Webdunia - Bharat's app for daily news and videos

Install App

AUS vs AFG: ગ્લેન મેક્સવેલની ડબલ સેન્ચુરી, અફગાનીસ્તાન વિરુદ્ધ લગભગ હારેલી મેચને ઓસ્ટ્રેલીયાએ 3 વિકેટથી જીતી

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (00:54 IST)
maxwell
ભારતમાં આયોજિત વનડે વર્લ્ડકપની મૅચો દરેક પસાર થતા દિવસની સાથે વધુ ને વધુ રોમાંચક બનતી જઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાનની મૅચ પણ આ યાદીમાં જોડાઈ ગઈ હતી. ટૉસ જીતીને આક્રમક બેટિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમે ખડકેલું 292 રનનું લક્ષ્ય ઑસ્ટ્રેલિયન ટીમે ગ્લેન મૅક્સવેલની લડાયક બેવડી સદી અને તાબડતોડ બેટિંગના દમે દમામભેર પાર કરી લીધું હતું.
 
ગ્લેન મૅક્સવેલે 91 રને સાત વિકેટ ગુમાવી ચૂકેલી ઑસ્ટ્રેલિયાની ટીમને 128 બૉલમાં 201 રનની ધુંઆધાર ઇનિંગ રમી વર્લ્ડકપમાં યાદગાર જીત અપાવી હતી. આ સાથે જ તેઓ વર્લ્ડકપમાં બેવડી સદી નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયા હતા. ઑસ્ટ્રેલિયાની ટીમ 19 બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે જીતી હતી. ગ્લેન મૅક્સવેલે પોતાની ઇનિંગમાં 21 ચોગ્ગા અને દસ છગ્ગા ફટકાર્યા હતા.
 
મૅચમાં ઈજાગ્રસ્ત થવા છતાં ટીમને જીત અપાવવા ‘દર્દમાં કણસતી અવસ્થામાંય’ મૅક્સવેલ મેદાન પર એ જ આક્રમક વલણ સાથે અડગ રહ્યા અને અંતે ટીમને જીત અપાવીને જ જંપ્યા. પોતાની ઇનિંગની બીજી વિકેટ ગુમાવ્યા બાદ લાગલગાટ પડેલી વિકેટોને કારણે એક સમયે ઑસ્ટ્રેલિયન ટીમની હાર જાણે ‘નિશ્ચિત’ મનાઈ રહી હતી. પરંતુ મૅક્સવેલની તાબડતોડ ઇનિંગે મૅચનું પાસું જ પલટી નાખ્યું.
 
મૅચમાં અફઘાનિસ્તાનના પ્રદર્શનની વાત કરીએ તો આ ટુર્નામેન્ટમાં ‘અન્ડરડોગ’ મનાતી અફઘાનિસ્તાનની ટીમ ફરી એક વાર યાદગાર પર્ફૉર્મન્સ સાથે છવાઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા સામે આ લડાયક પ્રદર્શન પહેલાં અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાં મજબૂત ગણાતી ટીમોની ‘શક્તિ અને કૌશલ્યનાં’ પારખાં લીધાં હતાં. 
 
નોંધનીય છે કે આ અગાઉ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલૅન્ડ્સ જેવી ટીમોને ઘૂંટણિયે પાડી દીધી હતી. અને પોતાની ટીમ માટે ‘જાયન્ટ કિલર અને બાજી પલટી દેનારી ટીમ’ તરીકેની ઉપમાય મેળવી હતી. આ મૅચમાં પણ ઑસ્ટ્રેલિયા જેવી ‘મજબૂત ટીમ’ના હાથમાંથી અફઘાનિસ્તાનની ટીમે મૅચ લગભગ ઝૂંટવી જ લીધી હતી.
 
