Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીએ સૂટબૂટ છોડીને ફકત ધોતી વાળો વેશ ક્યારે અને કેમ પસંદ કર્યો?

વંદના પદ,સિનિયર એડિટર
સોમવાર, 2 ઑક્ટોબર 2023 (08:39 IST)
મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું."
 
ચર્ચિલનું આ વિધાન ઇતિહાસમાં અંકિત થયેલું છે. આ ત્યારની વાત છે કે જ્યારે ગાંધી 1931માં બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમના આમંત્રણે બકિંગહામ પેલેસ ગયા હતા.
 
ત્યારે ગાંધીજીએ તેમની ટૂંકી ધોતી પહેરી હતી જેને અંગ્રેજો લંગોટ કહેતા હતા.
 
ગાંધીજીના પ્રપૌત્ર અને તેમના પર અનેક પુસ્તકો લખી ચૂકેલા તુષાર ગાંધી માને છે તેમની આ ટૂંકી ધોતીનો તેમણે અંગ્રેજો સામે એક સ્ટ્રેટેજી તરીકે ઉપયોગ કર્યો હતો.
 
તુષાર ગાંધી કહે છે કે, "અંગ્રેજોને એવી આદત પડી ગઈ હતી કે જ્યારે કોઈ ભારતીય નેતા તેમને મળવા આવે ત્યારે તે સૂટબૂટમાં તૈયાર થઈને અથવા તો અંગ્રેજ સ્ટાઇલમાં મળવા આવતા હતા. તેના કારણે અંગ્રેજોને સહજતા લાગતી હતી."
 
"જ્યારે ગાંધીજીએ એવું ન કર્યું ત્યારે તેઓ પરેશાન થઈ ગયા કે આ માણસ તો આપણા જેવો દેખાવાનો પ્રયત્ન પણ નથી કરતો. ગોળમેજી પરિષદમાં આપણા રાજા સામે ગાંધીજી અર્ધનગ્ન અવસ્થામાં જશે એમ વિચારીને તો અંગ્રેજોને આઘાત જ લાગી ગયો હતો. ગાંધીજી એક મનોવૈજ્ઞાનિક રમત રમી રહ્યા હતા."
 
માત્ર ટૂંકી ધોતી પહેરવાનો નિર્ણય
 
જો કે, ગાંધીજીની શરૂઆતની તસવીરોમાં તમે તેમને સૂટ અને બૂટમાં જોઈ શકો છો અને બાદમાં તેઓ ગુજરાતના કાઠિયાવાડી પોશાકમાં પણ જોવા મળે છે.
 
સવાલ એ છે કે ગાંધીજીની આ ટૂંકી ધોતી અને ચાદર કે જે આગળ જતા તેમની ઓળખ બની ગઈ તે ક્યારે અને કેવી રીતે અસ્તિત્વમાં આવી. કારણ કે તે દેશ-વિદેશમાં એક પ્રતીક સમાન બની ગઈ હતી.
 
આ વાત 1921ની છે જ્યારે ગાંધીજી તમિલનાડુના મદુરાઈમાં હતા. ત્યાં સુધીમાં ગાંધીજીએ નક્કી કરી લીધું હતું કે તેઓ માત્ર સ્વદેશી વસ્ત્રો જ પહેરશે. વિદેશી કપડાં સળગાવવાની તેમની હાકલ એક ચળવળ બની ગઈ હતી.
 
તમિલનાડુમાં ટ્રેનની મુસાફરી દરમિયાન, જ્યારે તેઓ સામાન્ય રેલવે મુસાફરો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે ઘણા ગરીબ લોકો પાસે પૈસા ન હોવાથી તેઓ તેમના જૂનાં કપડાંને બાળીને ખાદીનાં નવાં કપડાં ખરીદી શકતા નથી.
 
ગાંધી તેમની ટ્રેન યાત્રા વિશે લખે છે, "મેં ટ્રેનની ભીડમાં એ જોયું કે આ લોકોને સ્વદેશી ચળવળ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે તો વિદેશી કપડાં પહેર્યાં હતાં. જ્યારે મેં તેમની સાથે વાત કરી તો ઘણા લોકોએ કહ્યું કે તેમના માટે મોંઘી ખાદી ખરીદવી શક્ય નથી."
 
"મેં ટોપી, ફુલ ધોતી અને શર્ટ પહેરેલ હતાં. પછી મેં વિચાર્યું કે આનો હું એવો શું જવાબ આપી શકું કે જેથી શાલીનતાની મર્યાદામાં રહીને હું મારા શરીર પરનાં વસ્ત્રો છોડી દઉં અને મારી જાતને આ લોકોની સમકક્ષ બનાવી દઉં. મદુરાઈમાં મીટિંગ પછી બીજા જ દિવસે મેં તેનો અમલ કરવાનું નક્કી કર્યું."
 
