Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ નેતા જેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રીપદ સુધી પહોંચાડી દીધા

અનંત પ્રકાશ
બુધવાર, 27 નવેમ્બર 2019 (13:23 IST)
તુમસે પહેલે વો જો ઈક શખ્સ યહાં તખ્તનશીં થા,
 
ઉસકો ભી અપને ખુદા હોને પે ઈતના હી યકીં થા...
 
આ શેર પાકિસ્તાનના ક્રાંતિકારી કવિ હબીબ જાલિબે લખ્યો હતો.
 
હબીબ જાલિબ તેમની કલમની તાકાત વડે વંચિતોના અવાજ બનીને પાકિસ્તાનના શાસકોને આજીવન શબ્દોના ચાબખા મારતા રહ્યા. આજના જમાનામાં આ શેર શિવસેનાના નેતા સંજય રાઉતે અગાઉ ટ્વિટર પર શૅર કર્યો છે.
 
શિવસેના થોડા દિવસ અગાઉ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હિસ્સેદાર હતી.
 
ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પણ મહારાષ્ટ્રની નવી સરકારમાં વધારે હિસ્સો મેળવવા માટે સંજય રાઉતે ઉપરોક્ત શેર ટ્વિટર પર શૅર કર્યો હતો.
 
સંજય રાઉત ભાજપના નેતાઓની માફક કૉંગ્રેસ તથા વિરોધ પક્ષો પર આ જ રીતે નિશાન તાકતા રહ્યા છે.
 
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ હોય કે મમતા બેનરજી વિરુદ્ધની બયાનબાજી- સંજય રાઉત તેમના ટ્વિટર એકાઉન્ટ મારફત એનડીએના વિરોધીઓને નિશાન બનાવતા રહ્યા છે.
ભાજપથી દૂર રહેવાનો નિર્ણય શા માટે?
 
આ સ્થિતિમાં સવાલ થાય કે આખરે શિવસેનાએ અને ખાસ કરીને સંજય રાઉતે ભાજપથી દૂર રહેવાનો નિર્ણય શા માટે કર્યો હશે?
 
મહારાષ્ટ્રના રાજકારણ પર વર્ષોથી ઝીણવટભરી નજર રાખતાં વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદન માને છે કે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય તેમના પક્ષના ભવિષ્યને સલામત રાખવાના હેતુસર કર્યો છે.
 
સુજાતા આનંદન કહે છે, "બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા, પણ ચૂંટણીના પરિણામ બાદ સંજય રાઉતે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેમના પક્ષને અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીપદ મળવું જોઈએ."
 
"એ પછી બન્ને છાવણીઓમાં પરિસ્થિતિ બગડવી શરૂ થઈ હતી."
 
"અલબત્ત, આ પગલાં પાછળ શિવસેના અને ભાજપની વચ્ચે મહારાષ્ટ્રમાં ઊભરતી હિંદુત્વ વોટબૅન્ક બાબતે ચાલતી ખેંચતાણ છે."
"શિવસેના પહેલાંથી જ મરાઠી માણુસના હક્કની વાત કરતી પાર્ટી હતી, પરંતુ પાછલા કેટલાક સમયથી શિવસેનાએ હિંદુત્વના મુદ્દે પણ વાત કરવાનું શરૂ કરી દીધું."
 
"મહારાષ્ટ્રમાં ઊભરતી હિંદુત્વ વોટબૅન્ક શિવસેનાના હાથમાં જાય એવું ભાજપ ઇચ્છતો નથી."
 
"તેથી ભાજપનો હેતુ આગામી પાંચ વર્ષમાં શિવસેનાને ખતમ કરવાનો છે. તેને ધ્યાનમાં રાખીને જ શિવસેનાએ આ પગલું લીધું છે."
 
ઉદ્ધવ ઠાકરેનું નામ આગળ ધર્યું
 
 
ઉદ્ધવ ઠાકરે લાંબા સમયથી કહેતા રહ્યા છે કે તેઓ ક્યારેય ચીફ મિનિસ્ટર (સીએમ) નહીં બને.
 
તેમ છતાં સંજય રાઉતે મુખ્ય મંત્રીપદ માટે ઉદ્ધવનું નામ વારંવાર આગળ કર્યું છે.
 
