ઇક્વાડોરના દક્ષિણ કિનારે 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે.
યુએસજીએસ અનુસાર, ઇક્વાડોરના મોટાભાગના પ્રાંતોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે દેશના અનેક શહેરોમાં ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીંનો એલ ઓરુ વિસ્તાર ભૂકંપના કારણે સૌથી વધુ પ્રભાવિત છે, અહીં 11 લોકોનાં મોત થયા છે. તે જ સમયે આઝુએ પ્રાંતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ઉત્તર પેરુમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. અહીં તુમ્બેસ પ્રાંતમાં એક મકાન ધરાશાયી થવાને કારણે એક મહિલાનું મોત થયું છે.
ઇક્વાડોરની ઈમરજન્સી સેવાઓએ કહ્યું હતું કે, અહીં મકાનો ધરાશાયી થવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે, તેમને બચાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગુઆકિલથી લગભગ 80 કિલોમિટર દૂર બાલાઓમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીચ વસતીવાળા ગુઆકિલની વસતી લગભગ 30 લાખ છે.
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ લોકોને કહ્યું છે કે, બચાવકર્મીઓ બચાવ અભિયાનમાં લાગેલા છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે.
રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી છે કે, કેટલાક ઇજાગ્રસ્તોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. જોકે કાર્યાલયે ઇજાગ્રસ્તો સાથે જોડાયેલા કોઈ આંકડા જાહેર કર્યા નથી અને તેમના વિશે અન્ય માહિતી પણ આપી નથી.