rashifal-2026

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Webdunia
શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 (15:18 IST)
Swaminarayan Bhagwan
ગુજરાતની ધાર્મિક અને સામાજિક ધરોહરમાં સ્વામિનારાયણ ભગવાન એક એવું નામ છે, જે આજે પણ કરોડો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. ભક્તિ, શિસ્ત અને સેવા — આ ત્રણ સ્તંભો પર આધારિત તેમની વિચારધારા સમયની સીમાઓ પાર કરીને આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
 
સ્વામિનારાયણ ભગવાનનું મૂળ નામ સહજાનંદ સ્વામી હતું. તેમનો જન્મ ઈ.સ. 1781માં ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો. બાળપણમાં તેઓ ઘનશ્યામ પાંડે તરીકે ઓળખાતા. નાની ઉંમરે જ આધ્યાત્મિક જિજ્ઞાસા અને વૈરાગ્ય ભાવના ધરાવતા ઘનશ્યામે ઘર ત્યાગ કર્યો અને ભારતભરમાં પગપાળા પ્રવાસ શરૂ કર્યો. આ યાત્રા દરમિયાન તેઓ નીલકંઠ વર્ણી તરીકે જાણીતા બન્યા.

ગુજરાતમાં માંગરોળ પાસે પીપલાણા ગામે પ્રસિદ્ધ સંત સ્વામી રામાનંદજી સાથે તેમનું મિલન થયું અને રામાનંદજી પાસે દીક્ષા લઈને તેઓ ‘સ્વામી સહજાનંદજી’ બન્યા. 21 વર્ષની ઉંમરે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી સ્વામી સહજાનંદજીએ યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. ધર્મધુરા લેતી વખતે તેમણે કરેલી પ્રાર્થના વિશ્વ ઇતિહાસમાં કરુણાની અજોડ ગાથા સમી છે. એ પ્રાર્થના આ પ્રમાણે છે : ‘હરિભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને રૂંવાડે રૂંવાડે ભલે થાઓ પણ ભક્તને એ ન થાઓ; અને હરિભક્તના પ્રારબ્ધમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો, પણ હરિભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.’
 
તેમણે વૈદિક તત્વજ્ઞાનના સારરૂપે ‘સ્વામિનારાયણ’ મહામંત્ર આપ્યો, એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે લાખોના મનમંદિરમાં બિરાજી રહ્યા. તેમના સંમોહક દિવ્ય વ્યક્તિત્વથી તમામ ક્ષેત્રના મૂર્ધન્ય લોકો આકર્ષાયા અને તેમના અનુયાયી બન્યા. તેમની હયાતીમાં જ લાખોએ તેમની પરબ્રહ્મના સ્વરૂપે ઉપાસના કરી. તેમના વ્યક્તિત્વથી આકર્ષાઈને ત્રણ હજાર મુમુક્ષુઓએ સાધુદીક્ષા લીધી અને તેમના સમાજોદ્ધારના કાર્યમાં જીવન સમર્પણ કર્યું. ઇતિહાસની એ એક અજોડ ઘટના છે. એ મુમુક્ષુઓ પૈકી પાંચસો પરમહંસો ઇતિહાસપ્રસિદ્ધ છે. અનેક લોકોને યોગસાધના વિના સમાધિ કરાવીને તેમણે પોતાના વિલક્ષણ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું હતું. તેમણે દલિતો, ગરીબો, પછાતો તરફ પૂર્ણ લક્ષ આપીને તેમનું જીવનપરિવર્તન કર્યું અને માનવમાત્રની આધ્યાત્મિક સમાનતા પ્રવર્તાવી. પ્રેમ અને અહિંસાનાં શસ્ત્રોથી સમાજને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરેમાંથી મુક્ત કર્યા. હિંસામય યજ્ઞો બંધ કરાવી તેમણે અહિંસા ઉપદેશી. બાળહત્યા, દીકરીને દૂધ પીતી કરવી, સતી થવું વગેરે કુરિવાજો બંધ કરાવ્યા. ચોર, લૂંટારા, કાઠી, કોળી વગેરેનાં જીવનપરિવર્તન કરી તેમને ભક્તો બનાવ્યા. લગ્ન અને હોળીમાં ગવાતાં બીભત્સ પદો બંધ કરાવી ભક્તિપ્રચુર પદો ગાવાનાં શરૂ કરાવ્યાં. વહેમોનું ખંડન કર્યું. સ્ત્રીઓની નિરક્ષરતા દૂર કરી, સ્ત્રી-ઉપદેશકો ઊભાં કર્યાં. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એ પાંચ તત્વોનું વિશિષ્ટ (તત્વ)જ્ઞાન આપ્યું. તેમણે સાકાર ભગવાનની ઉપાસના ચીંધી. કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે : ‘‘હજારો મનુષ્યોનાં જીવનમાં આસમાન–જમીનનો ફરક કરી નાખવામાં, તેમનામાં નવું ચૈતન્ય રેડવામાં, તેમનું જીવન વિચારમય કરવામાં, તેમને બદીઓ અને વ્યસનોમાંથી છોડાવવામાં બુદ્ધ સિવાય કોઈ પણ ધર્મના સ્થાપકે કે સમાજસુધારકે કે કાયદા ઘડનારે અત્યાર સુધી આટલો યશ મેળવ્યો નથી. બુદ્ધ અને મહમદ સિવાય કોઈ પણ અવતારને એ અવતારની હયાતીમાં જ આટલા મનુષ્યોએ સ્વીકાર્યા ન હતા. અવતારના લીન થયા પછી જ મનુષ્યોએ તેમનું અવતારપણું કબૂલ કર્યું હોય એવું સાધારણત: દેખાય છે; પણ સહજાનંદ સ્વામીને હજારો મનુષ્યોએ એમના છતાં જ અવતાર તરીકે સ્વીકાર્યા, એમના પડતા બોલ ઉપર પોતાનાં તન, મન અને ધન અર્પણ કરી નાખ્યાં, એમના હાથમાં પોતાનાં નાડીપ્રાણ સોંપી દીધાં.
 
