Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ, આપ અને કૉંગ્રેસના કેટલા ઉમેદવારો આરોપીઓ? કેટલા કરોડપતિ?

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (07:20 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે જેટલાં ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, તેમની વિગતો મેળવીએ તો એ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતનું રાજકારણ એટલું આદર્શ નથી જેટલા દાવા રાજકીય પક્ષો કરી રહ્યા છે.
 
પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે થનારી ચૂંટણીમાં 788 ઉમેદવારોમાંથી મતદારો પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે.
 
નોંધપાત્ર બાબત એ છે કે આ 788 ઉમેદવારોમાંથી 21 ટકા જેટલા એટલે 167 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેમાંથી 100 ઉમેદવારો સામે તો ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.
 
આ ઉપરાંત કુલ 788 ઉમેદવારોમાંથી 211 એટલે કે 27 ટકા ઉમેદવારો કરોડપતિ છે.
 
કોણે કર્યું છે આ વિશ્લેષણ
 
 
ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે સક્રિય સંગઠન ઍસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આજે રજૂ કરેલા પ્રથમ તબક્કા માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે.
 
જેમાં આ ઉમેદવારોએ ભરેલા ઉમેદવારીપત્રો સાથેના એફિડેવિટમાં રજૂ કરેલી માહિતીનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસનું તારણ એ છે કે, કોઈપણ પક્ષ જેટલી આદર્શવાદની વાતો કરે છે, તે વાતો તેમની ઉમેદવારોની પસંદગીમાં જોવા મળતી નથી.
 
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2017ની ચૂંટણી કરતાં વર્ષ 2022ની ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા અને ટકાવારી વધી છે.
 
વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઊભા રહેલાં 923માંથી 177 (15 ટકા) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા, જ્યારે વર્ષ 2022માં 788 ઉમેદવારોમાંથી 167 (21 ટકા) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.
 
 કયા પક્ષના ઉમેદવારો સામે મહિલા સામેના ગુનાઓ નોંધાયા છે?
 
ભાજપ અને કૉંગ્રેસના એક-એક ઉમેદવારો સામે મહિલાઓની મર્યાદાભંગ કરવાના અને મહિલા પર ક્રૂરતા આચરવા જેવા ગુનાઓ નોંધાયેલા છે.
 
લાઠી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જનક તલાવિયા સામે આઈપીસીની કલમો 354, 452, 323 અને 504 હેઠળ ગુનો નોંધાયો છે.
 
જ્યારે કપરાડા (એસટી) બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વસંત પટેલ સામે આઈપીસીની કલમો 498એ, 504, 186, 323 અને 114 હેઠળ ગુનો નોંધાયો છે.
 
આ ઉપરાંત અન્ય સાત અપક્ષ ઉમેદવારો સામે મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે.
 
મહિલાઓ સામેના ગુના ઉપરાંત ભાજપના કુલ 14 ઉમેદવારો, કૉંગ્રેસના 31, આપના 32 ઉમેદવારો અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 4 ઉમેદવારોએ પોતાની સામે ક્રિમિનલ ગુનાના આરોપો હેઠળ કેસ નોંધાયા હોવાની વિગતો તેમના ઉમેદવારીપત્રમાં આપી હતી.
 
સંક્ષિપ્તમાં:
 
પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે થનારી ચૂંટણીમાં 788 ઉમેદવારો મેદાનમાં છે
કુલ ઉમેદવારોમાંથી 21 ટકા જેટલા એટલે 167 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે
કુલ100 ઉમેદવારો સામે તો ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે
ભાજપ અને કૉંગ્રેસના એક-એક ઉમેદવારો સામે મહિલાઓની મર્યાદાભંગ કરવાના અને મહિલા પર ક્રૂરતા આચરવા જેવા ગુનાઓ નોંધાયેલા છે.
ભાજપના કુલ 14 ઉમેદવારો, કૉંગ્રેસના 31, અને આપના 32 ઉમેદવારો તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 4 ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે
788 ઉમેદવારોમાંથી 211 એટલે કે 27 ટકા ઉમેદવારો કરોડપતિ છે
તમામ ઉમેદવારો અને તેમણે જાહેર કરેલી સંપત્તિની સરેરાશ જોઈએ તો પ્રત્યેક ઉમેદવાર પાસે સરેરાશ રૂ.2.88 કરોડની સંપત્તિ છે
ભાજપના કુલ ઉમેદવારો પાસે સરેરાશ 13.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે
કૉંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.38 કરોડ છે
આપના 88 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.99 કરોડ રૂપિયા છે
 
સુપ્રીમ કોર્ટના નિર્દેશોની રાજકીય પક્ષો પર કોઈ જ અસર નથી
 
 
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું છે કે, રાજકીય પક્ષોએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી તેના કારણો આપવા પડશે, જેમાં તેઓ માત્ર જીતવાની શક્યતા ધરાવે છે એવું કારણ ન આપી શકે.
 
