Webdunia - Bharat's app for daily news and videos

Install App

એવરત-જીવરત વ્રત કથા - પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત

એવરત-જીવરત વ્રત કથા
Webdunia
બુધવાર, 31 જુલાઈ 2019 (11:38 IST)
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
 
એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ. વાંઝિયાનું મોઢું કોણ જુએ? એમ કહી તેની નિંદા કરે, તેને વગોવે.એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર-ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિઃસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું. સંસારનાં મહેણાંટોણાં સહન થતાં નહીં, તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું.આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, "તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે. તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહી."
 
શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્નવદને ઘેર આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલનપાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા-પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું. વાદળાંઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થયા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું.
 
એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણપંખેરું ઊડી ગયું. જ્યાં આનંદમંગલ હતાં ત્યાં રાડારોળ થઈ રહ્યું હતું. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયાં તે જોઈ નવપરિણીતા બોલી, "ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ."
 
ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ. પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણાં બંધ કરી અંદર બેઠી.
 
ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવરતમા આવી પહોંચ્યાં. બારણે ટકોરા માર્યા. નવવધૂએ મંદિરનું બારણું ઉઘાડયું. દેવીનાં દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતાં હૃદયે કહી સંભળાવી. દેવીએ હું એવરતમા છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પરિણીતા સ્ત્રીઓ માટે એવરત વ્રત છે. જોકે, દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે, પણ પતિના દીર્ઘાયુ માટે એવરત ઉત્તમ છે. તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એવરતમાનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા-કીર્તન કરવાં.
 
નવપરિણીતાએ બે કર જોડી એવરતમાનું વ્રત કરવા સંકલ્પ કર્યો. મા એવરત તો મૃતદેહ પર અમીદૃષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયાં. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું. નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘાડેે નહીં.એવરતમાના ગયાં પછી જીવરતમાએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધૂએ માને પ્રણામ કર્યા. માએ પોતાની ઓળખાણ આપતાં કહ્યું, "તારા પતિને એવરતમાએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે. તે જીવરત વ્રત છે. તે કરવાથી સંતાન જીવતા રહે છે. આ વ્રતની વિધિ એવરતના વ્રતની વિધિ પ્રમાણે જ છે."
 
નવવધૂએ પ્રણામ કરી કહ્યું, "હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ." જીવરતમા અંતર્ધાન થયાં પછી નવવધૂનો પતિ આળસ મરડીને બેઠો થયો. પતિ-પત્ની ઘેર આવ્યાં. કુટુંબીવર્ગે વહુને પતિભક્તિ માટે અભિનંદન આપ્યાં. સૌએ શુભ આશીર્વાદ આપ્યા. 
 
નવવધૂ તો જયા-પાર્વતી, એવરત-જીવરત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતાં વ્રત ફળ્યાં અને ઘેર પારણું બંધાયું. આ નવવધૂની માફક જે કોઈ એવરત-જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે, માટે જયા પાર્વતી, એવરત-જીવરત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments