1 નવેમ્બર 1973 મેંગલોર(કર્ણાટક)માં જન્મેલ એશ્વર્યા પહેલા બેંગલોર અને પછી મુંબઈમાં ઉછરી. 13-14 વર્ષની વય સુધી તેને નહોતુ સમજાતુ કે લોકો તેને કેમ તાકી તાકીને જુએ છે. કારણકે તેને પોતાની સુંદરતાનુ અભિમાન નહોતુ. શાળાના વાર્ષિક સમારંભમાં શિક્ષક તેને પરીનો અભિનય કરવાનુ કહેતી હતી. અભ્યાસમાં હંમેશા ટોચ પર રહી અને તેની ઈચ્છા ડોક્ટર બનવાની હતી, પરંતુ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન પહેલા મળી ગયુ. બાળપણથી જ પોતાની માતા સાથે સમુદ્ર કિનારે ફરવુ અને મંદિર જવુ એ એશની દિનચર્યા હતી.
એશ્વર્યાની સુંદરતાને કારણે તેની અંદરની અપાર શક્યતાઓ તેના અંગ્રેજીના પ્રોફેસરે જોઈ જે ફોટોગ્રાફીના શોખીન હતા. તેમણે એશ્વર્યાના ફોટા પાડીને મિસ ઈંડિયાની હરીફાઈના આયોજકોને મોકલ્યા. એશ્વર્યાની સુંદરતા જોઈ બધા આશ્વર્યમાં પડી ગયા. રેમ્પ પર કેટવોક કરતી એશનુ ફેશન જગત ઘેલુ બની ગયુ અને તે ઝડપથી સફળતાની સીડીઓ ચઢી ગઈ.
મિસ વર્લ્ડ બન્યા પછી ફિલ્મ નિર્માતાઓનુ ધ્યાન તેમની તરફ ગયુ અને એશને સરળતાથી ફિલ્મો મળી ગઈ. એક અભિનેત્રીના રૂપમાં સુંદરતા જ તેમનો અવરોધ બની ગઈ કારણ કે દર્શકો તેમને ફક્ત જોવા માંગતા હતા. જેથી તેમને ગ્લેમર ડોલના રૂપમાં જ રજૂ કરવામાં આવતી હતી. જો કે એશ્વર્યાએ એવી ફિલ્મો કરવાનો પ્રયત્ન કર્યો જે તેને તેના અભિનય માટે યાદ રાખે. તાલ, દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ, રેનકોટ, જોધા અકબર, ધૂમ-2, ચોખેર બાલી તેની કેટલીક યાદગાર ફિલ્મોમાંથી છે.
હાલ એશ્વર્યાનુ કેરિયર ઠંડુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. તેમની ફિલ્મ 'રાવણ' એકદમ ફ્લોપ રહી. 'રોબોટ'ને જરૂર સફળતા મળી, પરંતુ તેમા એશનુ યોગદાન ના બરાબર છે. દિવાળી પર 'એક્શન રિપ્લે' અને તેના બે અઠવાડિયા પછી 'ગુજારિશ'માં તે જોવા મળશે. આ ફિલ્મો તેના કેરિયરમાં મહત્વની ભૂમિકા ભજવશે એવુ માનવામાં આવી રહ્યુ છે. એશ્વર્યાને આવનારી ફિલ્મો માટે ઓલ ધ બેસ્ટ અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..