પહેલા સૂટ-બૂટ પહેરતા હતા ગાંધી
 
22 સપ્ટેમ્બર, 1921ના રોજ ગાંધીજીએ તેમનો જૂનો પોશાક છોડીને માત્ર એક ધોતી અને એક ચાદરને અપનાવી લીધા.
 
તુષાર ગાંધી કહે છે કે આ બદલાવ અચાનક આવ્યો ન હતો.
 
તેઓ કહે છે, "ગાંધીજી જ્યારે વકીલાત કરવા ગયા ત્યારે તેમણે પોતાના માટે સૂટ-બૂટ સિવડાવ્યા હતા. તેમની આત્મકથામાં તેઓ લખે છે કે શરૂઆતમાં તેઓ તેમના કપડાંનાં મામલે ખૂબ સજાગ રહેતા હતા."
 
"ઇંગ્લૅન્ડમાં તેમણે ફેશન પ્રમાણે ફેન્સી હૅટ પહેરવાનું ચાલુ કરી દીધું, કૉબ વૉચ ખરીદી હતી. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે ત્યાંના વકીલોની જેમ અલગ-અલગ કપડાંઓ પહેરવા લાગ્યા."
 
"પરંતુ જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં અલગ-અલગ મુદ્દે સત્યાગ્રહ કરવા લાગ્યા એ સમયથી જ ગાંધીજીમાં ધીમે ધીમે બદલાવો જોવા મળ્યા હતા અને તેમને લાગ્યું હતું કે જિંદગીની ભૌતિક જરૂરિયાતોને ઓછી કરી દેવી જોઇએ.”
 
ગાંધીજી કપડાંનાં માધ્યમથી સંદેશ આપવાના મહત્ત્વને સમજતા હતા.
 
તુષાર ગાંધી કહે છે કે, "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ સમયે તમે તેમનામાં આવેલો મોટો બદલાવ જોઈ શકો છો."
 
"તમને જોવા મળશે કે ત્યાં ગાંધીજીએ લાંબો કુર્તો અને લુંગી પહેરી હતી. ત્યાંના સત્યાગ્રહમાં માર્યા ગયેલા ભારતીય તમિલોનો સાથ આપવા અને શ્રદ્ધાંજલિ આપવાનો તેમનો રસ્તો હતો."
 
કાઠિયાવાડી પોશાકથી ધોતી સુધી
 
તુષાર ગાંધી કહે છે કે ભારત પાછા ફર્યા પછી પણ ગાંધી પરિવર્તનના ઘણા તબક્કામાંથી પસાર થયા.
 
તેઓ કહે છે, "જ્યારે ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમણે પોતાની છબીને એક ભારતીય તરીકે દર્શાવવાની હતી, તેથી 1915માં તેમણે કાઠિયાવાડી પોશાક – ધોતી, કુર્તા, ગમછા અને ખાસ પ્રકારની પાઘડી પહેરવાનું શરૂ કર્યું."
 
"ગોખલેના કહેવા પર જ્યારે તેઓ સમગ્ર ભારતના પ્રવાસે ગયા ત્યારે તેમને ભારતની સ્થિતિનો ખ્યાલ આવ્યો."
 
"ચંપારણમાં તેમણે જોયું કે આખા કુટુંબ પાસે માત્ર એક અડધું કપડું હતું કે જે તેઓ એક પછી એક પહેરતા હતા. ગાંધીજીએ જ્યારે તેમના શરીર પર વિવિધ પ્રકારનાં કપડાં જોયા ત્યારે તેમણે પોતાનાં કપડાં ઓછાં કરી નાખ્યાં."
 
"તેઓ માત્ર કુર્તા અને ધોતી પહેરવા લાગ્યા. અહીંથી આપણે ધીમે ધીમે તેમના પોશાકમાં તફાવત જોવાનું શરૂ કરીએ છીએ. જે અંતે તમિલનાડુમાં માત્ર અડધી ધોતીમાં ફેરવાઈ જાય છે."
 
ગુજરાતના વરિષ્ઠ લેખક અને ગાંધીજી પર અધ્યયન કરનાર ઉર્વીશ કોઠારી કહે છે પોતાનાં કપડાં બદલવાનો નિર્ણય ગાંધીજીએ કોઈ ‘નાટક કરવાની ભાવના’ થી લીધો ન હતો.
 
