Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસીબ ઘડવું છે ? કે નસીબના આધારે જીવવું છે ?

Webdunia
શનિવાર, 3 મે 2014 (15:33 IST)
યુવાનીમાં જ નાણાંકીય આયોજન કરવું જરૂરી
 
હર એક વ્યક્તિ પોતાના સપના સાથે જીવન જીવે છે – ઘરનું ઘર હોય, ગાડી હોય, બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણી ગણી તૈયાર થાય, વૃદ્ધ થાય ત્યારે સ્વાસ્થ્ય સારું રહે અને બીમારીમાં પણ કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે, સમાજમાં નામ હોય વગેરે. પણ ‘નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ’ કહેવત પણ યાદ રાખવી પડે. એવી કહેણ પણ છે કે ‘Money is nothing’ પણ આપણે એ પણ ન ભૂલી શકીએ કે ‘Money is great power.’ આથી સપનાં પૂરાં કરવા નાણાંના ‘બળ’ની તો જરૂર છે જ. આ બળની પ્રાપ્તિ તો સ્વબળે જ કરી શકાય. નોકરીમાં પગારની આવક રીટાયર્ડમેન્ટ સુધી જ હોય અને પેન્શનની આવક બધાંને નથી મળતી. આથી રીટાયર્ડ થતાં સુધીમાં બધાં જ સપનાંનાં નાણાંની વ્યવસ્થા થતી રહેવી જોઈએ. જો ન થઈ શકે તો ‘નસીબમાં હતું એટલું થયું અને થશે’ એમ માની મન મનાવવાનું રહે. આમ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે પોતે નસીબ ઘડવું છે ? કે નસીબના આધારે જીવવું છે ?
 
સપનાંઓ આગળ જઈને નવું નામ ધારણ કરેછે – ‘ધ્યેય’. ‘ઘરનુંઘર’ એ માનવીનું સૌથી ગમતું સપનું. આ ‘સપનું’ એટલે ઘર મેળવવાનું ધ્યેય, પછી ભલેને, લાંબા ગાળે પૂરું થવાનું હોય. કાર લેવાનું ‘સપનું’, બે-ચાર વર્ષમાં પૂરું કરવાનું હોય. કેરિયરમાં પ્રમોશન મેળવવાનું સપનું, આવાં તો ઘણાં બધાં….. (આમ તો ‘સ્વપ્નાં’ જીવનનો પર્યાય હોય તેમ નથી લાગતું ?!).
 
નસીબને ઘડવું એ ‘ધ્યેય’ સિદ્ધ કરવાની વાત છે અને ધ્યેય સિદ્ધ કરવા આયોજન કરવું જ પડે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ‘પ્રથમ’ આવવાનું ધ્યેય નક્કી કરે તો તેણે વર્ષની શરૂઆતથી જ યોગ્ય રીતે ભણવાનું આયોજન કરવુંપડે – કેવા પ્રકારનાં પુસ્તકો જોઈશે, ટ્યુશન રાખવું કે નહીં ? કોનું રાખવું ? કેટલા કલાક રોજ વાંચવું જોઈએ ? જો આ પ્રકારે આયોજન કરી મહેનત કરી ભણે તો જ પ્રથમ આવી શકે. હવે જો સામાન્ય અભ્યાસમાં પણ આ પ્રકારનું આયોજન કરવું પડતું હોય તો પોતાનું નસીબ ઘડવા તો આયોજન કરવું જ પડે ને !
 
જીવનનાં બધાં સપનાં સાચાં પાડવા નાણાંની જરૂરિયાત રહેવાની છે અને નાણાંની આવક તો શરીર ચાલે ત્યાં સુધી કે નોકરી/ધંધામાંથી રીટાયર્ડ થઈએ ત્યાં સુધી જ રહેવાની છે. આથી નાણાંનુ આયોજન જ્યાં સુધી આવક ચાલુ છે તે દરમ્યાન જ કરવાનું રહે. દરેક સપનાની કિંમત પણ જુદી જુદી છે. ધારો કે બે રૂમ, હોલ, કીચનનો ફ્લેટ લેવો હોય, જેના માટે હાલમાં ૩૦-૩૫ લાખ રૂપિયાની જરૂર છે અને કદાચ પાંચ વર્ષ પછી લેવા માટે જમીન/મજૂરી/કાચોમાલ વગેરેના ભાવોમાં વધારો ગણાતા,૫૦-૫૫ લાખ રૂપિયાની ગણત્રી કરવાની થાય. હવે જો પાંચ વર્ષ પછી ૫૦ લાખ રૂપિયાનો ફ્લેટ લોન લઈને પણ લેવાનો હોય તો અંદાજિત ૨૦ % પ્રમાણે ગણીએ તો પોતાનું માર્જીન – ૧૦ લાખ તો વ્યક્તિએ પોતે રોકવાના થાય. આ દસ લાખ તેણે આવતાં પાંચ વર્ષમાં ઊભા કરવાના છે. આ નાણાં તો તેણે પોતાની આવકમાંથી ઊભા કરવાના રહે. કેમ ઊભા કરવાં ? આમ વ્યક્તિ એ અંગત નાણાંકીય આયોજન કરવું જરૂરી છે.
 
દરેક વ્યક્તિ માટે અંગત નાણાંકીય આયોજન જરૂરી છે એ તો જાણ્યું, સાથે સાથે તેની અગત્યતા અને તે કરીએ તો શું લાભ થાય તે પણ જાણી લઈએ.
 
ઘણા લોકો આ પ્રકારના નાણાંકીય આયોજન વગર જીવે છે. પછી જ્યારે પોતાને જોઈતું ન મળે ત્યારે નસીબને દોષ આપી મન મનાવી લે છે. એથીય વધારે ખરાબ તો એ છે કે બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી, તગડી આવકમાં જે જિંદગી જીવવાની ટેવ પડી હોય તેમાં જ્યારે ફેરફાર કરવાનો આવે ત્યારે વધારે દુઃખી થાય છે, વૃદ્ધાવસ્થામાં પૈસાને અભાવે યોગ્ય સારવાર મેળવી શકતા નથી અને બાકીની જિંદગી પીડાદાયક અવસ્થામાં પૂરી કરે છે. ‘પડશે એવા દેવાશે’ની વિચારસરણી ભવિષ્યની જિંદગી માટે ભારે પડી શકે છે. નાણાંકીય ભીંસમાં અાવે ત્યારે અન્ય પાસે હાથ ફેલાવવાથી કે અન્ય પાસેથી નાણાંકીય મદદ લીધા પછી સમયસર પરત ન કરી શકવાથી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થાયછે. એવું જોવા મળ્યું છે કે દેવું ભરવાની અક્ષમતાને કારણે એકનું દેવું પૂરુ કરવા અન્ય પાસેથી દેવું લઈ, ‘ઇસકી ટોપી ઉસકે સર પર’ જેવી ચાલ ચાલીને લોકો ગાડું ગબડાવે છે અને સતત તણાવભરી જિંદગી જીવે છે. આ બધાંમાંથી મુક્ત રહેવા વ્યક્તિએ નોકરી-ધંધાની શરૂઆતથી જ, યુવાનીમાં જ નાણાંકીય આયોજન કરવું જરૂરી છે.
 
નાણાંકીય આયોજનથી થતા લાભ જોઈએ તો –
 
    આવક અને જાવકને વ્યવસ્થિત રાખવામાં અને ખોટા ખર્ચથી બચવામાં મદદરૂપ થાય છે.
    બચત અને સંપત્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
    રોકાણો પર વધુમાં વધુ વળતર મેળવવમાં મદદરુૂપ થાય છે.
    ટેક્ષની જવાબદારી ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
    જીવનના અગત્યના ધ્યેયોને પહોંચી વળવામાં મદદરુપ થાય છે.
    વૃદ્ધાવસ્થામાં પણ સુંદર જીવન જીવવાની ખાત્રી પૂરી પાડે છે.
    આકસ્મિક આવી પડતી પરિસ્થિતિઓને પહોંચી વળવા બળ પૂરું પાડેછે.
    આકસ્મિક અપંગતા કે મૃત્યુ વખતે કૌટુંબિક જીવન ખોરવાતું નથી.
 
સૌથી અગત્યનું – જીવનના નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવામાં મદદરૂપ થાય છે.
 
નાણાંકીય આયોજન અઘરું નથી, જો તેના માટેની તૈયારી હોય તો ! બસ કેટલાંક પગલાંઓ ભરીએ તો સુખી જીવનના દ્વાર ખોલી શકાય.
 