અફઘાનિસ્તાન તરફથી ટીમના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાન ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 143 બૉલ રમીને 129 રન બનાવી અણનમ રહેવામાં સફળ રહ્યા હતા. આ સદીની સાથે જ તેઓ વર્લ્ડકપ મૅચમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનના પ્રથમ બૅટ્સમૅન બની ગયા હતા. તેમજ ઑલરાઉન્ડ રાશીદ ખાને પણ છેલ્લી ઓવરોમાં કરેલી આક્રમક બેટિંગ આ મૅચમાં ચર્ચાનો મુદ્દો રહી હતી.
 
ઉપરાઉપરી વિકેટો પડવા છતાં ટીમને અપાવી ‘અભૂતપૂર્વ જીત’
 
ઑસ્ટ્રેલિયાના ધુરંધર બૅટ્સમૅનો અફઘાનિસ્તાની બૉલિંગ ઍટેકનો સામનો કરતાં મુશ્કેલીમાં દેખાઈ રહ્યા હતા. નિયમિત અંતરાલે વિકેટો ગુમાવ્યા બાદ ટીમની જીતની આશા ઝાંખી પડી ગઈ હતી. એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે અફઘાની ટીમની ઘાતક બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયન ટીમ 100 રન પણ નહીં બનાવી શકે.
 
પરંતુ આ તમામ વાતોને ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલની લડાયક અને આક્રમક બેટિંગે ‘ઉતાવળિયાં અને પોકળ અનુમાનો’ સાબિત કરી દીધી હતી. 292 રનનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમને બીજી જ ઓવરમાં પોતાના ટ્રેવિસ હેડની વિકેટ ગુમાવીને પ્રારંભિક ફટકો પડ્યો હતો. અફઘાન બૉલર નવીન ઉલ હકની ઓવરમાં તેઓ વગર ખાતું ખોલાવ્યા વગર જ ઇકરમ અલીખીલના હાથે કૅચ આઉટ થયા હતા.
 
પ્રારંભિક ફટકાને કારણે પડકારજનક સ્કોરનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ વિકેટ બાદ છઠ્ઠી ઓવરમાં ફટકાબાજી કરી અફઘાનિસ્તાની ટીમને દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહેલા મિચેલ માર્શ માત્ર 11 બૉલમાં 24 રન કરી પેવેલિયન પરત ફર્યા. નવીન ઉલ હક શાનદાર બૉલિંગનું પ્રદર્શન કરીને તેમને એલબીડબ્લ્યૂ કર્યા હતા.
 
આ વિકેટ બાદ તો જાણે ઑસ્ટ્રેલિયન ટીમનું મનોબળ એવું તો પડી ભાંગ્યું કે થોડા થોડા અંતરે એ બાદ ઑસ્ટ્રેલિયન ટીમના ઘાતક મનાતા બૅટ્સમૅનો આઉટ થતા ગયા અને ટીમ મૅચ જાણે હારવાની અણીએ પહોંચી ગઈ.
 
પરંતુ હજુ ગ્લેન મૅક્સવેલ નામના ‘વાવાઝોડા’થી અફઘાનિસ્તાને છુટકારો મેળવવાનો હતો.
 
જોકે, બૉલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કરનારી અફઘાનિસ્તાનની ટીમે ફિલ્ડિંગમાં પોતાના ‘સરેરાશ પર્ફોર્મન્સ’ને કારણે ગ્લેન મૅક્સવેલની મહત્ત્વપૂર્ણ વિકેટ ખેરવવાની તકો ગુમાવી દીધી. 
 
મૅક્સવેલ આ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમ માટે ‘સંકટમોચક’ સાબિત થયા હતા.
 
તેમની આક્રમક પરંતુ સૂઝબૂઝવાળી ઇનિંગને કારણે 91 રને સાત વિકેટ ગુમાવી પરાજયની નિકટ પહોંચી ગયેલી ટીમ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં અને લડાયક વલણ દાખવવામાં સફળ રહી હતી.
 
