rashifal-2026

જાણવા જેવી છે આદિવાસીઓ માટે હોળી અને તેમના ચિત્ર વિચિત્ર રિવાજો

આદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા'

Webdunia
P.R
હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો મહાત્મ્ય ધરાવતો તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ થઈ જાય છે. પેટિયું રડવા બહારગામ જતા આદિવાસીઓ આ સમયે અચૂક વતન આવી પહોંચે છે. દૂર નોકરી કરતા લોકો પણ આ દિવસે જરૂરથી વતને આવતા હોય છે. ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ તારપું, પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે તો એવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા ન હોય. દક્ષિણ ગુજરાતને ગામડે-ગામડે હોળી પ્રગટાવાય છે. હોળીબાઈના ગીતો ગવાય છે. ગીતો દ્વારા દેવીઓને આ પ્રસંગે ઉપસ્થત રહેવા વિનવવામાં આવે છે. આ પ્રસંગે સ્ત્રી-પુરૂષો એકમેકની કમરમાં હાથ ઝાલી કુંડાળામાં ફરતાં-ફરતાં ગીતા ગાય અને મસ્તીમાં નૃત્ય કરે છે. આ તહેવાર ફાગણ વદ પાંચમ સુધી ચાલે છે. હોળીના દિવસો દરમ્યાન ખજૂરનો મહિમા વધી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા હાટ-બજારોમાં ખજૂરનું ખૂબ વેચાણ થાય છે.

રંગોનો તહેવાર હોળી દક્ષિણ ગુજરાતના ધરમપુર, કપરાડા, આહવા-ડાંગ, ચીખલી તથા વલસાડ તાલુકાઓમાં કુંકણાં, વારલી, ધોડિયા, નાયકા વગેરે આદિવાસીઓ દ્વારા અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. એ જોઈ તો એમજ લાગે કે આ આદિવાસીઓ સાચા અર્થમાં હોળીના તહેવારને મનાવી પોતાની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ધરમપુર-કપરાડામાં તો હોળીના તહેવારની તૈયારી એક સપ્તાહ પહેલાંથી જ થવા માંડતી હોય છે. એ માટે ભવાનીમાતા, રણચંડી, અંબેમા, દસમાથાનો રાવણ વગેરે જેવા ધાર્મિક પાત્રોના લાકડામાંથી કોતરેલા ચહેરા-મ્હોરાંની વિધિવત પૂજા કરી, આ ચહેરા-મ્હોરા પહેરી હોળીની અનેરી ઉજવણી કરવામાં આવે છે. આ દરમ્યાન ઢોલ-નગારાં, તૂર-થાળી, તારપું, કાંહળી, પાવી, માદળ અને ત્રાસાના નાદ સાથે નૃત્ય કરતા-કરતા એક ગામથી બીજા ગામે ઘૂમવામાં આવે છે તથા અબીલ-ગુલાલની છોળો વચ્ચે થાળી લઈ ફાળો ઉઘરાવવામાં આવે છે જેને હોળીનો ફગવો કહેવામાં આવે છે. જે હવે હોળીના દિવસો દરમ્યાન હાટ-બજારોમાં જ જોવા મળે છે. કેટલીક આદિવાસી તમાશા પાર્ટીઓ ગામેગામ ફરી બોલીઓમાં ભવાનીમાતા, લાકડાંનો ઘોડો, સ્ત્રીની (પાતર) વેશભૂષા દ્વારા લોકોને મનોરંજન પુરૂં પાડે છે.

હોળીનો તહેવાર આહવા-ડાંગમાં શિમગા ના નામે ઓળખાય છે. ચૌધરી જાતિના લોકો દ્વારા ગવાતાં હોળી ગીતો હોળીના લોલા તરીકે ઓશખાય છે. અતિ લાગણીશીલ એવી આદિવાસી પ્રજાની લાગણી-ઉર્મિઓને હોળીના તહેવાર દરમ્યાન મહાલવી-નિહાળવી એ ખરેખર એક લ્હાવો છે.

