Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું કાશ્મીર અને આર્ટિકલ 35-A માટે નહેરુ જવાબદાર છે?

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2019 (16:19 IST)
ર કાશ્મીરમાં આર્ટિકલ 35A પર આક્રમક લાગે છે અને તાજેતરમાં ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ ફરી એક વખત કાશ્મીર મુદ્દે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. જેટલીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માટે અનુચ્છેદ 35-A 'બંધારણીય રીતે દોષપૂર્ણ છે અને રાજ્યના આર્થિક વિકાસમાં આડે આવી રહ્યું છે.
 
અરુણ જેટલીએ એક બ્લૉગ લખ્યો છે જેનું શીર્ષક છે - 'કાયદો અને જમ્મુ-કાશ્મીર' જેમાં તેમણે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો સાત દાયકાનો ઇતિહાસ બદલતું ભારત ઘણા સવાલોનો સામનો કરી રહ્યું છે. જેટલીએ લખ્યું છે કે મોટા ભાગના ભારતીયોનું માનવું છે કે કાશ્મીર મામલે નહેરુએ ભરેલું પગલું 'ઐતિહાસિક ભૂલ' હતી.
 
જેટલીએ સવાલ કર્યો છે કે શું આપણી નીતિઓ દોષપૂર્ણ દૃષ્ટિકોણના હિસાબે લાગુ થવી જોઈએ કે પછી પાયાની હકીકતના હિસાબે?
 
જેટલીએ જમ્મુ-કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 35-Aની પૃષ્ઠભૂમિ અંગે પણ લખ્યું છે. અનુચ્છેદ 35-A મુજબ જમ્મુ-કાશ્મીર બહારની વ્યક્તિ ત્યાં સંપત્તિ નથી ખરીદી શકતી. જેટલીએ લખ્યું છે કે આ અનુચ્છેદને વર્ષ 1954માં રાષ્ટ્રપતિ તરફથી બહાર પાડવામાં આવેલી એક વિશેષ સૂચના મારફતે 'ગુપ્ત રીતે' સંવિધાનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
 
જેટલીએ એવું પણ લખ્યું છે કે અનુચ્છેદ 35-A ક્યારેય પણ સંવિધાન સભા દ્વારા બનાવાયેલા માળખાનો ભાગ નહોતો. તેમણે આગળ લખ્યું છે કે તેને સંવિધાનના અનુચ્છેદ-368 મુજબ સંસદના બન્ને સદનમાં બે તૃતિયાંશ બહુમતીથી લાગુ પણ નહોતો કરવામાં આવ્યો.
 
મોદી સરકાર કાશ્મીરમાં અનુચ્છેદ 35-A પર આક્રમક લાગી રહી છે પરંતુ તેની એક અલગ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ મોદી સરકારની નજર આ અનુચ્છેદને લઈને બદલી શકે છે.
 
સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 35-A વિરુદ્ધ ઘણી અરજીઓ થઈ છે. 'વી ધ સિટીઝન્સ' નામના એક એનજીઓએ પણ એક અરજી દાખલ કરી છે.
 
35-A અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળેલો છે. અહીં કોઈ બહારની વ્યક્તિ સંપત્તિ નથી ખરીદી શકતી. સાથે જ કોઈ વ્યક્તિ અહીંની મહિલા સાથે લગ્ન કરે તો પણ તને સંપત્તિનો અધિકાર નથી મળી શકતો.
 
શું છે અનુચ્છેદ 35-A
 
1954માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશ અનુસાર આર્ટિકલ 35-Aને ભારતીય બંધારણમાં જોડવામાં આવ્યો હતો.
 
કાશ્મીરના મહારાજા હરિ સિંહ અને ભારત સરકાર વચ્ચે થયેલા એક કરાર અંતર્ગત બાદ આવું કરવામાં આવ્યું હતું.
 
આ અનુચ્છેદને સંવિધાનમાં સામેલ કરવાથી કાશ્મીરીઓને વિશેષાધિકાર મળ્યો કે બહારની કોઈ વ્યક્તિ અહીં વસી શકશે નહીં.
 
રાષ્ટ્રપતિએ આ આદેશ સંવિધાનના અનુચ્છેદ 370(1)(d) અંતર્ગત આપ્યો હતો. આ અંતર્ગત રાષ્ટ્રપતિ જમ્મુ-કાશ્મીરના હિતમાં અમુક ખાસ 'અપવાદ અને પરિવર્તન'ને ધ્યાને રાખી નિર્ણય લઈ શકે છે.
 
ત્યારબાદ અનુચ્છેદ 35-A જોડવામાં આવ્યો જેથી સ્થાયી નિવાસીને લઈને ભારત સરકાર જમ્મુ-કાશ્મીરને અનુરૂપ વ્યવહાર કરે.
જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય
 
ભારતમાં જમ્મુ-કાશ્મીરના વિલય સંર્ભે 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન'ને કાયદાકીય દસ્તાવેજ માનવામાં આવે છે. 3 જૂન, 1947ના રોજ ભારતના વિભાજનની જાહેરાત બાદ રાજાશાહી ધરાવતાં રાજ્યો નિર્ણય લઈ રહ્યાં હતાં કે તેમને કોની સાથે જવું છે. તે સમયે જમ્મુ-કાશ્મીર અસ્પષ્ટ હતું. 12 ઑગસ્ટ 1947ના રોજ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત અને પાકિસ્તાન સાથે 'સ્ટેન્ડ્સસ્ટિલ ઍગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા. સ્ટેન્ડ્સસ્ટિલ ઍગ્રીમેન્ટ મતલબ કે મહારાજા હરિ સિંહે નિર્ણય કર્યો કે જમ્મુ-કાશ્મીર સ્વતંત્ર રહેશે. તે ભારત કે પાકિસ્તાન બન્નેમાં સામેલ નહીં થાય.
 