આ નિર્દેશની સામે રાજકીય પક્ષોએ ગુનાઇત ઉમેદવારોને કેમ ટિકિટ આપી તેના જવાબમાં પાયાવગરના કારણો આપ્યા છે. જેમાં પક્ષોએ કહ્યું છે, “સારું કામ કર્યું છે”, “કેસિસ રાજકીય અદાવતથી કરવામાં આવ્યા છે”, અથવા “ગંભીર ગુનાઓ નથી” જેવા કારણો રજૂ કર્યા છે.
 
જોકે, સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ ન આપી તેનો ખુલાસો રાજકીય પક્ષો નથી કરી શક્યા. એડીઆરના રિપોર્ટમાં જણાવ્યું છે, “રાજકીય પક્ષોને રાજકારણમાં સ્વચ્છ છબીવાળા ઉમેદવારો આવે તે પ્રકારના સુધારામાં રસ નથી. એ આ આંકડાઓ દર્શાવે છે. જે કાયદાનો ભંગ કરનારા કાયદાઓ બનાવવાની સત્તા મેળવે છે, ત્યારે લોકશાહીનું અવમૂલ્યન થતું જ રહેશે.”
 
 
રાજકીય પક્ષોની પહેલી પસંદ કરોડપતિ ઉમેદવારો
 
 
એડીઆરનો અહેવાલ દર્શાવે છે કે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કરોડપતિ ઉમેદવારો વધુ પસંદ છે. ભાજપે ચૂંટણીમાં ઊભા રાખેલા કુલ 89 ઉમેદવારોમાંથી 79 (એટલે કે 89 ટકા) ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે કૉંગ્રેસના કુલ 89 ઉમેદવારોમાંથી 65 (એટલે કે 73 ટકા) ઉમેદવારો અને આપના 88 ઉમેદવારોમાંથી 33 (એટલે કે 38 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.
 
ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઊભા રહેલા 788 ઉમેદવારોમાંથી 211 ઉમેદવારો (27 ટકા) કરોડપતિ છે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી લડનારાં 923 ઉમેદવારોમાંથી 198 ઉમેદવારો (21 ટકા) કરોડપતિ હતાં.
 
ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમણે જાહેર કરેલી સંપત્તિની સરેરાશ જોઈએ તો પ્રત્યેક ઉમેદવાર પાસે સરેરાશ સંપત્તિ રૂ.2.88 કરોડ છે, જ્યારે વર્ષ 2017માં આ આંકડો 2.16 કરોડ રૂપિયાનો હતો.
 
ભાજપના કુલ ઉમેદવારો પાસે સરેરાશ 13.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.38 કરોડ છે, જ્યારે આપના 88 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.99 કરોડ રૂપિયા છે.
 
 
સૌથી વધુ સંપત્તિ જાહેર કરનારા ઉમેદવારો
 
પ્રથમ તબક્કાની ચૂંટણી લડનારા સૌથી વધુ સંપત્તિ ધરાવનારા ટોચના ત્રણ ઉમેદવારોમાંથી બે ભાજપના અને એક કૉંગ્રેસના ઉમેદવાર છે.
 
-રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળાએ કુલ 175 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ જાહેર કરી છે.
-રાજકોટ ઉત્તર બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજગુરુએ કુલ 162 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ જાહેર કરી છે
-માણાવદર બેઠક પરથી  ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ કુલ 130 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે
- આ ઉપરાંત સૌથી વધુ આવકવેરો ભરનારા ઉમેદવારોમાં ત્રણેય ઉમેદવારો ભાજપના છે.
 
જામનગર ઉત્તર બેઠકનાં ઉમેદવાર રીવાબા રવીન્દ્ર જાડેજાએ કુલ 97 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તેમણે વર્ષ 2021-22માં કુલ 18 કરોડ કરતાં વધુનો આવકવેરો ભર્યો છે, જેમાં તેમણે રૂપિયા 6 લાખ કરતાં વધુનો વ્યક્તિગત આવકવેરો ભર્યો છે.
 
દ્વારકાની બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે રૂપિયા 115 કરોડની સંપત્તિ જાહેર કરી છે અને તેમણે કુલ પાંચ કરોડ રૂપિયાથી વધુનો આવકવેરો ભર્યો છે.
 
પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ રૂ 10 કરોડની સંપત્તિ જાહેર કરી છે અને તેમણે કુલ બે કરોડ રૂપિયાથી વધુનો આવકવેરો ભર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

આગળનો લેખ
Show comments