ધરમપુરના આદિવાસીઓ હોળી માતાને પહેલાં શણગારે છે. એનો શણગાર લાકડાં, લાંબા વાંસના ઝાંખરાં, ખાખરા (પલાશ) ના ફૂલો તથા શિંગો, સૂપડું, માલપૂડા, છાણાં, નારિયેળ તથા ફૂલોથી કરવામાં આવે છે. વાંસની ટોચ પર વાટી અને હાડ્ડા (સાકર), ખજૂર વગેરે લટકાવવામાં આવે. આ બધી સામગ્રી પૂરતા પ્રમાણમાં રાખવામાં આવે છે જેનાં કારણે મધ્યમાં રાખવામાં આવેલ વાંસ ઝૂકી પડે છે. ત્યારે સ્ત્રીઓ ગાય છે-

ડોંગરી કનગુલી કનગુલી

કાઠી પીવળી વ ડોંગરી કનગુલી

કાસે ચે ભારયે બારયે

હોળી દમેલી વ કાસે ચે ભારયે ભારયે

ફુલા ચે ભારયે બારયે

હોળી દમેલી વ ફુલા ચે ભારયે ભારયે

ડોંગરી કનગુલી કનગુલી

કાઠી પીવળી વ ડોંગરી કનગુલી

કાસે ચે ભારયે બારયે

હોળી દમેલી વ કાસે ચે ભારયે ભારયે

પાપડી ચે ભારયે ભારયે

હોળી દમેલી વ પાપડી ચે ભારયે ભારયે

ડોંગરી કનગુલી કનગુલી

કાઠી પીવળી વ ડોંગરી કનગુલી

કાસે ચે ભારયે બારયે

હોળી દમેલી વ કાસે ચે ભારયે ભારયે

નારેળ ચે ભારેય ભારેય

હોળી દમેલી વ નારેળ ચે ભારેય ભારેય...


હોળી માતાને બરાબર શણગાર્યા પછી પંચાંગમાં જણાવેલ સમયે ગામના ભગત તથા વૃદ્ધોની હાજરીમાં પ્રગટાવવામાં આવે છે. ત્યાં એને નારિયેળનું નૈવેદ્ધ ધરાવવામાં આવે છે. પ્રગટેલ હોળી માતાને ફરતે નાચતાં-ગાતાં પાંચ ફેરા ફરવામાં આવે છે. ફેરા લગાવતી વખતે એને પૈસા તથા અક્ષત અર્પિત કરવામાં આવે છે. જેમણે માનતા-બાધા માની હોય કે તને ચઢાવવા વગર અમે મરવાં (કાચી નાની કેરી), કરમદાં વગેરે ખાઈશું નહીં, તે બધા આ વસ્તુઓ હોળી માતાને અર્પિત કરી, પગે લાગી પ્રણામ કરે. હોળીના તહેવાર માટે મુખ્ય લાકડું ખજૂરીનું તુંબું હોય છે. હોલિકા દહન બાદ સળગેલા તુંબાંના કાજળથી સૌ તિલક કરે.

હોળીને પ્રગટાવ્યા બાદ જો હોળી પૂર્વ દિશા તરફ ઝૂકી પડે તો તેને શુભ માનવામાં આવે. એવી માન્યાતા છે કે જો હોળી પૂર્વમાં પડે તો તે વરસ સારું જાય, એ વરસે વરસાદ સારો થાય, પાકમાં રોગ ન આવે. વાંસની ટોચે લટકાવેલ સામગ્રી મેળવવા માટે જુવાનિયાઓમાં સ્પર્ધા જામે. કેમકે જે જુવાનિયા એ સામગ્રીને મેળવે તેમના માટે માન્યતા છે કે તેમના લગ્ન એ વરસે થશે.