પાકિસ્તાને આ કરારને સ્વીકાર્યા બાદ પણ તેનું સન્માન ન કર્યું અને તેની પર હુમલો કરી દીધો. પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ભળવાની વિરુદ્ધમાં મહારાજા હરિ સિંહે 26 ઑક્ટોબર, 1947ના રોજ 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન' પર સહી કરી. 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન'માં ઉલ્લેખ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હશે પરંતુ તેને ખાસ સ્વાયત્તા મળશે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર તેના માટે માત્ર રક્ષા, વિદેશી મામલા અને સંચાર માધ્યમોને લઈને જ નિયમ બનાવી શકે છે.
 
વર્ષ 1954માં રાષ્ટ્રપતિના આદેશ બાદ અનુચ્છેદ 35-A આવ્યો. આ 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન'ની આગળની કડી હતી. 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન'ને કારણે ભારત સરકારને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ માટે મર્યાદિત અધિકારો મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ધ હિંદુમાં લખેલા એક લેખમાં ઉલ્લેખ કર્યો છે કે આ કારણે જ અનુચ્છેદ 370ને લાગુ કરવામાં આવ્યો.
 
જમીન, ભૂમિ પર અધિકાર અને રાજ્યમાં રહેવાના મામલા સૌથી મહત્ત્વના છે. પ્રશાંત ભૂષણનું કહેવું છે કે ભારત સરકાર પાસે જમ્મુ-કાશ્મીરમાં શરતો સાથે હસ્તક્ષેપ કરવાનો એકમાત્ર રસ્તો અનુચ્છેદ 35-A છે. 
 
આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે સંસદ અને સંવિધાનની સામાન્ય શક્તિઓ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં પડે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એવો કાયદો છે કે ત્યાં કોઈ બહારની વ્યક્તિ મર્યાદિત જમીન ખરીદી શકે છે. પ્રશાંત ભૂષણ માને છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના આ કાયદાઓ સમગ્ર રીતે ગેરબંધારણીય અને દેશના કોઈ પણ ભાગમાં વસવાના મૌલિક અધિકારનું હનન છે.
 
પ્રશાંત ભૂષણે પોતાના લેખમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતમાં આ શરતે જ ભળ્યું હતું એટલા માટે તેને મૌલિક અધિકાર અને સંવિધાનની માળખાકીય સંરચનાનો હવાલો આપી પડકારી ના શકાય. જમ્મુ-કાશ્મીરમાં ભારતનો મર્યાદિત હસ્તક્ષેપ એ ભારતના સંવિધાનનો ભાગ છે.
 
પ્રશાંત ભૂષણનું માનવું છે જમ્મુ-કાશ્મીરનો ભારતમાં સંપૂર્ણ વિલય ક્યારેય નથી થયો અને તે અર્ધસ્વાયત્ત રાજ્ય છે. આ હિંદુસ્તાનના અન્ય રાજ્યોની જેમ નથી.
અનુચ્છેદ 35-A 'ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન'નું પાલન કરે છે અને એ વાતની ખાતરી આપે છે કે જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તા બાધિત કરવામાં નહીં આવે.
 
અનુચ્છેદ 35-Aનો બંધારણમાં ઉમેરો
 
ઘણા લોકો માને છે કે અનુચ્છેદ 35-A બંધારણમાં પ્રક્રિયા અંતર્ગત ઉમેરવામાં આવ્યો નહોતો. ભાજપના નેતા અને વકીલ ભૂપેન્દ્ર યાદવ પણ આ સાથે સહમત છે. સંવિધાનમાં અનુચ્છેદ 35-A સામેલ કરવા માટે સંસદમાં કાયદો પસાર કરી સંવિધાન સંશોધન કરવામાં આવ્યું નહતું. બંધારણના અનુચ્છેદ 368(i) અનુસાર સંવિધાન સંશોધનનો અધિકાર માત્ર સંસદને છે.
 
તો શું ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો આ આદેશ અધિકાર ક્ષેત્રની બહાર હતો?
 
ભૂપેન્દ્ર યાદવ માને છે કે રાષ્ટ્રપતિનો આ નિર્ણય વિવાદિત હતો. તો શું અનુચ્છેદ 35-Aને રદ કરી શકાય કારણકે નહેરુ સરકારે સંસદના અધિકારોની ઉપેક્ષા કરી હતી?
1961માં પાંચ ન્યાયાધીશોની બૅન્ચે પુરાનલાલ લખનપાલ વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિ મામલે અનુચ્છેદ 370 અંતર્ગત રાષ્ટ્રપતિના અધિકારો પર ચર્ચા કરી હતી.
કોર્ટનું આકલન હતું કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 370 અંતર્ગત તેમની જોગવાઈઓમાં પરિવર્તન કરી શકે છે. જોકે, આ નિર્ણયમાં એવું સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે રાષ્ટ્રપતિ સંસદને બાયપાસ કરી શકે છે. આ સવાલ હજુ પણ ઊભો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

આગળનો લેખ
Show comments