Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય સ્ત્રીઓમાં ડાયાબિટીસનું જોખમ વધારે

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2013 (11:22 IST)
P.R
ગુજરાતમાં દર પાંચ ગર્ભવતી મહિલાઓમાંથી એકને GDM હોવાનું જણાયું

તો, ઉપાય શો છે?, આટલી બધી ખાંડ ખાવાનું બંધ કરો

ભારતમાં સ્ત્રીઓને ડાયાબિટીસ હોય તો પણ કુટુંબમાં એમની ભૂમિકા ‘સૌને સાચવનારી’ની જ રહે છે અને એ પોતાના કરતાં કુટુંબના બીજા સભ્યોના આરોગ્ય માટે વધારે કાળજી લેતી હોય છે.

પરંતુ આ બીમારી પોતે કંઈં સ્ત્રી છે કે પુરુષ, એવો ભેદભાવ રાખતી નથી. પરંતુ ડાયાબિટીસના દરદીઓની સંભાળ લેવાની વાત આવે છે ત્યારે ભારતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પ્રત્યે ઓરમાયું વર્તન થતું હોય છે.

કેરળના વરકળામાં ટાઇપ-2 ડાયાબિટીસની સંભાળ લેવામાં લિંગભેદની અસર વિશે એક મોજણી કરાઈ તેનું આ તારણ છે. એમાં કુટુંબમાં સ્ત્રી-પુરુષોની ભૂમિકા, પ્રથાઓ અને મૂલ્યોનું પૃથક્કરણ કરતાં જોવા મળ્યું કે ડાયાબિટીસથી પિડાતી સ્ત્રીઓની જરૂરિયાત છેલ્લા નંબરે આવે છે. તિરુઅનંતપુરમના ‘અચ્યુત મેનન સેન્ટર ફૉર હેલ્થ સાયન્સ સ્ટડીઝ ( AMCHSS) નાં ડૉ. મિની પી. માનીના એક અભ્યાસપત્રમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓ ડાયાબિટીસની સંભાળ લેવાના બધા તબક્કે અવગણનાનો ભોગ બને છે. એમને ડાયાબિટીસ થઈ જાય તો પણ ઘરમાં ‘સૌને સાચવવાની’ જવાબદારીમાંથી એ મુક્ત થઈ શકતી નથી અને બીજાંની આરોગ્ય સંબંધી જરૂરિયાતો પર એણે પહેલાં ધ્યાન આપવું પડે છે.

સ્ત્રીઓને પુરુષોની જેમ સહેલાઈથી નિદાન અને સારસંભાળની સુવિધા પણ નથી મળતી એટલે નિદાન પણ વેળાસર થતું નથી. કેરળમાં કોચ્ચિની નજીકના ગામ મુનમ્બામની એક શાળાની શિક્ષિકા રોઝી રફીને ૨૬ વર્ષથી ડાયાબિટીસ છે. એમનું કહેવું છે કે “મને ખબર પણ નહોતી કે મને આ બીમારી છે.બસ, કુટુંબની જવાબદારીમાં જ ધ્યાન હતું. મેં કાળજી પણ ન લીધી એટલે મારી બીમારી વણસી ગઈ.”

સ્ત્રીઓ અને ગાયનેકોલૉજિસ્ટો માટે ખાસ ચિંતા તો ‘જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ/ gestational diabetes mellitus (GDM) ની છે, જે ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને લાગુ પડે છે. આનો પ્રકોપ છેલ્લાં ૧૦ વર્ષમાં વધી ગયો છે. પહેલાં ગર્ભવતીઓ કામ કરતી, હવે જીવન શૈલી બદલાઈ ગઈ છે. હવે શરીરને તો કશી તકલીફ પડતી જ નથી. આની અસર શરીર પર જ થાય છે. સ્થૂળતા પણ જેસ્ટેશનલ ડાયાબિટીસનું કારણ છે.

ડાયાબિટીસ કેર ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દર પાંચ ગર્ભવતી મહિલાઓમાંથી એકને GDM હોવાનું જણાયું છે. . સ્ટડી કહે છે કે “ડાયાબિટીસને ટાળવા માટે જીવન શૈલી બદલાવવા કે દવા દ્વારા ઉપાય કરવા માટે આ ગ્રુપ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આથી, ડાયાબિટીસને રોકવાના ઉપાયોને સ્ત્રીની ગર્ભાવસ્થામાં અને બાળકના જન્મ પછીના ગાળામાં પ્રાધાન્ય આપવું એ જાહેર આરોગ્ય ક્ષેત્રનું સૌ પહેલું કાર્ય બની રહેવું જોઈએ.”

મેડિકલ ક્ષેત્રના સંશોધકો માને છે કે ડાયાબિટીસની બીમારી પહેલાં શ્રીમંતોની બીમારી મનાતી, પણ હવે એ બધા વર્ગોમાં ફેલાવા લાગી છે. ભારતની એક અબજ વીસ કરોડની વસ્તીમાં લગભગ સાત કરોડ લોકોને ડાયાબિટીસ છે અને એમાંથી અડધોઅડધ સ્ત્રીઓ છે. ૨૦૩૦ સુધીમાં આ આંકડો વધીને દસ કરોડથી પણ ઉપર જશે એવો અંદાજ છે. દુનિયાના ૧૬૦ દેશોનાં ડાયાબિટીસ સંગઠનોના મહામંડળ બ્રસેલ્સ સ્થિત ઇંટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ડાયાબિટીસ વિશે જાગરુકતાનો અભાવ હોવાથી લગભગ ૬૦ ટકા જેટલા સંભવિત ડાયાબિટીસવાળા લોકોની તો ચકાસણી પણ નથી થઈ. રિપોર્ટ કહે છે કે લગભગ ૬૩ ટકા લોકોને આ બીમારી વણસે તો શું થાય તેની પણ ખબર નહોતી.

