Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ‘રાણીની વાવ’નો ટેબ્લો પ્રસ્તુત થશે

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (10:37 IST)
રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્શ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા-જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ ૬ વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે.
 
ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ (પહેલા)ના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે, ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય રહ્યું છે.
આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવ માં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પ ની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે. પાટણ હાથશાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને ગુજરાતની આ બેનમૂન હસ્તકળાનો પણ પરિચય થાય એ હેતુથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે.
 
ટેબ્લોના ટ્રેલર પાર્ટમાં ભગવાન વિષ્ણુના દશાવતારની મુખ્ય થીમની સાથેસાથે ભારતીય શાસ્ત્રીય પરંપરામાં સ્ત્રીના સોળ શણગાર દર્શાવતા શિલ્પોને કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. ટેબ્લોની બન્ને તરફથી નાગરિકો આ સુંદર શિલ્પો નિહાળી શકશે. વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે. જેને કળાત્મક સ્તંભો અને પગથિયાં સાથે પ્રસ્તુત કરાયા છે. વચ્ચે પાર્ટીશન દીવાલ પર બુદ્ધ અને દેવી-દેવતાની પ્રતિમા કંડારવામાં આવી છે. ટેબ્લોની પાછળના ભાગે ભગવાન વિષ્ણુના વામન અવતારની  સુપ્રસિદ્ધ પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આમ રાણીની વાવનો આ ટેબ્લો પણ કળાનો બેનમૂન નમૂનો બની શક્યો છે.
 
ગુજરાત સરકારના રાણીની વાવના ટેબ્લો સાથે કુલ ૨૬ કલાકારો પણ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર રજૂ કરશે. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં  વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ ૧૦ કલાકારો હશે. અમદાવાદની પ્રકાશ હાયર-સેકન્ડરી સ્કૂલની પાંચ વર્ષની વિધાર્થીની કુ. આજ્ઞા સોની અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની કુ. ધ્યાના સોની બાળ પનિહારી તરીકે પ્રસ્તુત થશે. સૌથી નાની વયની આ બંન્ને બાલિકાઓ સમગ્ર પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ૧૬ કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો “હું તો પાટણ શે’રની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા....”ગાતાં ગાતાં  રાણીની વાવના ટેબ્લો સાથે પરેડમાં જોડાશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments