Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર કમિટીની બેઠકના નિર્ણયોની જાહેરાત: ૩૧ માર્ચ સુધી આવશ્યક સેવાઓ સિવાયની સરકારી કચેરીઓમાં રજા જાહેર

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (14:06 IST)
વિશ્વવ્યાપી મહામારી કોરોનાને પરિણામે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસ-કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં નાગરિકો સલામત અને પોતાના ઘરમાં જ રહિ સુરક્ષિત રહે તે માટે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દિવસો દરમિયાન નાગરિકો-પ્રજાજનોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેમજ આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તે હેતુસર કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. આ કોરોના વાયરસની બિમારી સામેના નિયંત્રણ અને તકેદારીના પગલાંઓ, આરોગ્ય તથા કાયદો વ્યવસ્થા સ્થિતીની સમીક્ષા વગેરે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર અને રાજ્ય નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે આ નિર્ણયોની જાણકારી પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
 
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના કોઇપણ વિસ્તાર, જિલ્લા-નગર-ગામ-મહાનગરમાં કયાંય કોઇ નાગરિક-પ્રજાજનોને દૂધ, શાકભાજી, કરિયાણું, ખાદ્યાન્ન પુરવઠો મેળવવામાં મુશ્કેલી ન પડે તેની સમગ્ર દેખરેખ અને નિયંત્રણ માટે પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરી છે. તદ્દઅનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ, મુખ્યમંત્રીના સચિવ, નાગરિક પુરવઠા નિગમના એમ.ડી, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને એ.પી.એમ.સી. નિયામક તેમજ અન્ન નિયંત્રક અમદાવાદની આ કમિટી લોકડાઉનની પરિસ્થિતીમાં જીવન આવશ્યક જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નાગરિકોને સરળતાએ મળી રહે, કોઇ ચીજવસ્તુના નિર્ધારીત ભાવથી વધુ ભાવ ન લેવાય તેમજ સંગ્રહખોરી ન થાય તે અંગેની કાળજી પ્રવર્તમાન પરિસ્થિતીમાં વિશાળ જનહિતને ધ્યાને રાખીને લેશે. આ ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે. 
 
તેમણે કહ્યું કે, શાકભાજી અને ફળફળાદિનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. રાજ્યમાં આજની તારીખે ૬૪ શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણાના પુરવઠામાં કોઇ જ દુવિધા નથી. રાજ્યમાં રોજનું અંદાજે પપ લાખ લિટર દૂધ પાઉચનું વિતરણ થાય છે. આ પુરવઠો પણ બેરોકટોક મળતો રહેશે. ગુજરાતમાં ૧૬૦૦ જેટલા અમૂલ પાર્લરમાંથી ૧ હજાર જેટલા પાર્લર ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યરત છે. ૬૦૦ જેટલા પાર્લર નાના નગરો-ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ બધા જ પાર્લર ચાલુ છે અને દૂધનો સપ્લાય ત્યાં ઉપલબ્ધ રહેશે. 
 
સચિવ અશ્વિનીકુમારે વધુ વિગતો આપતાં એમ પણ જણાવ્યું કે, આ કોરોના વાયરસનો વ્યાપ લોકોના એકબીજાના સંપર્કથી ફેલાતો હોય છે. આની તકેદારી રાખીને રાજ્યમાં લોકો મોટા પ્રમાણમાં કયાંય એકત્ર ન થાય, ભીડભાડ ન થાય અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સમગ્ર રાજ્યમાં બસ સેવાઓ સહિતની ટ્રાન્સપોર્ટ સેવાઓ, આવશ્યક સેવાઓ સિવાયની કચેરીઓ-સંસ્થાઓ પણ તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ સચિવાલય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં પણ ભીડભાડ અટકાવવા કમર્ચારીઓની હાજરીને નિયંત્રીત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. 
 
આ નિર્ણય અનુસાર, આવશ્યક સેવાઓ એટલે કે પોલીસ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને તેને સંલગ્ન કચેરીઓ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને તેની સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, પંચાયત તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ અને નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક – તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની ફરજો ચાલુ રહેશે. આ ઉપરાંત ગેસ, વીજ વિતરણ કંપનીઓ, પાણી પુરવઠા સંલગ્ન કચેરીઓ અને માહિતી-પ્રસારણ તંત્રની કચેરીઓ પણ યથાવત કામગીરી બજાવશે. તે સિવાયના વિભાગોની કચેરીઓ તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જે તે વિભાગના સચિવઓ કામની અગત્યતા અનુસાર ન્યૂનત્તમ કર્મચારીઓ-સ્કેલેટન સ્ટાફ સાથે પોતાની કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરી શકશે. 
 
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીએ રાજ્યમાં ધોરણ ૧ થી ૮ અને ૯ તથા ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા ધોરણમાં લઇ જવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે તેની પણ જાહેરાત અશ્વિનીકુમારે કરી હતી. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો, કોલેજોના પ્રાધ્યાપકોએ પણ તા. ૩૧-૩-ર૦ર૦ સુધી શાળા-કોલેજ જવાનું રહેશે નહિ. જિલ્લાની ડી.પી.ઓ. અને ડી.ઇ.ઓ. કચેરીઓ પણ બંધ રહેશે. 
 
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતીની યોગ્ય અને સાચી માહિતી લોકો સુધી પહોચી શકે તે માટે નિયમીતપણે મિડીયાને બ્રિફીંગ કરવાની વ્યવસ્થાઓ પણ મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અંગેની જાણકારી આપતાં માહિતી સચિવએ ઉમેર્યુ કે, કોરોના વાયરસ અંગે આરોગ્ય વિભાગ સંબંધિત વિગતો આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિ દરરોજ સવારે ૧૦ અને રાત્રે ૮ કલાકે મિડીયાને આપશે. કાયદો વ્યવસ્થા અને લોકડાઉન અમલીકરણ અંગેની વિગતો પોલીસ મહાનિદેશક રોજ બપોરે ૪ કલાકે આપશે. તેમજ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતી અને અન્ય અગત્યના નિર્ણયોની માહિતી દરરોજ બપોરે ર વાગ્યે માહિતી સચિવ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મિડીયાને આપશે. 
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં સર્જાયેલી આ કોરોના વાયરસની સ્થિતીની રોજબરોજની વિગતો, મહત્વના નિર્ણયો તથા સર્વગ્રાહી સમીક્ષા માટે કોર કમિટીની રચના પણ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ કોરોના વાયરસ સામે સાવધાની અને તકેદારી તથા સેલ્ફ આઇસોલેશન સોશિયલ ડિસ્ટન્સથી અવશ્ય બચી શકાય છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના સૌ નાગરિકોને સ્વયંશિસ્ત અને કોરેન્ટાઇન પ્રોટોકોલ પાળવા જાહેર અપિલ પણ અવારનવાર કરેલી છે. વિજય રૂપાણીએ ગઇકાલે રાજ્યના મહાનગરોના કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર-સુશ્રુષાની જાતમાહિતી તેમની સાથે સી.એમ. ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી વાત કરીને મેળવી હતી. 
 
રાજ્યના ૪ મહાનગરોમાં જે લોકો વિદેશથી આવેલા છે અને હોમ કવોરેન્ટીન થયેલા છે તેમાંના ૭ લોકો સાથે સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી વાતચીત કરી હતી અને તેમને આ સોશિયલ ડિસટન્સ જાળવવાના અભિગમ માટે બિરદાવ્યા હતા તેમજ કવોરેન્ટીન પ્રોટોકોલ પાળવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

Passport - પાસપોર્ટ બનાવનારાઓ માટે રાહતના સમાચાર

કન્નૌજમાં લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 ડોક્ટરોના દર્દનાક મોત

આ રાજ્યોમાં ભારે વરસાદથી સમસ્યાઓ વધી, શાળા-કોલેજો બંધ, NDRF સંભાળી રહ્યું છે

આગળનો લેખ
Show comments