Webdunia - Bharat's app for daily news and videos

Install App

સહ્યાદ્રિની ગોદમા, પ્રકૃત્તિની નિરવ શાંતિનો અહેસાસ : ન ભૂતો, ન ભવિષ્યતિ

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:23 IST)
સહ્યાદ્રિ ની ગોદમા પ્રકૃતિની નિરવ શાંતિ ઝંખતા હો, તો આપના માટે ડાંગ જિલ્લાના ઇકો ટુરિઝમનો અહેસાસ ન ભૂતો, ન ભવિષ્યતિ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસાની ભીની ભીની ઋતુ, અને શિયાળાની ઠંડી ઠંડી મોસમમા ડાંગ જિલ્લાની વનરાજી જ્યારે નવપલ્લવિત થઈ જાય છે ત્યારે, ડાંગની એ લીલીછમ્મ પ્રકૃતિને મન ભરીને માણવાનો અવસર પણ ખડો થઈ જતો હોય છે.
 
મદમસ્ત વરસાદી માહોલમા ડાંગની વનરાઈઓમા ઠેર ઠેર નાના મોટા ઝરણાઓનુ સંગીત ગુંજી ઉઠે છે. પર્વતોની ટોચેથી નીચે ખાબકતા, અને રૌદ્ર રમ્ય અહેસાસ કરાવતા શ્વેત દુગ્ધધારા જેવા જળપ્રપાત, પર્વતોની ટોચને હળવેકથી આલિંગન આપતી શ્વેત શ્યામ વાદલડીઓ, ધૂમ્રસેર સમી ભાસતી અને જાણે કે પોતાના પ્રિયતમને વનરાજીમા શોધતી એકલી અટુલી અટવાતી એ વાદલડીઓ જેહનને અનોખી શાંતતા પ્રદાન કરે છે. આવા મનમોહક દ્રશ્યો અહીં છેક આથમતા શિયાળા સુધી નજરે પડતા હોય છે.
 
ખળખળ વહેતા નદીનાળા, ચોમાસામા ગાંડીતુર અને શિયાળામા અતિ શાંત બનીને વહેતી લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા, અને પૂર્ણાં સમગ્ર પ્રદેશને ભીનો ભીનો માહોલ પ્રદાન કરે છે. પ્રકૃતિના આ અનમોલ નજારાને માણવો હોય તો તમારે ડાંગના ડુંગરા ખૂંદવા પડે, અહીં નિરાંતે રાતવાસો કરવો પડે. 
 
પૃથ્વી પરના સ્વર્ગસમા કાશ્મીર કે ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખાતા કેરાલા ની ગરજ સારતા ડાંગ પ્રદેશને નજીકથી નિહાળવા માટે, હંમેશને માટે પ્રકૃતિપ્રેમીઓની કતાર લાગતી હોય છે. ત્યારે પર્યટકો તેમના આ પ્રવાસને જીવનભરનુ સંભારણું બનાવી શકે તે માટે, સ્થાનિક વન વિભાગ તેમની વ્હારે આવ્યુ છે. સ્થાનિક રોજગારીના સર્જન સાથે પર્યટકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તક ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગ વન વિભાગે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમા આવેલી તેની ત્રણ ઇકો કેમ્પ સાઈટને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામા પ્રસ્તુત કરી છે.
 
આ સાથે જ આહવાથી ૩૨ કિલોમીટરના અંતરે આવેલી 'મહાલ', આહવાના સીમાડે માંડ ૭ કિલોમીટરના અંતરે આવેલી 'દેવીનામાળ', અને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ પાસે આવેલી 'કિલાદ' ખાતેની ઇકો કેમ્પ સાઇટ્સ ખાતે પ્રવાસીઓને રહેવા, જમવાની સુવિધાઓ સાથે પ્રકૃતિની નિરવ શાંતિનો અહેસાસ કરવાની તક ઉપલબ્ધ થઇ છે. પણ સાવધાન. હમેશા ઓવર ક્રાઉડેડ રહેતા ડાંગમા રાત્રી રોકાણ કરવુ હોય તો તમારે એડવાન્સ બુકીંગ કરાવીને જ આવવાની વણમાંગી સલાહ છે.
 
ડાંગની આ ઇકો કેમ્પ સાઇટ ખાતે વુડન કોટેજ, લોગ હટ્સ, ટેન્ટ હાઉસ, ડિલક્ષ ટેન્ટ, સ્યુટ્સ (સ્વિટસ), ટ્વીન બંગલોઝ, ડોરમેટરી, સાથે ટ્રી હાઉસ પણ ઉપલબ્ધ કરાવાયા છે. હળવા નાસ્તા મેગી અને કાંદા પૌવા સાથે ગરમાગરમ મસાલા ચા, કોફી, દૂધ અને બોર્નવિટા સાથે ડાંગી અને ગુજરાતી ભોજનનો વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ કરાવાયો છે.
 
ઉત્તર અને દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ, અને નિલેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી રેન્જમા આવેલી આ કેમ્પ સાઇટ્સનુ સંચાલન 'વન વિકાસ પરિસરીય મંડળી' ને સોંપી સ્થાનિક ગ્રામજનોને રોજગારીની તક પુરી પાડવામા આવી છે. 
ભોજન, અને નિવાસ સાથે વનકેડી પર પરિભ્રમણના શોખીનો માટે જંગલ ટ્રેલ, વન પર્યાવરણને નજીકથી જાણવા અને માણવા માંગતા પર્યટકો માટે પર્યાવરણ શિબિર, બર્ડ વોચિંગ, બોટની ફેસ્ટ, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, અને કેમ્પ ફાયર જેવી એડઓન સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે. તો પર્યટકો અહીં એડવેન્ચર એક્ટિવિટીનો લાભ પણ સમય, સંજોગ, અને ઋતુ અનુસાર ઉઠાવી શકે છે. 
 
આટલુ વાંચી ને જો તમને ડાંગના ઘનઘોર વનો વચ્ચે, કાળી ડિબાંગ વરસાદી રાત્રી, સપરિવાર વિતાવવાનુ મન થતુ હોય તો ઉઠાવો તમારો સ્માર્ટ ફોન, અને આંગળીના ટેરવે ઉપલબ્ધ વિગતો જોઈ ચકાસી, કરો કંકુના. પધારો ડાંગ. ઇકો ટુરિઝમ ડિસ્ટ્રીકટ ડાંગ, તમારુ સ્વાગત કરવા, હંમેશની માફક સજ્જ છે. પણ યાદ રહે, આખો ડાંગ જિલ્લો 'નો પ્લાસ્ટિક ઝોન' છે તેનો ખ્યાલ રાખજો.
 
પર્યટકો આ સાઇટ્સ ઉપર એક જ કલીકે પહોંચી શકે તે માટે વન વિભાગની નીચે દર્શાવેલી લિંકનો ઉપયોગ કરવો હિતાવહ છે. અહીંથી તમને જુદા જુદા ચોઇસ ઓપશન્સ સાથે ઘણીબધી જાણકારીઓ મળી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments