Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhadarpada Purnima 2023 - આજે ભાદરવી પૂનમ, જાણો અંબાજીમાં ભાદરવી પૂનમનુ મહત્વ અને પૌરાણિક કથા

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (08:19 IST)
આજે ભાદરવી પૂનમ છે. જગતજનની મા અંબાના ધામમાં રાજ્યના ગામેગામથી માતાજીને ધજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પહોંચી ગયા છે. જોકે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવેલ છે પરંતુ બાધા, આખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે, શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે. ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજીનું મહાત્મ્ય એકદમ અલગ જ જોવા મળે છે. આ દિવસોમાં એક જુદા જ પ્રકારનું વાતાવરણ સર્જાય છે.
 
ઉંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીના ભકતો "અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...', "બોલ માડી અંબે જય જય અંબે'ના જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા કરીને આગળ વધે છે. સાથે... સાથે... માના રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવવિભોર બનીને માના ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે.
 
મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભકતો ઉમંગ અને હોંશથી જોડાય છે. જેમાં દેશભરના ખુણે ખુણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કરછ-ભૂજ, રાજકોટ, મુંબઇ-નાગપુરથી પણ ઘણાં સંઘો આવે છે. અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રાળુઓનું દિવસ-રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજયભરમાંથી કોઇ સંઘ સાથે તો કોઇ ગામના સમૂહ સાથે, કોઇ રથ સાથે તો કોઇ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીનાં દર્શને જવા નીકળે છે. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નં. ૮ ફોરલેન બની જતાં યાત્રીઓમાં રાહતની લાગણી અનુભવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મઘ્યપ્રદેશના રતલામ, નીમચ, ઝાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા-પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે.
 
ઘણા ખરા શ્રદ્ધાળુઓ માનતા અને બાધા પૂર્ણ થતાં પગપાળા નીકળે છે. અપંગો પણ ટ્રાઇસિકલ પર દર્શને જાય છે. પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભકતોની શ્રદ્ધામાં જરાય ઓટ આવતી નથી. રીમઝીમ વરસાદ અને ધોવાઇ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો આગળ વધે છે. પદયાત્રીઓ માને છે કે આખરે ભગવાનની કસોટીમાંથી પાર પડે તે જ સાચો ભકત કહેવાય. અવિરત ચાલવાને કારણે પદયાત્રીઓને અમુક વાર શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા ખરા શ્રદ્ધાળુઓ તો દર્દથી કણસતા પણ હોય છે, પરંતુ મા અંબા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આસ્થા ભકતોના વિશ્વાસને ડગમગાવી શકતી નથી.
 
મેળાના પ્રારંભથી અંબાજી તરફના માર્ગો એકદમ ભરચક થઇ જાય છે. ત્યારે જેવી શકિત એવી ભકિત કરતાં પદયાત્રીઓની સેવામાં માર્ગોમાં ઠેર-ઠેર સેવા કેન્દ્રો ઉપર અનેક સુવિધાઓ ઉભી કરાય છે. જયારે પદયાત્રીઓ માના ધામમાં અનન્ય શ્રદ્ધાથી પહોંચવા અધીરા બન્યા હોય છે, ત્યારે હસતાં-રમતાં તો કયાંક ગરબે ઘૂમતા તો વળી ફૂલ જેવા વહાલસોયા બાળકને બાબા ગાડીમાં કે પારણાંમાં ઝુલાવતાં પતિ-પત્ની ભાવવિભોર બનીને માર્ગ ટૂંકો કરતાં જોવા મળે છે. ત્યારે તેમની અનન્ય ભકિતને જોવી એ પણ એક લહાવો છે. માર્ગમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં ‘માઇભકતો’ પણ શ્રદ્ધા સાથે આગળ વધીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ભાદરવી પૂનમના મેળામાં શણગારેલી માંડવીઓ, ધજા-પતાકા, રંગબેરંગી ચૂંદડીઓ, ટોપીઓ અને ભપકાદાર રંગોવાળી પટ્ટીઓ ધારણ કરેલા માઇભકતો પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
 
અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે જમવા, મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ જીવનોપયોગી તમામ વસ્તુઓનાં અસંખ્ય સેવા કેમ્પો ઉભા કરવામાં આવે છે. જેમાં શીરો, પૂરી, દાળ-ભાત, ખીચડી-કઢી, ચા-કોફી, લીંબુ શરબત, ગરમ પાણી અને નાહવા-ધોવાની તમામ સુવિધાઓ સ્વૈરિછક સંસ્થાઓ અને નવયુવક મંડળો દ્વારા ઉભી કરવામાં આવે છે.
 
અમુક વિસામાં કેન્દ્રોમાં એકાત્મક ભાવનાંની જયોત પ્રગટાવતાં મુસ્લિમો પણ પદયાત્રીઓ માટે ખડેપગે ઉભા રહીને સેવા કરે છે. માર્ગોપર ઠેર ઠેર ખાણી-પીણી, બૂટ, ચંપલ, કપડાં તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓની હાટડીઓ, સ્ટોલ તેમજ લારીઓનો જમાવડો જોવા મળે છે. આ વેપારીઓ માત્ર પદયાત્રીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે. માઇભકતો કહે છે, ‘સ્વરછ મનથી શ્રદ્ધાપૂર્વક કરેલી ભકિત ઉપર મા કૃપા વરસાવે છે’ વર્ષાઋતુમાં ભાદરવી પૂનમની પદયાત્રા આનંદદાયક અને અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલીછમ હરિયાળી અને વહેતાં ઝરણાંથી મન પ્રસન્ન બને છે. પદયાત્રાની સાથે પ્રકૃતિના મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લહાવો મળે તો બોલો! મોકો ચૂકવા જેવો છે ખરો ?
 
અંબાજી વિશે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રચલિત છે. જેમાં દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. આથી પ્રસન્ન થઇને અગ્નિદેવે મહિષાસુરને વરદાન આપ્યું કે, નર જાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી મહિષાસુરે દેવોને હરાવી દીધા. તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માગી. ભગવાન શિવે મદદ માટે દેવી શકિતની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ દેવી શકિતની આરાધના કરતાં આધશકિત પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. આથી દેવી ‘મહિષાસુર મર્દિની’ તરીકે ઓળખાયાં.
 
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની દક્ષિણે આવેલા શંગી ઋષિના આશ્રમે આવ્યા અને શંગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઇને ‘અજય’ નામનું એક બાણ આપ્યું. તેનાથી રામે રાવણનો નાશ કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

આગળનો લેખ
Show comments