ત્રિકોણીય શ્રેણીની સિડની વન-ડેમાં લંકાએ કાંગારુઓને તમામ પાસામાં પાછળ છોડી આઠ વિકેટથી મેચ જીતી લીધી હતી.
લંકાની પેસ બેટરીએ શાનદાર પ્રદર્શન કર્યા બાદ બેટ્સમેનોએ પણ તેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લંકાની ટીમનો ડકવર્થ લેવિસની પધ્ધતિ પ્રમાણે જીત માટે 41 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
જોકે ઓપનર જયવર્ધનેના અણનમ 61 અને દિલશાનના 45 રનની મદદથી લંકાની ટીમે ફક્ત 24.1 ઓવરમાં બે વિકેટના નુકશાને લક્ષ્યાંક વટાવી શ્રેણીમાં પ્રથમ વખત જીતનો સ્વાદ ચાંખ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બ્રેટ લી અને મેકેયએ 1-1 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા 158 રનમાં તંબુ ભેગુ
ત્રિકોણીય શ્રેણીની છઠ્ઠી મેચમાં ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ 40.5 ઓવરમાં 158 રન બનાવી તંબુ ભેગી થઈ ગઈ હતી. શ્રેણીમાં અત્યાર સુધીમાં સતત પરાજયનો સામનો કર્યા બાદ આજે લંકાએ આક્રમક રમત દેખાડી હતી.
તો બીજી તરફ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમના ડેવિડ હસી સિવાયના બેટ્સમેનો લંકાની પેસ બેટરી સામે પાણીમાં બેસી ગયા હતા. ડેવિડ હસીએ લડાયક ઈનિંગ્સ રમી 58 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ટોપ બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો વોર્નર(13), વેડ(15), પોન્ટિંગ(2), ફોરેસ્ટ(16) અને માઈક હસી(13) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.