નાણાંકીય આયોજનનાં પગલાં –
 
તમારી હાલની નાણાંકીય પરિસ્થિતિનો અંદાજ –
 
સૌ પ્રથમ તો તમારી વર્તમાન નાણાંકીય પરિસ્થિતિને સમજો. તમારા ઘરના દરેક સભ્ય સહિત કુલ આવકની વિગત તૈયાર કરો. ત્યાર બાદ તમારી પરનો લોનનો બોજ (ઘર, કાર, ટીવી, વોશિંગ મશીન, ફોન વગેરેની ખરીદી માટે લીધેલી લોન), ફરજિયાત બચતની વિગત (જેમ કે જીવન વીમા પોલીસી, રીકરીંગ એકાઉન્ટ્સ, પોસ્ટની બચતવગેરે), ઘરખર્ચ (પોતાના ઘરનો તેમ જ ઘરના કોઈ સભ્યો બહાર હોય તો તેનો ખર્ચ વગેરે). આ વિગતો તૈયાર થયેથી તમને તમારી નાણાંકીય પરિસ્થિતિનો પાકો અંદાજ આવશે.
 
તમારા જીવનના નાણાંકીય ધ્યેય –
 
ઘરના સભ્યોની સાથે બેસીને કુટુંબના હાલના તેમજ ભવિષ્યના ધ્યેય ક્યા છે તેનું એક લિસ્ટ બનાવો. દરેક ધ્યેયને સમય અને નાણાંના સંદર્ભમાં સ્પષ્ટ કરો. (quantify). શક્ય હોય તો સર્વ સંમતિથી ધ્યેય માટે અગ્રતાક્રમ નક્કી કરો. ક્યો ધ્યેય સૌથી પહેલા હાંસલ કરવો જોઈએ, તેમાં કેટલો સમય અને નાણાં જોઈશે તેનો અંદાજ બાંધો.
 
નાણાંકીય તૂટનો અંદાજ મેળવો –
 
તમારી કુલ આવક અને નાણાંની કુલ જરૂરિયાતના અંદાજ તૈયાર થતાં જ તમને નાણાંકીય તૂટનો અંદાજ આવશે. જો નાણાં વધતા (સરપ્લસ) રહેતાં હોય તો બીજા ધ્યેય તરફ સાથે સાથે આગળ વધવાની સ્પષ્ટતા થશે અથવા ભવિષ્યમાટેની બચતનો માર્ગ વિચારવાની તક મળશે. જો નાણાંકીય તૂટ હશે તો વધારાની આવક ઊભી કરવા માટે પ્રયત્ન કરવાની દિશા સૂઝશે.
 
તમારા અંગત નાણાંકીય આયોજનને લખાણનું સ્વરૂપ આપો –
 
હવે તમારી પાસે અંગત નાણાંકીય પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર તૈયાર થઈ ગયું. હવે ક્યાં, કેટલો ખર્ચ કરવો, બચત માટે ક્યા પ્રકારની સ્કીમો અપનાવવી (જીવનવીમો, પીપીએફ, ફીક્સડ ડીપોઝીટ, રીકરીંગ ખાતાંઓ વગેરે). દરેક માટે ચોક્કસ રકમ અને સમયગાળો પણ નક્કી થઈ શકશે. આ બધા અંદાજ તમારા ભવિષ્યના ધ્યેયને સુસંગત હોવા જોઈએ.
 
તમારા નાણાંકીય આયોજનને અમલમાં મૂકો –
 
ફક્ત કાગળ પર અંદાજ બાંધવાથી કોઈ પરિણામ નહીં આવે, માટે હવે તૈયાર કરેલા આયોજનને અમલમાં મૂકો. આમાં અગત્યનું એ છે કે જે પદ્ધતિએ અમલ કરવાનું નક્કી કરો તેને વળગી રહો.
 
સમયાંતરે આયોજનને ચકાસતા રહો –
 
નાણાંકીય આયોજન એક વખત નક્કી કરી લેવાની ક્રિયા નથી. તેને જ્યારે અમલમાં મૂકો છો ત્યારે સમયાંતરે તમે નક્કી કરેલા માર્ગ પર જ જઈ રહ્યા છો કે કેમ તે ચકાસતા રહેવું પડે.
 
ઓછામાં ઓછી ત્રિમાસિક ચકાસણી કરવી જોઈએ. કોઈ આકસ્મિક પ્રસંગો ફરી અયોજન કરવાનું પણ થાય. આમ નાણાંકીય આયોજન એ એક વખતની પ્રક્રિયા નથી. કોઈવાર જરૂર જણાય ત્યારે કોઈ નિષ્ણાતની પણ મદદ લો.
-
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

Show comments