ઉર્વીશ કોઠારીના કહેવા પ્રમાણે, "ગાંધી હંમેશાં શાંત મનથી વિચારતા હતા અને પહેલાં પોતે કોઈપણ વાતનો અમલ કરતા હતા. જ્યારે સ્વદેશી ચળવળ ચાલી રહી હતી ત્યારે તેમણે 22 સપ્ટેમ્બર 1921ના રોજ જાહેરાત કરી હતી કે તેઓ ઓછામાં ઓછા 31 ઑક્ટોબર સુધી માત્ર નાની ધોતી અથવા લાયનક્લૉથ જ પહેરશે. તેમણે આમ કર્યું અને 31 ઑક્ટોબર 1921ની સમયમર્યાદા પછી અનિશ્ચિત બની ગઈ."
 
ઉર્વીશ કોઠારી કહે છે, "આ નિર્ણય વ્યવહારૂ હતો. ગાંધીજીને એવો અહેસાસ હતો કે સ્વદેશી ચળવળમાં તેઓ બધાને વિદેશી કપડાંની હોળી કરવાનું કહે છે પરંતુ બધા લોકો પાસે એટલા પૈસા ન હતા કે તેઓ ખાદીના નવા કપડાં ખરીદી શકે."
 
"એટલા માટે ગાંધીજી એવો સંદેશ આપવા માંગતા હતા કે માત્ર ટૂંકી ધોતી પણ પર્યાપ્ત છે."
 
મદુરાઈમાં જ્યાં તેમણે પ્રથમ વખત નવા કપડાં પહેરીને લોકોને સંબોધ્યા તે સ્થળને ગાંધી પોટ્ટલ કહેવામાં આવે છે. ત્યાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત છે.
 
બ્રિટનના રાજા સાથે ધોતીમાં મુલાકાત
 
જ્યારે ગાંધીજી ટૂંકી ધોતી પહેરીને 1931માં ગોળમેજી પરિષદ માટે લંડન ગયા હતા ત્યારે ત્યાંના કેટલાક અખબારોએ ગાંધીજીની મજાક ઉડાવી હતી.
 
ગાંધીજી માટે આ પરિવર્તનનો અર્થ શું હતો? તેમના પોતાના શબ્દોમાં કહીએ તો – "મારા માટે એ કપડાં છોડવા જરૂરી હતા. આ શોકનું પ્રતીક છે. આપણે ખરેખર શોક કરી રહ્યા છીએ કારણ કે વર્ષ પૂરું થવાનું છે અને હજુ આપણને સ્વરાજ મળ્યું નથી."
 
અંગ્રેજો સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે ગાંધીજીએ ભરેલા આ પગલાનું ઉર્વીશ કોઠારી આ રીતે મહત્ત્વ સમજાવે છે.
 
તેઓ કહે છે, "જ્યારે ગાંધીજીએ પોતાનો વેશ બદલ્યો ત્યારે એ તેમની ઓળખ બની ગઈ. ગાંધીજીએ સંદેશ આપ્યો હતો કે તમે તમારા શરીરને ઢાંકવા માટે ઓછા કપડાં પહેરો, પરંતુ તમે જે પણ કપડાં પહેરો તે સ્વદેશી હોવા જોઈએ."
 
"સ્વદેશીને ઉજાગર કરવાની ગાંધીજીની રીત અસરકારક હતી. પરંતુ સમયની સાથે લોકોમાં એ પ્રતીકવાદ પણ વધતો ગયો કે આપણો નેતા આપણા જેવો છે, આપણે જે પહેરીએ છીએ એ જ તે પહેરે છે અને તેનામાં કૃત્રિમતા નથી. આ માત્ર ગાંધીજીની આવડત હતી."
 
તુષાર ગાંધી આ નિર્ણયને ગાંધીજીનો માસ્ટરસ્ટ્રોક ગણાવે છે. તુષાર ગાંધીના કહેવા પ્રમાણે, "જો તમે જુઓ તો ગાંધીજીની વાણી કે બોલવાની રીત કંઈ એટલી પ્રભાવશાળી ન હતી. પરંતુ ગાંધીજીનો પ્રયાસ સામાન્ય લોકો તેમની સાથે દૃષ્ટિની રીતે જોડાયેલા હોવાનો અનુભવ કરાવવાનો હતો."
 
"આમ કરવાથી નેતાઓ અને લોકો વચ્ચેનું અંતર ઘટી ગયું જે અન્ય કોઈ કરી શક્યું ન હતું. કારણ કે અગાઉ ઘણા નેતાઓ કૉંગ્રેસના અધિવેશનમાં ભવ્ય શૈલીમાં આવતા હતા."
 
"તેમનાં પાઘડી જેવાં વસ્ત્રો એ તેમની જાતિ, રંગ અને સંપત્તિનું દર્શન કરાવતા હતા. ગાંધીજીએ આ બધાં વસ્ત્રોનો ત્યાગ કરીને એક નવું વાતાવરણ ઊભું કર્યું."
 
