એક સમય હતો કે જ્યારે આ બાગ વન્સ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓ માટે ઉપયોગી પુરવાર થતો હતો અને અહીં લીલોતરી સિવાય બીજું કોઈ નજરે ચડતું નહીં. વૃક્ષો એટલા ઘટાદાર હતા કે દિવસે સૂર્ય અને રાતે ચંદ્ર જો આ બાગના સઘનકુંજમાં દૃષ્ટિપાત કરવાનો પ્રયાસ કરે તો એ એમના માટે પણ શક્ય નહોતું.
બાગમાં આવેલા ગુલમહોરના વૃક્ષો ૬૦થી ૭૦ ફીટ ઊંચા અને જો ચાર માણસો થડને બાથમાં ભરવા માગે તો ના ભરી શકાય એટલા વિશાળકાય હતા. આ બાગને શરદબાગ ઉપરાંત દારાવાડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પાછળની વાત કંઈક એવી છે કે ઔરંગઝેબના નાના ભાઈ દારાસિકોહે આ બાગમાં આશરો લીધો હતો અને તે દિવસથી આ બાગને દારાવાડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
૭૦થી ૮૦ વર્ષ પહેલાં વિવિધ લેખકો દ્વારા લખવામાં આવેલા ગં્રથમાં શરદબાગનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શરદબાગનો વર્તમાન ભલે ભવ્ય નથી, પરંતુ તેના તરફ દુર્લક્ષ થાય તેમ પણ નથી.
કચ્છના રાજવીઓનો આ પ્રિયબાગ ગણાતો અને મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા તો ગુલાબના ફૂલોના એટલા બધા પ્રેમમાં હતા કે તે જ્યારે પણ વિદેશથી કચ્છ પધારે ત્યારે પોતાની સાથે બીજું કંઈ લાવે કે ના લાવે પણ ગુલાબના છોડ ચોક્કસ લાવતા અને શરદબાગમાં જ બનાવવામાં આવેલી ‘મધર નર્સરી’માં વાવતા અને તેમાંથી કલમ તૈયાર કરતાં.
લીલાછમ શરદબાગની વચ્ચે જ આવેલો છે બે માળનો પીળો બંગલો. બે માળના આ બંગલાનો ઉપયોગ ભૂતકાળમાં રાજપરિવાર દ્વારા રાજમહેલની જેમ જ કરવામાં આવતો. આ બંગલા વિશેની એક મોસ્ટ ઈન્ટરેસ્ટિંગ બાબત તો એ છે કે આ બંગલામાં કચ્છની સૌપ્રથમ લિફ્ટ બેસાડવામાં આવી છે. તે વખતે બંગલાની રચના એ રીતે કરવામાં આવી છે કે મહેલમાં તમને સતત ઠંડક અનુભવાય. મહેલના બહારના ભાગમાં એક ઘેઘુલ આંબાનું વૃક્ષ લગાવવામાં આવ્યું છે, જ્યાં મહારાવના સમયમાં નાની-નાની પાર્ટી, કવિ સંમેલનો અને મીટિંગ ગોઠવવામાં આવતી હતી.
બંગલામાં નીચેના ભાગમાં મહારાવશ્રીનો બેઠકરૂમ આવેલો છે, જ્યાં તેમના વખતમાં શિકાર કરાયેલા વાઘ, સાબર, સિંહ, હાથી, હરણના સ્ટફ કરેલા માથા સાચવીને રાખવામાં આવ્યા છે, પરંતુ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના કચ્છ કુદરતના પ્રકોપનો ભોગ બન્યું ત્યારે આ મહેલને પણ સારું એવું નુકસાન થયું છે.
પીળા બંગલાની બાજુમાં દક્ષિણ દિશામાં ડાઈનિંગરૂમ આવેલો છે અને આ ડાઈનિંગરૂમમાં જ મહારાવશ્રી મદનસિંહજીને જે વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી હતી તે અને તેમણે પોતે શિકાર કરેલાં પ્રાણીઓના શરીરને સ્ટફ કરીને સાચવવામાં આવ્યા છે.
મહેલની દીવાલ પર ટિંગાતા પક્ષીઓના અજોડ અને બેનમુન પેઈન્ટિંગ અંગે્રજ ચિત્રકાર એ. થબર્ન દ્વારા બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ આ મહેલમાં જ તમને કચ્છના સોના-ચાંદીના ચલણી સિક્કા, ચાંદીની કલાત્મક વસ્તુઓ, ટેનિસમાં મહારાવે મેળવેલા મેડલ્સ, ચીની માટીની કલાત્મક કોઠીઓ વગેરેના ઉત્કૃષ્ટ નમૂના અહીં જોઈ શકાય છે.
ઉપરાંત તમે અહીં એક અનોખી ઘડિયાળ કે જેનું નિર્માણ કચ્છમાં જ કરવામાં આવ્યું હતું એ પણ અહીં જોઈ શકો છો. આ ઘડિયાળની ખાસિયત એ છે કે તેમાં વાર, તિથિ, ચોઘડિયા, દિવસ, સૂર્યની સ્થિતિ, ચંદ્રની સ્થિતિ દર્શાવતું મીનાકારીનું કામ પણ કરવામાં આવ્યું છે. બીજી એક ઘડિયાળ કે જે મહારાવને આફ્રિકાથી ભેટમાં આપવામાં આવી હતી અને આઠ ફૂટ લાંબા બે હાથી દાંત કે જેનું વજન આશરે ૧૫૦ પાઉન્ડ જેટલું છે તેની વચ્ચે આ ઘડિયાળ જડવામાં આવી છે.
ઉપરાંત મહેલની ડાબી બાજુએ બોટેનિકલ રોયલ નર્સરી આવેલી છે અને તેમાં વિવિધ પ્રકારના ફૂલો અને શોપીસ તરીકે રાખી શકાય તેવા પ્લાન્ટ્સ જોવા મળે છે આ ગાર્ડનમાં કોઈ સરસ મજાની બપોરના સમયે ચકલી, કાબર, રણકાગડાનો ટહુકો પણ સાંભળવા મળી જાય છે. શરદબાદ પેલેસ અને રોયલ ગાર્ડનનું સંચાલન મહારાવશ્રી મદનસિંહજી સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.