સતત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અર્થતંત્ર અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
આ આંકડાને આધારે ભારતીય અર્થતંત્રની સ્થિતિનો ખ્યાલ આવે છે. જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળાની જીડીપી 4.5 ટકા જ છે.
આ છેલ્લાં છ વર્ષનું સૌથી નબળું સ્તર છે. આ અગાઉના ત્રણ મહિનાની જીડીપી 5 ટકા હતી.
જીડીપીના નવા આંકડા બહાર આવ્યા એ સાથે જ વિપક્ષ કૉંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "ભારતની જીડીપી છેલ્લાં છ વર્ષમાં સૌથી તળિયે છે પણ ભાજપ ઉજવણી કેમ કરે છે? કારણકે તેમને એવું લાગે છે કે તેમની જીડીપી - ગોડસે ડિવીસિવ પૉલિટિક્સથી વિકાસદર દશકના આંકડામાં પહોંચી જશે."
ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે પણ આ આંકડાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે એવું પણ કહ્યું છે કે સરકાર દેશના અર્થતંત્રમાં જે બદલાવ કરી રહી છે તે મદદરૂપ નથી થઈ રહી.