ગુજરાતમાં આગમન બાદ સહજાનંદ સ્વામીએ સમાજમાં વ્યાપેલા વ્યસન, અંધશ્રદ્ધા અને અનૈતિકતાની સામે સ્પષ્ટ અને દ્રઢ અવાજ ઉઠાવ્યો. તેમણે લોકોમાં સદાચાર, સંયમ અને ભગવાનભક્તિનો માર્ગ દર્શાવ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
 
તેમના ઉપદેશોનો આધાર ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રી છે. “હું શરીર નથી, આત્મા છું” — આ વિચાર દ્વારા તેમણે માનવને આત્મજ્ઞાન તરફ દોર્યો. તેઓ કહેતા કે સુખ-દુખ, માન-અપમાન શરીર અને મનને લાગતા હોય છે, આત્માને નહીં. આ સમજ જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે.
 
સ્વામિનારાયણ ભગવાન માત્ર આધ્યાત્મિક ગુરુ નહોતા, પરંતુ મહાન સમાજસુધારક પણ હતા. તેમણે સ્ત્રીઓના સન્માન પર વિશેષ ભાર મૂક્યો, નશા અને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી અને ગરીબ-પીડિતોની સેવા ને ભગવાનસેવા સમાન ગણાવી. ગૃહસ્થ જીવનમાં રહીને પણ ધર્મ અને ભક્તિ શક્ય છે — તે તેમણે જીવનથી સાબિત કર્યું.

ગુજરાત ગરવી અને ગુણવંતી થઈ એમાં સ્વામી શ્રી સહજાનંદનો બહુમૂલ્ય ફાળો છે - ચંદ્રવદન મહેતા
 
કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સહજાનંદ સ્વામીએ સૌ કોઈને આવકાર્યા અને મોક્ષપ્રાપ્તિના અધિકારી કર્યા. છ શિખરબદ્ધ મંદિરો, વચનામૃત તથા શિક્ષાપત્રી જેવા અદ્વિતીય ધર્મગ્રંથો અને લાખો સંતોહરિભક્તોના સમાજની પૃથ્વી પર ભેટ ધરીને તેમણે 49 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો; પરંતુ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા સદૈવ પ્રગટ રહેવાનું અભયવચન આપીને તેમણે ગુણાતીત ગુરુપરંપરા દ્વારા સદ્ધર્મ-પ્રવર્તનનું કાર્ય અખંડિત રાખ્યું. આ ગુણાતીત પરંપરામાં આજે મહંતસ્વામી મહારાજ તેમના આદર્શોને વિશ્વસ્તરે પ્રસરાવી રહ્યા છે.
 
અમદાવાદ (કાલુપુર), વડતાલ, ભુજ, જુનાગઢ અને ગઢડા જેવા મંદિરો તેમની પરંપરાના જીવંત સાક્ષી છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય BAPS, વડતાલ અને કાલુપુર જેવી શાખાઓ દ્વારા ભારત સહિત વિશ્વભરમાં માનવસેવા અને આધ્યાત્મિક કાર્ય કરી રહ્યો છે.
 
સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ સ્પષ્ટ છે —
શુદ્ધ જીવન, અડગ ભક્તિ અને માનવમાત્ર પ્રત્યે કરુણા.
આ કારણે જ તેઓ આજે પણ કરોડો હૃદયોમાં શ્રદ્ધા અને વિશ્વાસના કેન્દ્ર તરીકે જીવંત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

U19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ માટે BCCI એ ખોલ્યો ખજાનો, કરોડો રૂપિયાના ઈનામની કરી જાહેરાત

VIDEO: બેટિંગ દરમિયાન ક્રિકેટ ખેલાડીનુ હાર્ટ અટેકથી મોત, મેચ ચાલી રહ્યુ હતુ લાઈવ ટેલિકાસ્ટ

'પાપા પ્રણામ' U19 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીનુ ઈમોશનલ રિએક્શન થયુ વાયરલ

જયરાજ આહીર ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા આપવામાં આવ્યા જામીન, સાંજ સુધી જેલ બહાર આવશે

BJP ની રીતૂ તાવડે બનશે મુંબઈની નવી મેયર, શિવસેના શિંદે જૂથના સંજય ઘાડી બનશે ડેપ્ટી મેયર

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

આગળનો લેખ
Show comments