બાંગ્લાદેશના પાટનગર ઢાકા સહિત દેશના ઘણા વિસ્તારોમાં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે અને 450 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપની તીવ્રતા 5.7 હતી.
ભૂકંપનું કેન્દ્ર ઢાકાથી લગભગ 30 કિમી દૂર નરસિંગડી જિલ્લામાં સ્થિત હતું.
બીબીસી બાંગ્લા પ્રમાણે ઢાકામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. પાંચ લોકોનાં મોત નરસિંગડીમાં થયાં અને નારાયણગંજ ખાતે એકનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ડિપાર્ટમેન્ટના નિતાઈચંદ્ર ડે સરકારે જણાવ્યું કે ભૂકંપના કારણે 450 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિક નરસિંગડીમાં ભૂકંપથી 100 કરતાં વધુ ઇમારતોમાં તિરાડ પડી ગઈ છે. જ્યારે ઢાકામાં 14 ઇમારતોને નુકસાન થયું છે.