મૅક્સવેલને જીવતદાન બન્યા ઑસ્ટ્રેલિયાની જીતનું ‘વરદાન’
મૅચમાં મૅક્સવેલ વિકેટ પર જબરદસ્ત રીતે જામી ગયા એ પહેલાં 33 રનના વ્યક્તિગત સ્કોરે 22મી ઓવરના પાંચમા બૉલે તેમનો સરળ કૅચ છૂટતાં મૅક્સવેલ અને જાણે ઑસ્ટ્રેલિયન ટીમ બંનેને જીવતદાન મળ્યું હતું.
 
આ અગાઉ 21મી ઓવરમાં રાશીદ ખાનની બૉલિંગ સામે પણ મૅક્સવેલને એક વખત જીવતદાન મળ્યું હતું. આ ઓવરના પ્રથમ બૉલે હશમતુલ્લાહના હાથે મૅક્સવેલનો કૅચ છૂટ્યો હતો. નૂર અહમદની ઓવરમાં અફઘાનિસ્તાનના મુજીબ ઉર્રહમાને મૅક્સવેલનો શૉર્ટ ફાઇન લેગ પર સરળ કૅચ છોડ્યો હતો. એ સમયે ઑસ્ટ્રેલિયન ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાને માત્ર 112નો જ હતો.
 
જો આ કૅચ પકડવામાં મુજીબને સફળતા મળી હોત તો આ મૅચ ખૂબ વહેલા પતી ગઈ હોત. પરંતુ મૅક્સવેલની લડાયક સદીએ અફઘાનિસ્તાનની સરળ જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. આઠમી વિકેટ માટે મૅક્સવેલ અને પેટ કમિન્સ વચ્ચે 202 રનની જબદસ્ત ભાગીદારી નોંધાઈ હતી. બંને બૅટ્સમૅનો લગભગ 30 ઓવર સુધી મેદાન પર અડગ રહીને ટીમની જીત સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા હતા. એક છેડેથી મૅક્સવેલ ચોગ્ગ-છગ્ગા ફટકારી આક્રમક અંદાજમાં ઑસ્ટ્રેલિયન બેટિંગલાઇનની મજબૂતીનું પ્રમાણ આપી રહ્યા હતા. તો સામેની બાજુએ પેટ કમિન્સ વિકેટ સાચવીને તેમને મોકળા મને રમવાની તક આપી રહ્યા હતા.
 
પેટ કમિન્સ 68 બૉલમાં 12 રન કરી અણનમ રહ્યા હતા.
 
અફઘાનિસ્તાનની ઇનિંગ 
 
મંગળવારની મૅચમાં અફઘાનિસ્તાનની ટીમનો જુસ્સો અને અંદાજ સાવ અલગ દેખાતા હતા. ભારતમાં પણ જોરદાર પ્રદર્શનને બળે ટીમને સ્થાનિક દર્શકો અને ક્રિકેટચાહકો પાસેથી ભરપૂર ‘સરાહના અને પ્રશંસા’ પ્રાપ્ત થઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની અફઘાનિસ્તાનના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું.
 
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ટીમનો નિર્ણય ફળ્યો હોય એમ ઓપનર ઝદરાન સહિત ટીમના બૅટ્સમૅનોએ તાબડતોડ બેટિંગનું પ્રદર્શન કરીને પાંચ વિકેટના નુકસાને 291 રન ફટકાર્યા હતા. ઇબ્રાહિમ ઝાદરાન ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 143 બૉલ રમીને 129 રન બનાવી અણનમ રહેવામાં સફળ રહ્યા હતા. આ સદીની સાથે જ તેઓ વર્લ્ડકપ મૅચમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનના પ્રથમ બૅટ્સમૅન બની ગયા હતા.
 
આ સિવાય રાશીદ ખાન, નવીન ઉલ હક અને અઝમતુલ્લાહ જેવા બૉલરોના શાનદાર પ્રદર્શનને બળે મૅચ અગાઉ ‘આત્મવિશ્વાસથી છલકાતી’ ઑસ્ટ્રેલિયન ટીમ એક સમયે હારની અણીએ પહોંચી ગઈ હતી.
 
