નામે ઓળખ ધરાવતાં મમતા બેનરજી વધારે લોકપ્રિય છે. ઉત્તર ભારતમાં નરેન્દ્ર મોદીની સ્વીકૃતિ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતાની સામે કોઈ નથી.
 
સોમવારના રોજ ડાયમંડ હાર્બર મતદાનક્ષેત્રમાં તેમનાં ભાષણ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. ભારે ગરમી અને રમજાન મહિનો હોવા છતાં લોકો પોતાનાં નેતાનાં જોવા પહોંચ્યા હતા.
 
ભીડમાં હાજર સમી મુલ્લાએ કહ્યું, "હું મારી અંતિમ ક્ષણ સુધી દીદીનો સાથ છોડીશ નહીં."
 
તેમની નજીક ઊભેલાં વહીદા ગર્વથી કહે છે, "અહીં માત્ર દીદીની લહેર છે."
 
અનિક બોસ નામના એક યુવાને કહ્યું, "દીદી બંગાળનાં વાઘણ છે."
 
આ ચૂંટણી ક્ષેત્રથી ટીએમસીના ઉમેદવાર અભિષેક બેનરજી મેદાને છે જે મમતા બેનરજીના ભત્રીજા છે અને લોકોની માનવામાં આવે તો તેઓ તેમના વારસદાર પણ છે.
 
અભિષેક અહીંથી ગત ચૂંટણીમાં પણ જીત્યા હતા. મમતા બેનરજીએ 2011ના વિધાનસભા ચૂંટણીમાં 34 વર્ષ સુધી રાજ કરી ચૂકેલા ડાબેરી મોર્ચાને ઉખેડી ફેંક્યો હતો.
સતત ચૂંટણી જીતવાના કારણે તેમની પાર્ટીના મૂળિયાં શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા છે અને મજબૂત છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

VIDEO: હાશિમ બાબા ગેંગનો શૂટર સોનુ મટકા એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જાણો તેની ગુનાની કુંડળી

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

Gujarat Weather - રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વધશે ઠંડી, 48 કલાક કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી

હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, પણ અલ્લુ અર્જુનને આજે જેલમાં વિતાવવી પડશે રાત, સવારે મળશે મુક્તિ

Pudi eating competition- આ પોલીસકર્મીએ 60 પુરીઓ ખાઈને ગોંડાને ગૌરવ અપાવ્યું

આગળનો લેખ
Show comments