સુજાતા આનંદન માને છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાટી (એનસીપી), કૉંગ્રેસ અને શિવસેના એમ ત્રણ પક્ષની મોરચા સરકારને માત્ર ઉદ્ધવ ઠાકરે જ યોગ્ય નેતૃત્વ આપી શકે તેમ છે.
 
સુજાતા આનંદન કહે છે, "આ સમયે શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્ય મંત્રીપદ સોંપવા બાબતે વિચાર કરતી નથી."
 
"એક તો તેમની પાસે અનુભવ નથી અને બીજી વાત એ છે કે આદિત્યને મુખ્ય મંત્રી બનાવવાથી શિવસેનામાં આંતરિક કલહની સ્થિતિ સર્જાઈ શકે છે."
 
"અગાઉ આવી પરિસ્થિતિ મનોહર જોશી અને છગન ભુજબળ વચ્ચે સ્પર્ધા ચાલતી હતી એ વખતે સર્જાઈ હતી."
 
"એ વખતે બાળાસાહેબ ઠાકરેએ મનોહર જોશીને વિપક્ષના નેતા બનાવ્યા હતા."
 
"એ પછી છગન ભુજબળ શિવસેના છોડીને કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા."
 
ત્રણ પક્ષોના ગઠબંધનમાં રાઉતની ભૂમિકા
શિવસેના એનસીપી સાથે મળીને સરકાર બનાવવા ઇચ્છે છે, એવું તાજેતરમાં પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે સામો સવાલ કર્યો હતો કે "અચ્છા?"
 
એ પછી એવા અનુમાને વેગ પકડ્યો હતો કે એનસીપીને શિવસેના સાથે મળીને સરકાર રચવામાં રસ નથી.
 
જોકે, આ બાબતે સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે મીડિયાએ શરદ પવાર અને શિવસેનાના ગઠબંધન બાબતે ચિંતા કરવાની જરૂર નથી.
 
મીડિયા આ મુદ્દે ભ્રમ સર્જી રહ્યું છે અને શરદ પવારની વાત સમજવા માટે મીડિયાએ 100 જન્મ લેવા પડશે.
 
એ પછીના ઘટનાક્રમે સ્પષ્ટ કરી દીધું કે રાઉતનો વિશ્વાસ અસ્થાને ન હતો.
 
વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલેકર જણાવે છે કે સંજય રાઉતને કારણે શિવસેના અને એનસીપી વચ્ચે મેળાપના સંજોગો સર્જાયા.
 
પ્રકાશ અકોલેકર કહે છે, "ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી સંજય રાઉત શરદ પવારના સંપર્કમાં હતા, કારણ કે સંજય રાઉતને શરદ પવાર સાથે ગાઢ સંબંધ છે અને એ સંબંધ આજકાલનો નહીં, બાળાસાહેબ ઠાકરેના જમાનાથી છે."
 
"આ પરિસ્થિતિમાં બન્ને પક્ષ સરકાર બનાવવા માટે એકમેકની સાથે સૂર મેળવતા દેખાય છે અને સંજય રાઉત બન્ને પક્ષ વચ્ચે સંપર્કસૂત્ર બન્યા છે."
 
સુજાતા આનંદનના જણાવ્યા મુજબ, શિવસેના સાથે શરદ પવાર તથા કૉંગ્રેસને બાળાસાહેબ ઠાકરેના જમાનાથી સંબંધ છે.
 
સુજાતા આનંદન કહે છે કે "2007માં પ્રતિભા પાટિલ અને 2012માં પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવવા માટે કૉંગ્રેસે શિવસેનાની જ મદદ માગી હતી.
 
તેમાં પણ કૉંગ્રેસને મદદ માટે સંજય રાઉતે જ શિવસેનાના નેતૃત્વ સાથે વાત કરી હતી."
 
એક વાત નક્કી છે કે આ બધી ખેંચતાણમાં સંજય રાઉતે તેમના રાજકીય કદને નવી ઊંચાઈ આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે અથડામણ, 100 થી વધુ લોકોના મોત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

બરફવર્ષા અંગે IMDનું નવીનતમ અપડેટ, કયું શહેર બરફથી ઢંકાઈ જશે અને ક્યારે?

તામિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું, વહીવટીતંત્ર હાઈ ઍલર્ટ પર

Maharashtra New CM -લોકોની ઈચ્છા છે કે હું મહારાષ્ટ્રનો CM બનું... હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો

આગળનો લેખ
Show comments