Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રમદાનથી સ્વ-જળઆપૂર્તિ અને સ્વરાજ્ય સુધી

મનન ભટ્ટ, પેટ્ટી ઓફિસર
મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (12:41 IST)
અમેરિકાના હાઈડ્રોકલાઈમેટોલોજીના ભારતીય મૂળના વિશેષજ્ઞ ઉપમનુ લાલના કહેવા પ્રમાણે આવતા સાત વર્ષોમાં વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં પાણીની કાયમી તંગી સર્જાવાની છે. વીસમી સદીમાં કાઠીયાવાડમાં પાણીની ભયંકર અછત પ્રવર્તતી. માવડીઓ ચાર પાંચ કિલોમીટર દૂરથી માથે પાણીના બેડા ભરી આવતી. ક્યારેક નળમાં પાણી દેખા દેતું અને શેરીઓમાં બૈરાં વચ્ચે થતું બેડા યુદ્ધ સિવિલ વોરનું સ્વરૂપ પકડી લેતું! હા, ત્યારે આપણો પાણીનો વપરાશ પણ ખૂબ ઓછો હતો.  
 
યુદ્ધક્ષેત્રોમાં સૌથી મહામૂલી જણસ પીવાનું સાફ પાણી જ હોય છે. કારગીલ યુદ્ધમોરચે પંદર હજાર ફૂટ ઉપર લડી રહેલા જવાનોને ચોવીસ કલાકમાં કેવળ એક પ્યાલો પાણી જ મળી શકતું! એક સૈન્ય અધિકારી તરીકે આ લખનાર જોઈ શકે છે, “જો આપણે આ સંકટકાળમાંથી નીકળવા સહિયારો શ્રમ નહીં કરીએ તો, આપણે આંગણે આવીને ઉભેલા ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પાણી જ હશે. આધુનિક વિશ્વમાં વધતી જતી વસ્તી, ઉર્જા ઉત્પાદન અને જળવાયુ પરિવર્તનને કારણે પાણીનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જો પરિસ્થિતિ આમની આમ જ રહેશે તો દસકા બાદ રાષ્ટ્રો વચ્ચે વહેંચાયેલી નદીઓ અને જળાશયોનો ઉપયોગ શક્તિપ્રદર્શન અને આતંકવાદી ઉદ્દેશ્યોની પૂર્તિના હથિયાર તરીકે પણ સંભવ છે. દુર્લભ જળસંસાધનો માટેની પ્રાદેશિક તકરારો પણ યુદ્ધમાં પરિણમે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
 
આપણે કૃષ્ણા નદીના પાણી માટે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક, ગોદાવરીના પાણી માટે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડીશા વચ્ચે થતાં સંઘર્ષો ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પાણીની વહેંચણીને મુદ્દે પ્રવર્તમાન આંતર-રાજ્ય સંઘર્ષોથી વાકેફ છીએ. 
 
૧૯૯૦થી લઇ ને આજ સુધીમાં ગ્રાઉન્ડ વોટર (તળનું પાણી) પમ્પીંગ કરવાની આપણી ઝડપમાં ૭૦ ટકાનો વધારો થયો છે. આપણે ભારતીયો દર વર્ષે ૫૪ ક્યુબીક કિલોમીટર ગ્રાઉન્ડ વોટરનો સફાયો કરી, જળસંકટ તરફ તીવ્ર ગતિએ લઇ જતો એક્સપ્રેસ વે સબમર્સીબલ પંપો વડે કંડારી રહ્યા છીએ.
 
ગઈકાલે, પોરબંદર જતાં રસ્તામાં ચોતરફ ગરમીનું સામ્રાજ્ય પ્રસરેલું હતું. જેતપુરથી આગળ જતાં રસ્તામાં પેઢલા ગામની સીમમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું. ગામની સીમમાં આવેલા ચેક ડેમને ઊંડો કરવાની કામગીરી ચાલી રહી હતી. બે જેસીબી મશીનો ચેકડેમમાંથી કાંપ કાઢી, ત્યાં હાજર ગામલોકોના વીસેક ટ્રેકટરોમાં એક પછી એક ભરી રહ્યા હતા. વાહન ઉભું રાખીને કુતૂહલવશ ત્યાં હાજર લોકોમાં પૃચ્છા કરતા જાણવા મળ્યું કે આ જેસીબી તો રૂપાણી સરકારે મોકલ્યા છે, પણ ટ્રેક્ટરો અને શ્રમદાન કરી રહેલા સોએક માણસો ગામલોકો જ છે. 
 
માથે કાળઝાળ સૂરજ તપી રહ્યો હતો. તડકામાં પરસેવો પાડી રહેલા એ માણસો મજુરો જેવા નહોતા લાગી રહ્યા. મેં એક ભાઈને પૂછ્યું,” કાકા અહીંથી આ કાંપ કાઢવાની સરકાર શું મજુરી આપે?” મને કહે, “હોય કંઈ ભાઈ! આ તો ગામનો ચેક ડેમ ઊંડો ઉતરે અને અમારા તળ સાજા થાય, સિંચાઈ માટે અને ઢોરને પીવા પાણી મળી રહે માટે અમે અહીં મદદ કરવા આવ્યા છીએ.”    
 
