Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત યુનિ. હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓનો કથિતપણે નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ સવાલ, ‘અમે અભ્યાસ કઈ રીતે પૂરો કરીશું?’

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (14:43 IST)
“અમને ખૂબ ડર લાગી રહ્યો છે, અમે અમારો અભ્યાસ કઈ રીતે પૂરો કરીશું એ વિચારી રહ્યા છીએ.”
 
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ એક વિદ્યાર્થીએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કંઈક આવું કહ્યું હતું.
 
યુનિવર્સિટી હૉસ્ટેલના એ બ્લૉકમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ પર 25 લોકોના ટોળાએ કરેલા આ હુમલા બાદ બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવા પડ્યા હતા.
 
ઘટનાસ્થળે પહોંચેલી બીબીસી ગુજરાતીની ટીમને હૉસ્ટેલનો બ્લૉકમાં ઠેરઠેર પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ જોવા મળ્યા હતા. આ સિવાય ઘટનાસ્થળે થયેલા ભારે પથ્થરમારાની જુબાની આપતા અનેક પથ્થરો, તૂટેલાં વાહનો, ગભરાયેલા તેમજ હતાશ વિદ્યાર્થીઓ જોવા મળ્યાં હતાં.
 
આ પૈકી અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થી નૌમાને બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, “બહારથી આવનારા વિદ્યાર્થીઓ માટે અહીં રહેવું એ હવે મોટો પડકાર છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની હૉસ્ટેલ છે અને આ લોકો અહીં ટોળામાં કઈ રીતે આવી ચડ્યા એ તપાસનો વિષય છે. અહીં આવા લોકો ઘણી વાર આવે છે અને કહે છે કે જય શ્રીરામ બોલો, નહીંતર ચાકુ મારી દઈશું. આવી ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે. અહીં બીજા દેશોના વિદ્યાર્થીઓ માટે બહુ મોટું જોખમ છે.”
 
અમદાવાદ પોલીસે આ સમગ્ર મામલે એફઆઇઆર નોંધી હતી. જોકે, હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી.
 
પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં જલદી જ ધરપકડ કરી લેવાશે. એક આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે.
 
શનિવાર રાતથી જ આ ઘટનાના કેટલાક કથિત વીડિયો સામે આવ્યા હતા, જેમાં હુમલો કરનાર ટોળું વિદ્યાર્થીઓનાં વાહનોમાં તોડફોડ કરતાં અને પથ્થરમારો કરતું દેખાતું હતું. તેમજ આ હુમલાખોરો ધાર્મિક નારા લગાવતા સંભળાઈ રહ્યા હતા.
 
આ સમગ્ર મામલો સામે આવતાં ગુજરાત કૉંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઘટનાની નિંદા કરવાની સાથોસાથ ગુજરાત પોલીસ અને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
 
તેમજ એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને ‘સામૂહિક કટ્ટરવાદ’ ગણાવી વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યા હતા.
 
જોકે, ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ આ સમગ્ર મામલો ‘બે જૂથો વચ્ચે અગાઉથી ચાલી રહેલા મતભેદ’નો હોવાનો ગણાવ્યો છે.
 
તેમણે કહ્યું હતું કે, “બંને જૂથો વચ્ચે પહેલાંથી જ મતભેદ ચાલી રહ્યો હતો અને પછી અત્યારે આ ઘટના સામે આવી હતી. હકીકતમાં કેમ આવું થયું એ હજી તપાસનો વિષય છે. એવું સામે આવ્યું છે કે તેઓ બહાર નમાજ પઢી રહ્યા હતા અને પછી આ ટોળા સાથે બોલાચાલી થઈ હતી. યુનિવર્સિટીએ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને રાત્રે જ પોલીસે એફઆઇઆર નોંધી છે.”
 
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ મામલે રાજ્ય સરકારના ગૃહવિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, આ અંગે સ્વતંત્રપણે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
 
કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી

Telecom New Rule- ટેલિકોમનો આ નિયમ 1 જાન્યુઆરીથી બદલાશે, Jio, Airtel, BSNL, Viને સીધી અસર થશે

ઠંડી, ધુમ્મસ અને વરસાદ...દિલ્હી સહિત દેશભરમાં હવામાનની સ્થિતિ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

આગળનો લેખ
Show comments