હોળીને પ્રગટાવવામાં આવે છે ત્યાં તુંબાંને ઊભાં રાખવા માટે એક ખાડો ખોદવામાં આવે. જેમાં પૂજા-અર્ચના કર્યા બાદ હોળીના મુહુર્ત રૂપે એક તુંબુંને ઊભું રાખવામાં આવે તથા તેને ટેકવીને બીજાં તુંબાં અથવા લાકડાં ગોઠવવામાં આવે. પૂજા દરમ્યાન ખાડામાં નારિયેળ નાંખવામાં આવે જેને હોલિકા દહન બાદ કાઢી લેવામાં આવે. જેનો ઉપયોગ મૂત્રરોગમાં દવા તરીકે થાય છે. જેમણે માનતા રાખી હોય, ઉપવાસ કર્યો હોય તેઓ હોલિકા દહન બાદ જ પારણું કરે. આમ હોળી પર્વ ખૂબ જ ઉમંગ-ઉત્સાહ તથા નાચ-ગાન સાથે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ હોળીને મોટી હોળી તથા આનાં પહેલાં મનાવવામાં આવતી હોળીને નાની અથવા કૂકડ હોળી કહેવામાં આવે છે.

હોળી પ્રગટાવ્યા બાદ ગામના છોકરા-છોકરીઓ દરેક ઘરે જઈ ચોખા અને નાગલીનો લોટ માંગી લાવી, હોળીના થાનકે રોટલા બનાવી હળીમળીને આનંદથી ખાય. સ્ત્રીઓ મોડે સુધી ગીતો ગાતી રહે-

હોળી માતાવ સાંગા, તુમી ફૂલડા માંગી લેવ,

હોળી માતા વ કાશેચી જરૂર આહે વ...

હોળી માતાવ નારેલ ચી જરૂર આહે વ...

હોળી માતાવ સાંગા, તુમી નારેલ માંગી લેવ,

હોળી માતાવ સાંગા, તુમી સેંદુર માંગી લેવ,

હોળી માતાવ સાંગા, તુમી અગરબત્તી માંગી લેવ,

હોળી માતાવ સાંગા, તુમી કોંમડા માંગી લેવ,

હોળી માતાવ સાંગા, તુમી ફૂલડા માંગી લેવ,

( હોળી માતાને કહી દો. તમે ફૂલ લઈ આવો. હોળી માતાને શેની જરૂર છે? હોળી માતાને નારિયેળની જરૂર છે. હોળી માતાને કહી દો. તું નારિયેળ મંગાવી દે. હોળી માતાને સિંદુર, અગરબત્તી તથા કૂકડાની જરૂર છે.)

નાનાં બાળકો રમતાં રહે. તો વળી જુવાનિયાઓ ઢોલ-નગારાં, તૂર-થાળી, તારપું, કાંહળી, પાની, માંદળ અને મંજીરાના તાલે ઉલ્લાસ-ઉમંગથી, મુક્તપણે નાચતા-ગાતા રહે. જુવાનિયાઓ આ દરમ્યાન આનંદ-મસ્તીમાં જીવન-સાથીની પસંદગી પણ કરી નાંખે તો વળી કેટલાક ચોરી-છૂપીથી શારીરિક સંબંધ પણ બાંધી દે જેને ત્યારબાદ લગ્ન દ્વારા સ્થાયી રૂપ આપવામાં આવે.

ફાગણ પૂર્ણિમાથી શરૂ થતો આ ઉત્સવ હોળી પાંચમ એટલે કે ફાગણ વદ (રંગ) પંચમી સુધી મનાવવામાં આવે છે. હોળીના બીજા દિવસે તો રસ્તા સુના હોય કારણ કે રસ્તા પર દરેક જગ્યાએ નાનાં બાળકોથી લઈ વૃદ્ધો સુધીની ઉંમરના લોકો ફગવો માંગવા ઊભા હોય. જે ફગવો આપે તેને રંગ્યા વગર જવા દે અને જે ન આપે તેના પર રંગોનો વરસાદ વરસાવવામાં આવે. હોળી પાંચમ બાદ જ લોકો પોતાના કામ-ધંધે જાય. અને આ તિથિ બાદ આદિવાસીઓની લગ્નની મોસમ શરૂ થાય.
વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Show comments