રામ રામ કહીને આગળ વધ્યો. ગુગલ કર્યું તો જાણવા મળ્યું કે ગુજરાત સરકારની સુજલામ સુફલામ જળસંચય યોજનાનું કામ ચાલી રહ્યું છે. વર્તમાનની વિકટ પરિસ્થિતિઓમાં પૃથ્વી પર જળસંચયની તાતી જરૂરીયાત છે ત્યારે આ અત્યંત આવકારદાયક પગલું છે. તેમાંય, પહેલાં સ્વચ્છતા અભિયાન અને હવે જળસંચય અભિયાન બંને વખતે લોકભાગીદારી અને શ્રમદાનની શ્રી. વિજયભાઈ રૂપાણીની અહલેક, આ લખનારના સૈન્ય સંસ્કારોને માફક આવે તેવી છે. આજે જ્યારે યુવાઓ સમૂહ શ્રમદાન અને જળરક્ષાના આપણા મૂળભુત સામાજિક સંસ્કારો ભૂલીને આળસ અને ભાવશુન્યતાના અંધારિયા કુવામાં મદહોશ બની મોબાઈલ ફોનના મેસેજ વાંચી રહ્યા છે ત્યારે આ લખનારને સૈન્ય જીવનમાં અનુભવેલું શ્રમદાનનુ મહત્વ યાદ આવે છે. 
 
ગુગલ બાબા કહે છે, જળસંચય અને સ્વચ્છતા અભિયાનમાં સૈનિકોએ પણ હાથમાં પાવડો અને કોદાળી લઇને તથા ઝાડુ ઉઠાવીને શ્રમદાન કર્યું છે. તેમાં ઉહાપોહ પણ થયો. ઘણા લોકો કહે છે, ‘મજુરી તે કંઈ આપણું કામ છે?’ તેમને મારે ગાંધીજીનો સંદેશ વંચાવવો છે. 
 
કર્મયોગી એવા ગાંધીજી, શારીરિક શ્રમને, વર્ગવિહીન સમાજ રચનાનો મુળાધાર ગણે છે. ગાંધીજી રાષ્ટ્રનિર્માણ અને સંપૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે શ્રમદાનને પ્રથમ સીડી સાથે સરખાવે છે. યુવાનોએ રાષ્ટ્રનિર્માણમાં તેમના પરસેવાનું, શ્રમનું દાન આપવાનું છે. શ્રમદાનથી ભાઈચારો અને સાંસ્કૃતિક સમન્વય અપન ભારતીય સેનાની તર્જ પર પ્રચુર માત્રામાં જોવા મળશે. 
 
ગાંધીજીના મતે, ‘શ્રમદાનને ભારતીય નાગરિકત્વના મૂળભુત કર્તવ્યોમાં સામેલ કરવું જોઈએ.’ 
 
આ લખનારે બે વર્ષ પૂર્વે લખેલા હિન્દી ઈ-પુસ્તક ‘શ્રમદાન સે સ્વરાજ્ય તક’માં લખ્યું છે, “પ્રત્યેક ભારતીય જે પોતાના મૂળભુત નાગરિક અધિકારો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, શોષણની વિરુદ્ધ અધીકાર, ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષાની સ્વતંત્રતાનો અધિકાર ભોગવવા માગે છે. સરકારી નોકરી લેવા માગે છે તેણે દર અઠવાડિયે ઓછામાં ઓછું ચાર કલાક ફરજીયાત શ્રમદાન કરવું. સ્કૂલો અને કોલેજોમાં ભણી રહેલા આપણા ભવિષ્યના નાગરિકોને સમૂહ શ્રમદાનના સંકલ્પો લેવડાવી સૈન્યની તર્જ પર એક બીજા સાથે મળીને શ્રમદાન કરાવવામાં આવે તો સ્વચ્છતા અને સ્વસ્થતાના નૈતિક મુલ્યોની બુનિયાદ પર રાષ્ટ્રનિર્માણનુ ગાંધીજીનુ સ્વપ્ન સંપૂર્ણ થશે.
 
મને વિશ્વાસ છે, આપણે ગુજરાતના નાગરિકો, શ્રમદાન થકી જળરક્ષાના સંકલ્પો લઇને ગામોને સુજલામ-સુફલામ બનાવી દેવાનું ભગીરથ કાર્ય સંપન્ન કરીશું. સ્વશ્રમથી પડેલો પરસેવો અસંભવને પણ સંભવ કરી શકે છે. સૈન્યમાં કહેવાય છે, ‘જેટલો વધુ પરસેવો તમે શાંતિ સમયે પાડશો તેટલું જ ઓછું લોહી યુદ્ધમોરચે વહાવવું પડશે.’ આશાન્વિત છું કે જળસંચય અભિયાનને આપણે શ્રમદાન થકી સફળ બનાવીએ. આપણો પાણીનો કાયમી પ્રશ્ન તો ઉકલે જ સાથે સાથે લોકભાગીદારી અને શ્રમદાનના નવા વિક્રમો સર્જાય અને આપણને શ્રમદાનથી સ્વરાજ્ય સુધી લઇ જવામાં જળસંચય – સુજલામ–સુફલામ સફળ નીવડે. પોતાની ફરજ પ્રત્યે સજાગ ગ્રામજનોએ અને ફરજનિષ્ઠ સૈનિકોએ શ્રમદાનનો સંકલ્પ લઈ લીધો છે. આપણે બધા પણ જાગીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે શ્રમદાનથી સ્વરાજ્ય મેળવીએ.
 
જય હિન્દ
 
પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

વધુ જુઓ..

નવીનતમ

Anxiety જો તમને અચાનક ચિંતા થવા લાગે તો તરત જ આ કરો, તમને રાહત મળશે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે આ બીજ, એક મુઠ્ઠી ખાવાથી થશે અનેક ફાયદા

Orange Peel Face mask- શું તમે નારંગીની છાલ ફેંકી દો છો? તમે ફેસ માસ્ક બનાવી શકો છો, ત્વચાની ચમક બમણી થશે

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

આગળનો લેખ
Show comments