વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાતો કરવાથી ગુજરાતમાં 187 માણસો મૃત્યુ પામ્યા હતા. 2016માં આ કારણે 54 અને 2017માં 59ની સામે ગત વર્ષે મોબાઈલ પર વાતો કરવામાં વ્યસ્ત રહેવાથી જાન ગુમાવનારાની સંખ્યા 200% વધી છે. મોબાઈલ ફોન પર વાતચીતમાં રોકાયેલા હોવાથી સર્જાતા અકસ્માતમાં મૃત્યુ સંખ્યાની દ્દષ્ટિએ ગુજરાત દેશમાં 6ઠ્ઠા સ્થાને છે. 2018માં મોબાઈલ ફોન પર વ્યસ્ત હોવાના કારણે ધ્યાન ભટકાતા રાજયના રસ્તાઓ પર અકસ્માતના 460 બનાવો નોંધાયા હતા. વિચિત્રતા એ છે કે લાલ બતી હોવા છતાં વાહન ન થોભાવાથી થયેલા અકસ્માતોમાં જાનહાનીની 29% અને રોંગસાઈડમાં વાહન ચલાવવાની થતા 37% મૃત્યુ સામે કુલ અકસ્માતોમાં મોબાઈલથી જાનહાનીનું પ્રમાણ 40% હતું. રોડ સેફટી નિષ્ણાંતો જણાવે છે કે ડ્રાઈવીંગ કરતી વખતે ફોન પર વાતચીત કરવી જોખમી છે. ઘણાં ડ્રાઈવરો એક સીટમાં ફોન ઝાલી રાખી બીજા સાથે સ્ટિયરીંગ સંભાળે છે. અભ્યાસોમાં જણાવાયું છે કે ફોન પર વાતચીતથી ધ્યાનભંગ થવાના કારણે ડ્રાઈવર અવારનવાર લાઈન બદલે છે અથવા અણધારી રીતે વાહન ચલાવે છે.