26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો ધરાવતું ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે અને બે દાયકાથી ભાજપ અહીં સત્તા પર છે. અમિત શાહે શાનદાર રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સવાલ હજી ઊભો છે ત્યારે ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ બેઉ જોર લગાવી રહ્યાં છે.
1995ની વિધાનસભા ચૂંટણીથી ગુજરાતની સત્તા ભાજપના હાથમાં રહી છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને યુવા નેતાઓની ત્રિપુટી (હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર)એ આપેલી ટક્કર બાદ ભાજપ માટે ગુજરાત મહત્ત્વનું બની ગયું છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષ જૂની સત્તાને પડકાર આપનારી કૉંગ્રેસ સરકાર ભલે ન રચી શકી પરંતુ ભાજપને 100નો આંકડો હાંસિલ કરતા રોકી અને પોતાની બેઠકોમાં વધારો પણ કર્યો. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1991 બાદ વધુ બેઠકો ભાજપના ખાતે રહી છે.
ભાજપે 1991માં 20, 1996માં 16, 1998માં 19, 1999માં 20, 2004માં 14, 2009માં 15 અને 2014માં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હતી.
2017નો પડકાર
2014ની લોકસભા ચૂંટણી બાદ મોદીએ ગુજરાત છોડી દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સામે ઘણા પડકારો આવ્યા પરંતુ પાર્ટી ગમે તેમ કરીને સત્તા બચાવવામાં સફળ રહી. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "2014માં ભાજપનો સ્ટ્રાઇક રેટ 100 ટકા હતો પરંતુ 2017માં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો."
"ભાજપ પોતાનું પ્રદર્શન સુધારી શકી હોત તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં 165 જેટલી બેઠકો મેળવી શકી હોત પરંતુ એવું બન્યું નહીં. તેમને માત્ર 99 બેઠકો મળી જે તેમના માટે ઝટકા સમાન હતું."
"ત્યારે ગુજરાતમાં મોદીએ 15 દિવસમાં 38 રેલીઓ કરી હતી અને અમિત શાહને અમદાવાદમાં 12-15 દિવસ રોકાવું પડ્યું હતું. પાર્ટીને ડર હતો કે તેમનો ગઢ ગુજરાત તેમના હાથમાંથી નીકળી રહ્યો છે."
આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા સમજાવે છે, "2017માં ભાજપ માટે પરિસ્થિત ખૂબ જ ખરાબ બની ગઈ હતી. અમિત શાહે છાતી ઠોકીને કહ્યું હતું કે તેઓ 182માંથી 150 બેઠકો જીતશે. પરંતુ મોદીના સીએમ બન્યા બાદ (2001માં મોદી મુખ્ય મંત્રી બન્યા હતા) પ્રથમ વખત પાર્ટી 100 બેઠકોથી નીચેના અંક પર પહોંચી ગઈ હતી.
આ અંગે આર. કે. મિશ્રા કહે છે, "કૉંગ્રેસની સૌથી મોટી કમજોરી શહેરી વિસ્તાર છે. આ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે તેમાં કોઈ શંકા નથી અને 2017માં કૉંગ્રેસ તેને ભેદી પણ ના શકી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ કમજોર છે."
તેમને લાગે છે કે આ વખતે પણ આવો જ ટ્રૅન્ડ બની શકે છે.
આ અંગે અજય ઉમટ કહે છે કે હાલની સ્થિતિને જોઈને લાગી રહ્યું છે કે 10 બેઠકો પર કૉંગ્રેસ વધુ મહેનત કરી રહી છે અને ભાજપ માટે આ બેઠકો પડકાર સમાન બની શકે છે.
તેઓ ઉમેરે છે કે આમાં આદિવાસી વિસ્તારો, મધ્ય ગુજરાત અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રમાં પાંચ બેઠકો- જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર ભાજપ માટે પડકારજનક છે.
તો ઉત્તર ગુજરાતમાં ચાર બેઠકો- સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આદિવાસી બહુમતીની પાંચ બેઠકો ભાજપ માટે પડકારજનક છે.
મહેસાણામાં તો સ્થિતિ એટલી ગંભીર છે કે એક સમયે પાર્ટીએ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલને પ્રસ્તાવ પાસ કરી ચૂંટણી લડવા કહ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી હતી.
તેઓ વધુમાં કહે છે, "કૉંગ્રેસ 26 બેઠકો પર તો ફોકસ પણ નથી કરી રહી. તેમની નીતિ છે કે 13 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરો અને ઓછામાં ઓછી 8 કે 10 બેઠકો જીતવાના પ્રયાસ કરો."
ખેડૂતોના મુદ્દા
અજય ઉમટ જણાવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી અત્યારથી દેખાઈ રહી છે અને ગુજરાત સરકારે જાતે જ કહી દીધું છે કે તેઓ ખેતી માટે ખેડૂતોને પાણી પૂરું પાડી નહીં શકે.
તેઓ ઉમેરે છે, "નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પણ પૂરતું પાણી નથી. ગુજરાતને ડૅમથી 90 લાખ એકર ફૂટ પાણી મળવું જોઈએ પણ 30-35 લાખ એકર ફૂટ પાણી જ મળશે."
"ખેડૂતોને કહી દેવામાં આવ્યું છે કે નદીના પાણીના ભરોસે આ વખતે તેઓ ખેતી ન કરે."
"સાથે-સાથે ખેડૂતોને જે મગફળી અને કપાસ પર લઘુત્તમ કિંમત આપવાનો વાયદો હતો, એ પણ ખેડૂતોની મળી શકી નથી."
"બટાકા અને ટમેટાંની ખેતી કરનારાઓ પાસે પોતાના ઉત્પાદનને કૉલ્ડ સ્ટૉરેજ સુધી લઈ જવાના પણ પૈસા નથી હોતા અને પોતાનું ઉત્પાદન ફેંકી દેવાનો વારો આવે છે."
"એવાં અનેક કારણોસર ખેડૂતો નારાજ છે અને એનો ફાયદો કૉંગ્રેસને મળી શકે છે."
તેઓ એવું પણ જણાવે છે કે ગ્રામીણ અને નાના શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસ ઘણી મહેનત કરે છે. તેઓ જાણે છે કે 2017ની જેમ આ ખેડૂતોના મુદ્દાથી સફળતા મળી શકે છે.
હાર્દિક-જિજ્ઞેશ-અલ્પેશની અસર
ગુજરાતમાં 2017માં ત્રણ નવા યુવાન નેતાઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. આ ત્રણેય એટલે પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઊનાકાંડ બાદ ઊભરીને આવેલા જિજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર. આ ત્રિપુટીએ ભાજપને પરેશાન કરી.
અજય ઉમટ કહે છે, "આ યુવાન નેતાઓએ બેરોજગારી, પટેલોને અનામત અને ભાજપની સાંપ્રદાયિક નીતિ વગેરે મુદ્દાઓને લઈને વિરોધ કર્યો હતો અને ભાજપને એનું પરિણામ ભોગવવું પડ્યું હતું."
હાલમાં મહેસાણાના ધારાસભ્યની ઑફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલની સજા પર રોકની અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે જેથી હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે એમ લાગી રહ્યું છે.
અજય ઉમટ કહે છે, "મને એવું લાગે છે કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જે પેરવી કરી અને એને ચૂંટણી ન લડવા દીધી એ સૌથી મોટી સ્ટ્રૅટેજિક ભૂલ છે."
"એનું પરિણામ ભાજપને માત્ર ગુજરાતમાં જ નહીં, તમામ રાજ્યોમાં ભોગવવું પડશે." આર. કે. મિશ્રા સમજાવે છે, "તે એક 21 વર્ષનો બેરોજગાર છોકરો હતો. તેને ભાજપે તેની આંતરિક રાજનીતિના કારણે એક મોટો નેતા બનાવી દીધો."
"હવે તેનો પ્રભાવ વધીને ગુજરાતની સરહદની બહાર પણ પથરાયો છે. તે ભૂખ હડતાળ પર બેસે છે તો વિપક્ષના નેતા તેની સાથે હોય છે." હાર્દિક વિશે મિશ્રા કહે છે, "તેમનું કદ ભાજપે જ એટલું મોટું કરી દીધું કે તેઓ ભાજપના જ ગળામાં કાંટો બનીને ફસાઈ ગયા."
તેઓ કહે છે, "અટકળો પ્રમાણે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવામાં અટવાયેલા રહ્યા હોત પણ તેઓ હવે ફરી-ફરીને પ્રચાર કરશે." આર. કે. મિશ્રા કહે છે કે એ વાતને નકારી ન શકાય કે પાટીદાર મત નિર્ણાયક રહ્યા હતા અને એની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે.અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો ભાજપમાં સામેલ થવાની અટકળો પણ હજી જાણે કે તાજી જ છે અને તેઓ પણ શાંત દેખાઈ રહ્યા છે. જિજ્ઞેશ મેવાણીની વાત કરીએ તો અજય ઉમટ કહે છે કે તેઓ હજી પણ આક્રમક છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં લાગેલા જ છે. એવું લાગે છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી પછી ઉત્સાહિત કૉંગ્રેસ પાસે ઘણા મુદ્દા છે અને તેમની રણનીતિ પણ મહદંશે એ જ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૉંગ્રેસને ઓછામાં ઓછા બે યુવાન નેતાઓનું સમર્થન મળશે. પણ ભાજપની 100 ટકા બેઠકોમાં કૉંગ્રેસ કેટલું મોટું બાકોરું પાડી શકે છે એ જોવાની વાત છે.
મિશ્રાના શબ્દોમાં, "ભાજપાના ખાતામાં હજી પણ 26 બેઠકો છે અને એક પણ બેઠક ઓછી થાય તો એ ભાજપ માટે નુકસાન જ કહેવાશે અને ભાજપનું આ નુકસાન કૉંગ્રેસ માટે ફાયદો સાબિત થશે."