અમરેલી હાઈવે પર 10 ફૂટ લાંબા મગરનું વન કર્મીઓનું દિલધડક રેસ્ક્યુ
, બુધવાર, 15 મે 2019 (12:01 IST)
ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોડીનાર અમરેલી હાઈવે પર વહેલી સવારે મગર જોવા મળ્યો હતો. આ મગર 10 ફૂટ લાંબો હોવાનું વનવિભાગના કર્મીઓએ જણાવ્યું હતું. મગર હાઈવે પર હોવાના સમાચારો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતાં તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. જામવાળા વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. જામવાળા અને કોડીનાર વન વિભાગની ટીમના 8 ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. જોકે, જે સ્થળે મગર હતી ત્યાં મધપૂડો હોવાનાં કારણે વન કર્મીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. જેને લીધે રેસ્ક્યૂમાં પણ અનેક વખત અવરોધ ઉભો થયો હતો. જેને લઇ રેસ્ક્યૂ દોઢ કલાક સુધી ચાલ્યું હતું. જોકે, આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દરમ્યાન ગઈકાલે રોણાજ પાસેના ઇચવડ ગામે પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી ગઇ હતી. તેનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જોકે, એ મગર રેસ્ક્યૂ ટીમને હાથતાળી આપી પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતાં તેનું બીજી વખત રેસ્ક્યૂ કરાયું હતું. વન કર્મચારીઓના કહેવું મુજબ, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘુસી જતાં તેની તાકાત બમણી થઈ જાય છે. 8 ફોરેસ્ટ કર્મીઓએ રેસ્કયૂ હાથ ધર્યુ હતું.
આગળનો લેખ