ગુનાખોરીની દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાનું ડંગલું કાં તો અપમાનનો બદલો લેવા માટે અથવા તો પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માંડતો હોય છે. આ મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને અત્યાર સુધીમાં અસંખ્ય ફિલ્મોનું નિર્માણ થઈ ચૂક્યું છે. ‘બારહ આના’ ફિલ્મ તે પૈકીનું એક વધારાનું નામ છે.
ફિલ્મના મુખ્ય ત્રણ પાત્રો (વોચમેન, ડ્રાઇવર અને વેટર) ને તેમની મજબૂરી ન ઈચ્છવા છતાં પણ ગુનાખોરીની દુનિયામાં ઘકેલી દે છે.
ડ્રાઇવર (નસીરુદ્દીન શાહ) ના શરીરની દુર્ગંધ તેની માલકણને પસંદ નથી અને તે હમેશા તેને અપમાનિત કરવાનું બહાનું શોધતી રહે છે.
વોચમેન (વિજય રાજ) નો બાળક ગામમાં બીમાર છે અને તેની પાસે મોકલવા માટે નાણા નથી. લાખોની ગાડી ફેરવનારા અને એક વખતમાં હજારો રૂપિયાનું ભોજન ખાનારા લોકો તેની મદદ કરવામાં અસમર્થ છે. વેટર (અર્જુન માથુર) એક ફિરંગી યુવતીને ચાહે છે પરંતુ તે પોતાની બેન્ક બેલેન્સ વધારવા ઈચ્છે છે કારણ કે, તે જાણે છે કે, આજકાલની યુવતીઓ પ્રેમના બદલે પૈસાને પહેલા પ્રાધાન્ય આપે છે.
માર્ગ કિનારે એક રેકડી પાસે બેઠેલો વોચમેન ઘણો ઉદાસ છે, ત્યારે એક વ્યક્તિ તેના પર રોબ જમાવે છે. વોચમેન તેને એક થપ્પડ મારે છે અને તે વ્યક્તિ બેભાન થઈ જાય છે. ગભરાઈને તે તેને પોતાના ઘરે લઈ આવે છે. એ વ્યક્તિના ઘરે ફોન લગાડીને વોચમેન ત્રીસ હજાર રૂપિયા માંગે છે. નાણા મળે છે અને તે તેને છોડી દે છે.
ઓછી મહેનત અને વધુ નાણાનો ફોર્મૂલો ત્રણેયને પસંદ પડી જાય છે. નસીર પોતાની માલકણ સાથે બદલો લેવા ઈચ્છે છે અને ત્રણેય મળીને તેનું અપહરણ કરી લે છે. આ મુર્ખામી તેમને ભારે પડે છે અને ત્રણેય પોલીસના હાથે પકડાઈ જાય છે.
ફિલ્મની જે પણ કથા છે તેમાં કંઈ પણ નવીનપણું નથી પરંતુ નિર્દેશક અને લેખક રાજા મેનને તેને સ્ક્રીન પર હળવી-ફુલ રીતે રજૂ કરી છે. પ્રસ્તુતિકરણ મારફત તેમણે દર્શકોનું ધ્યાન દોરવાના પ્રયત્નો કર્યા છે પરંતુ તેમને ધારી સફળતા મળી શકી નથી.
ફિલ્મને ‘રિયલિસ્ટિક કૉમેડી’ કહીને તેને પ્રચારિત કરવામાં આવી રહી છે પરંતુ હંસવાના પ્રસંગો ઘણા ઓછા આવે છે. નસીરની માલકણનું અપહરણવાળું દૃશ્ય તદ્દન મુર્ખામી ભરેલું લાગે છે. જ્યારે ત્રણેયને એ વાતની જાણ છે કે, તેઓ પકડાઈ જશે તેમ છતાં પણ તેઓ આ ગુનો કરે છે.
અવધિ ઓછી હોવાં છતાં પણ ફિલ્મની ગતિ અત્યંત ધીમી લાગે છે. મધ્યાંતર બાદ જ ફિલ્મમાં થોડો રોમાંચ ઉત્પન્ન થાય છે પરંતુ અંતમાં ફિલ્મ નબળી સાબીત થાય છે.
અર્જુન માથુર વેટરની ભૂમિકામાં મિસફિટ લાગ્યાં. નસીરુદ્દીન શાહ અંત સિવાય પૂરી ફિલ્મમાં ચૂપ રહે છે. માત્ર શારીરિક હાવ-ભાવ મારફત તેમણે અભિનય કર્યો છે પરંતુ અંતમાં જ્યારે તે સંવાદ બોલે છે તો તેમના પાત્રનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
IFM
તનિષ્ઠા ચેટર્જી અને વાયલેંટી પ્લેસિડોએ પોત-પોતાના પાત્રોને શ્રેષ્ઠ રીતે ભજવ્યાં છે પરંતુ અભિનયમાં વિજય રાજ બાજી મારી જાય છે. વોચમેનના પાત્રને પૂરી વિશ્વસનીયતા સાથે તેમણે ભજવ્યું છે. ક્યારે ધીમી વાત કહેવાની છે અને ક્યારે જોરથી બોલવાનું છે તે તમામ વાતોનું તેમણે પૂરતું ધ્યાન રાખ્યું છે. તેમના શ્રેષ્ઠ અભિનયના કારણે જ ફિલ્મમાં થોડી રૂચિ જળવાઈ રહે છે.
સરવાળે કહી શકાય કે, 'બારહ આના' માં સારી ફિલ્મ હોવાની તમામ સંભાવનાઓ હતી જેનો પૂરતો ઉપયોગ ન કરવામાં આવ્યો.