અફઘાનિસ્તાન તરફથી ઓપનર રહમાનુલ્લા ગુરબાઝે શરૂઆતથી ટુર્નામેન્ટમાં સારી લયમાં દેખાઈ રહેલ ટીમ ઑસ્ટ્રેલિયાના બૉલરો પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તાબડતોડ બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ 25 બૉલે 21 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
 
ઑસ્ટ્રેલિયન બૉલર જોશ હેઝલવૂડે તેમને મિચેલ સ્ટાર્કના હાથે કૅચ આઉટ કરાવ્યા હતા.
 
તે બાદ વનડાઉન આવેલા બૅટ્સમૅન રહમત શાહ પરિસ્થિતિને અનુરૂપ ધીરે ધીરે પોતાના સ્કોરને આગળ વધારી રહ્યા હતા. સામે છેડે ઝાદરાન પણ વિકેટ સાચવીને બેઠા હતા. જોકે, 25મી ઓવરમાં ઑસ્ટ્રેલિયન ટીમને ફરીથી સફળતા મળી. 30 રનના વ્યક્તિગત સ્કોરે રહમતશાહ ગ્લેન મૅક્સવેલના બૉલનો શિકાર થયા.
 
ત્યાર બાદ ક્રીઝ પર આવેલા હશમતુલ્લાહ શાહિદીએ પણ એક છેડો સાચવી રમવાની કોશિશ કરી. જોકે, તેઓ 38મી ઓવરમાં મિશેલ સ્ટાર્કના બૉલે બોલ્ડ થઈ ગયા. હશમતુલ્લાહ 43 બૉલ રમીને 26 રન જ બનાવી શક્યા હતા.
 
તે બાદ આવેલા બૅટ્સમૅન અઝમતુલ્લાહ ઓમરઝઈએ ઝડપથી સ્કોરને આગળ વધારવાની કોશિશ જરૂર કરી પરંતુ તેઓ એડમ ઝમ્પાના બૉલે ગ્લેન મૅક્સવેલને કૅચ આપી બેઠા. અને 18 બૉલે 22 રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત ફર્યા.
 
આ દરમિયાન ઝાદરાનના બૅટમાંથી રન નીકળવાનું સતત ચાલુ હતું. તેઓ એક છેડો સાચવીને ક્યારેક સાચવીને તો ક્યારેક આક્રમક અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યા. તે બાદ ક્રીઝ પર આવેલા ખેલાડી મોહમ્મદ નબી ક્રીઝ પર ઝાઝું ટકવામાં સફળ ન રહ્યા અને દસ બૉલમાં 12 કરી જોશ હેઝલવૂડની ઓવરમાં બોલ્ડ થયા.
 
અંતે અફઘાનિસ્તાનની ઇનિંગ પૂરી થવાને માત્ર ચાર ઓવર અને ત્રણ બૉલની વાર હતી ત્યારે રાશીદ ખાનનું ક્રીઝ પર આગમન થયું. અંતિમ ઓવરોમાં પોતાની તોફાની બેટિંગ અને આક્રમક અંદાજ માટે જાણીતા રાશીદે પોતાની પ્રતિષ્ઠા જાળવી રહ્યા હોય એમ મેદાનમાં ચારે બાજુ શોટ ફટકારી તાબડતોડ રન બનાવવાનું શરૂ કરી દીધું.
 
રાશીદ ક્રીઝ પર આવ્યા એ સમયે અફઘાનિસ્તાન 270ની આસપાસનું લક્ષ્ય આપી શકશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ અંતિમ ઓવરોમાં રાશીદ અને ઝાદરાનના જબરદસ્ત બેટિંગ પ્રદર્શનને બળે ટીમનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 291 સુધી પહોંચી ગયો.
 
રાશીદ ખાન 18 બૉલમાં 35 રનની આક્રમક ઇનિંગ રમીને નોટ આઉટ રહ્યા. તેમણે આ ઇનિંગમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.
 
સામે છેડે ઝાદરાન પણ સદી બનાવી અણનમ રહી, ટીમને એક સન્માનજનક અને પડકારજનક સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

આગળનો લેખ
Show comments