જોકે, દક્ષિણ આફ્રિકા અને ઘાના જેવા દેશોમાં ઘણા લોકોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેઓ પોતે ભેદભાવ કરતા હતા અને જાતિવાદી હતા. દક્ષિણ આફ્રિકાના વિદ્વાનો અશ્વિન દેસાઈ અને ગુલામ વાહિદે 1893 થી 1913 સુધી લગભગ વીસ વર્ષ સુધી તેમના દેશમાં રહેલા ગાંધીજીની તપાસ કરી હતી અને એક પુસ્તક લખ્યું હતું.
 
દેસાઈ અને ગુલામ તેમના પુસ્તક 'ધ સાઉથ આફ્રિકન ગાંધીઃ સ્ટ્રેચર બેરર ઑફ એમ્પાયર'માં લખે છે કે દક્ષિણ આફ્રિકામાં તેમના રોકાણ દરમિયાન ગાંધીએ 'ભારતીયોના સંઘર્ષને આફ્રિકન અને અન્ય અશ્વેત લોકોના સંઘર્ષથી અલગ પાડ્યો હતો.'
 
ગાંધીજીના જીવનચરિત્રકાર અને તેમના પૌત્ર રાજમોહન ગાંધીએ વારંવાર કહ્યું છે કે જ્યારે મહાત્મા ગાંધી આફ્રિકા પહોંચ્યા ત્યારે તેઓ 24 વર્ષના હતા અને તેઓ દક્ષિણ આફ્રિકાના અશ્વેતો પ્રત્યે 'ક્યારેક ઘમંડ અને પૂર્વગ્રહથી ભરેલા' હતા. પરંતુ એ પણ સાચું છે કે ગાંધીજીએ જીવનભર સમય સાથે પોતાની જાતને સતત બદલી હતી.
 
પોશાકથી ઊભી થઈ ઓળખ
 
ફરીથી આ જ મુદ્દા પર પાછા ફરીએ તો તુષાર ગાંધી અંગ્રેજોના સંદર્ભમાં તેમના પોશાક બદલવાના ગાંધીજીના નિર્ણયને આ રીતે સમજે છે, "અંગ્રેજોને લાગ્યું કે આ માણસ જે કરે છે અને તે જે રીતે વર્તે છે તેનો આપણી પાસે કોઈ જવાબ નથી. તમે એમ પણ ન કહી શકો કે તે ખરાબ સ્વભાવના છે."
 
"જ્યારે ગાંધી અડધી ધોતી પહેરીને શાહી નિવાસે પહોંચે છે, ત્યારે તેમને પાછા તો મોકલી શકાય નહીં."
 
"જો તેમ કરશો તો પણ તમારી હાર થશે અને અંદર બોલાવશો તો તમારે તેને સહન કરવા પડશે. કરવું તો કરવું શું, એવી તેમની પરિસ્થિતિ હતી."
 
આ ચર્ચા બ્રિટનના રાજાના મહેલથી શરૂ થઈ હતી જ્યાં તેઓ અડધી ધોતી એટલે કે લંગોટી પહેરીને ગયા હતા જ્યારે કિંગ જ્યૉર્જ પંચમ તેમના સંપૂર્ણ શાહી વૈભવ સાથે ત્યાં હાજર હતા.
 
રાજાને મળ્યા પછી જ્યારે ગાંધીજી બહાર આવ્યા અને બ્રિટિશ પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો, 'મિસ્ટર ગાંધી, મને નથી લાગતું કે તમે રાજાને મળવા યોગ્ય પોશાક પહેર્યો હતો?'
 
ગાંધીજી હંમેશા તેમની હાજરજવાબી માટે જાણીતા હતા.
 
ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, 'તમે મારાં કપડાંની ચિંતા કરશો નહીં. તમારા રાજાએ બંને માટે પૂરતાં વસ્ત્રો પહેર્યાં હતાં.’ ગાંધીજીનો આ જવાબ ઇતિહાસમાં કાયમ માટે નોંધાયેલો છે.
 
પ્રખ્યાત જીવનચરિત્રકાર રૉબર્ટ પેઈનના શબ્દોમાં, 'તેમની નગ્નતા સન્માનનું પ્રતીક બની ગઈ હતી.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Coldwave in Gujarat- ગુજરાતમાં વરસાદ સાથે ઠંડી વધશે! 18 શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે

શું છે PUC પ્રમાણપત્ર? શા માટે જરૂરી છે

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

અમદાવાદમાં મોંઘી થશે પ્રોપર્ટી જાણો કીમત વધવાથી મધ્યમ વર્ગ પર શું અસર પડશે

આગળનો લેખ
Show comments