ડાયાબિટીસના ઇલાજ માટે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા બની છે, પણ દરેક દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓ બનાવવાની તાતી જરૂર છે અને ગ્લૂકોઝની માત્રાની ચકાસણી તેમ જ હૉસ્પિટલોમાં ઇંસ્યુલિનનો ઉપયોગ વધે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તે ઉપરાંત માર્ગદર્શિકા ઘડતી વખતે દરદી અને એના દેશનો સામાજિક-આર્થિક દરજ્જો પણ ધ્યાનમાં લેવો પડશે. ઓછી આવકવાળા દરદીઓને વધારે સહન કરવું પડે છે, કારણ કે ઉપચાર માટે નિયમિત વર્ષો સુધી ખર્ચ કરવાની એમની ત્રેવડ નથી હોતી.

નિષ્ણાતો કહે છે કે આપણી આહારની પસંદગી અને તે સાથે બેઠાડુ જીવન, સ્થૂળતાનું વલણ અને જેનેટિક લક્ષણોને કારણે ભારતીયોને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. તિરુઅનંતપુરમના ઇંડિયન ઇંસ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસનાં ડાયરેક્ટર ડૉ. મીનુ હરિહરન કહે છે કે “યુરોપિયનો કરતાં, ભારતીયોના જીન્સમાં જ કઈંક એવું છે કે એમને ડાયાબિટીસ થાય. જેમને આ બીમારીની શક્યતા વારસામાં મળી હોય એવા લોકો વજન પર કાબૂ ન રાખે અને શારીરિક રીતે બહુ ઓછા સક્રિય રહે તો એમને ડાયાબિટીસ થવાનો સંભવ વધારે હોય છે.” આપણા ભોજનમાં હવે સ્ટાર્ચવાળા પદાર્થો વધવા લાગ્યા છે અને ડબાબંધ આહારોનો વપરાશ પણ વધ્યો છે, જેમાં પ્રિઝર્વેટિવોનો બહોળો ઉપયોગ થાય છે. ડાયાબિટીસ ઝડપથી ફેલાવાનાં આ મુખ્ય કારણો છે.

આરોગ્ય મંત્રાલયે કૅન્સર, ડાયાબિટીસ, હૃદય સંબંધી રોગો અને સ્ટ્રોક રોકવા અને એમને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે લોહીના નમૂના લીધા તેમાં જણાયું કે કર્ણાટક, તમિળનાડુ,આંધ્ર પ્રદેશ અને કેરળ, આ ચાર દક્ષિણી રાજ્યોમાં બીજાં રાજ્યો કરતાં ડાયાબિટીસના ઘણા કેસો જોવા મળે છે. તમિળનાડુમાં ૧૧.૮ ટકા, કર્ણાટકમાં ૧૦.૨ ટકા, કેરળમાં ૮.૮ ટકા અને આંધ્ર પ્રદેશમાં ૮.૭ ટકા વસ્તીને ડાયાબિટીસ હોવાનું જણાયું. બીજી બાજુ મધ્ય પ્રદેશમાં માત્ર ૩ ટકા લોકોને આ બીમારી છે, જે દેશમાં સૌથી નીચો આંક છે.

ચોંકાવનારી વાત તો એ છે કે જેમ જેમ શહેરીકરણ થતું જાય છે તેમ તેમ ગ્રામ વિસ્તારોમાં પણ ડાયાબિટીસ દેખાવા લાગ્યું છે. જોકે હજી પણ ગામડાં કરતાં શહેરોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે.

૧૯૭૦ના દાયકામાં એક સર્વે કરવામાં આવી તેમાં ૨.૩ ટકા શહેરી વસ્તી અને ૧.૫ ટકા ગ્રામીણ વસ્તીને ડાયાબિટીસ હોવાનું જાણવા મળ્યું હતું, પણ ૧૯૯૨માં આ આંકડો શહેરો માટે વધીને ૮.૨ ટકા સુધી અને ગ્રામીણ વિસ્તારો માટે ૨.૪ ટકા સુધી પહોંચી ગયો. તે પછી પાંચ વર્ષે ફરી સર્વે કરતાં શહેરી વિસ્તારોમાં આંકડો વધીને ૧૧.૬ ટકા થઈ ગયો હોવાનું જાણવા મળ્યું. પરંતુ પશ્ચિમના દેશોની તુલનામાં ભારતમાં બાળકોમાં ઇંસ્યુલિનની ઉણપને કારણે થતું ડાયાબિટીસ (ટાઇપ-1) ખાસ જોવા નથી મળતું. સ્તનપાન બાળકોને ડાયાબિટીસથી બચાવવાનો અકસીર ઇલાજ છે.

તો, ઉપાય શો છે? આટલી બધી ખાંડ ખાવાનું બંધ કરો. ખાંડ ઓછી કરતાં જ, ઘણીખરી ખરાબ અસરો પણ અદૃશ્ય થઈ જાય છે. મુશ્કેલી એ છે કે આજના જમાનામાં ખાંડથી બચવું બહુ જ અઘરું છે. ફૂડ નિર્માતાઓ તૈયાર આહાર બનાવે છે ત્યારે ફૅટ કાઢી લે છે પણ સ્વાદ ઉમેરવા માટે પુષ્કળ ખાંડનો ઉપયોગ કરે છે, એટલે સરવાળે બધું સરખું જ થઈ રહે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments