Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદ્ધવ ઠાકરેની સફર : 'મોટા ભાઈ'થી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનવા સુધી

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2019 (14:10 IST)
વર્ષ 1996-97 રાજ ઠાકરે બૅડમિન્ટન રમવા માટે દાદરમાં એક જગ્યાએ જતા. તેમણે બાદમાં 'દાદુ' એટલે 'મોટા ભાઈ' ઉદ્ધવ ઠાકરેને પણ સાથે રમવા આવવા કહેલું. બૅડમિન્ટનની પ્રૅક્ટિસ કરતી વખતે એક વાર ઉદ્ધવ ઠાકરે પડી ગયા હતા. રાજ ઠાકરે અને તેમના કેટલાક મિત્ર હસી પડ્યા હતા.
 
આ ઘટના પછી ઉદ્ધવ ઠાકરેએ ત્યાં બૅડમિન્ટન રમવા જવાનું બંધ કરી દીધું. સૌને એમ લાગ્યું કે તેમણે બૅડમિન્ટનની પ્રૅક્ટિસ છોડી દીધી છે.
 
પણ તેમણે હકીકતમાં બીજી એક કોર્ટ (મેદાન)માં પ્રૅક્ટિસ કરવાનું નક્કી કર્યું હતું.
 
તેમણે રાજ ઠાકરેને કોચિંગ આપતા હતા તે કોચને જ પોતાને તાલીમ આપવા માટે રાખ્યા હતા.
 
થોડા વખત પછી આ કોચે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે એટલું સરસ રમે છે કે કોઈ અનુભવી બૅડમિન્ટન પ્લેયરને પણ ટક્કર આપે.
 
આ કિસ્સો એ બતાવી આપે છે કે ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં પણ કેવી રીતે આગળ વધી રહ્યા છે.
 
શિવસેનાએ રાજ્યપાલને મળીને સરકારની રચના કરવાનો દાવો કર્યો હતો.
 
શિવસેના અને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) સરકાર બનાવે અને કૉંગ્રેસ બહારથી ટેકો આપે તેવી ગણતરી હતી.
 
સરકારની રચનાની ચર્ચાઓ બહુ લાંબી ચાલી અને આખરે ત્રણેય પક્ષોની સંયુક્ત બેઠક મળી, તેમાં નક્કી થયું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રીપદ સ્વીકારશે.
 
જોકે, શનિવારે રાજ્યપાલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ તથા ઉપમુખ્ય મંત્રીપદે અજિત પવારને શપથ લેવડાવ્યા અને રાતોરાત સમગ્ર ખેલ પાર પડાયો.
 
મુખ્ય મંત્રી ન બનવા છતાં સમગ્ર ઘટનાક્રમે ઉદ્ધવને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા.
 
ધ ઠાકરે કઝીન્સ' નામનું પુસ્તક લખનારા ધવલ કુલકર્ણી ઉદ્ધવ ઠાકરેના રાજકારણમાં પ્રારંભના દિવસોને યાદ કરતાં કહે છે:
 
"ઉદ્ધવ ઠાકરે 1990ના દાયકામાં રાજકારણમાં સક્રિય બન્યા હતા."
 
"1985માં શિવસેનાને મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં જીત મળી હતી. તે વખતે પક્ષના ચૂંટણીપ્રચારમાં ઉદ્ધવ ઠાકરેએ અગત્યની ભૂમિકા ભજવી હતી."
 
"જોકે તેઓ હજી સત્તાવાર રીતે ચૂંટણીના રાજકારણમાં સક્રિય થયા નહોતા."
 
ધવલ કુલકર્ણી ઉમેરે છે: "1991માં શિશિર શિંદેએ શિવસેનાના મુલુંડ કાર્યાલયમાં એક કાર્યક્રમ ગોઠવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે પણ તેમાં હાજર હતા."
 
"એ કાર્યક્રમને ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશના પ્રસંગ તરીકે યાદ કરવામાં આવે છે."
પિતરાઈઓ વચ્ચે ઘર્ષણ
 
ડિસેમ્બર 1991માં રાજ ઠાકરેએ બેરોજગારીના મુદ્દે નાગપુરમાં વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
 
ધવલ કુલકર્ણી કહે છે, "વિરોધ-પ્રદર્શન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. તે પછી 'માતોશ્રી' (ઠાકરે પરિવારનું નિવાસસ્થાન)માંથી આગલી રાતે જ રાજ ઠાકરેને ફોન આવ્યો કે તમારી સાથે 'દાદુ' (ઉદ્ધવ ઠાકરે) પણ આવશે."
 
"તમારી સાથે આ સભામાં 'દાદુ' પણ ભાષણ આપશે તેમ જણાવાયું હતું. તેના કારણે રાજ ઠાકરે નારાજ થઈ ગયા હતા અને તે પછી બંને પિતરાઈ વચ્ચે વિખવાદ વધવા લાગ્યો હતો."
 
તે વખતે રાજ ઠાકરે શિવસેનામાં વધારે લોકપ્રિય હતા, પરંતુ તેમની આક્રમક શૈલી ઘણાને નારાજ કરતી હતી.
 
તેમના વર્તનથી નારાજ થયેલા શિવસેનાના કેટલાક અનુભવી અને જૂના નેતાઓએ બાલ ઠાકરેની ભલામણ કરી હતી કે ઉદ્ધવ ઠાકરેને આગળ કરો.
 
દરમિયાન રમેશ કીણી મર્ડર કેસમાં રાજ ઠાકરેનું નામ સંડોવાયું અને તેના કારણે થોડો સમય તેમને સક્રિય રાજકારણમાંથી કોરાણે કરાયા.
 
રાજ ઉપર હત્યાનો આરોપ
 
પત્રકાર દિનેશ દુખંડે કહે છે, "રમેશ કીણી હત્યાકેસમાં રાજ ઠાકરેએ સીબીઆઈની તપાસનો સામનો કરવો પડ્યો હતો. તેમની વિરુદ્ધ કોઈ પુરાવો મળ્યો નહોતો."
 
"તેમને નિર્દોષ જાહેર કરાયા હતા, પણ આ સમયગાળા દરમિયાન શિવસેનામાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. રાજ ઠાકરેએ તેની કિંમત ચૂકવવી પડી."
 
"રમેશ કીણી કેસના કારણે તેમણે પાંચેક વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું પડ્યું હતું."
 
આ તબક્કે ઉદ્ધવ ઠાકરેએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1997માં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી આવી, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સક્રિય રાજકારણમાં વધારે ભાગ લીધો.
 
બાદમાં 2002માં ફરી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી આવી, ત્યારે બાલ ઠાકરેએ સંપૂર્ણ જવાબદારી ઉદ્ધવ ઠાકરેને સોંપી દીધી હતી.
 
તે વખતે એવા આક્ષેપ થયા હતા કે રાજ ઠાકરેના ટેકેદારોને ટિકિટોમાંથી કાપી નાખવામાં આવ્યા હતા.
 
ત્યારબાદ ધીમે-ધીમે રાજ ઠાકરેના ટેકેદારોને દૂર કરવામાં આવ્યા. રાજ ઠાકરેની નજીક હોય તેવા નેતાઓને ચૂંટણીઓમાં ટિકિટ આપવાનું પણ બંધ થયું.
 
જાન્યુઆરી 2003 સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે શિવસેનાનું સુકાન આગળ જતા ઉદ્ધવ ઠાકરેના હાથમાં જ આવશે.
 
 
જાન્યુઆરી 2003માં શિવસેનાની પરિષદ મહાબળેશ્વરમાં મળી હતી.
 
તે દિવસે બાલ ઠાકરેની ગેરહાજરીમાં રાજ ઠાકરેએ પોતે જ પક્ષના કાર્યકરી પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની દરખાસ્ત કરી.
 
આ રીતે સત્તાવાર જાહેરાત થઈ હતી કે બાલ ઠાકરેના 'રાજકીય વારસદાર' તરીકે ઉદ્ધવ ઠાકરે જ રહેશે.
 
ધવલ કુલકર્ણી વધુમાં કહે છે, "શિવસેનાની મહાબળેશ્વર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેની નિમણૂક કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી."
 
"નારાયણ રાણેને ખ્યાલ આવી ગયો કે હવે ઉદ્ધવ ઠાકરેના રાજમાં તેમનું કોઈ ભવિષ્ય નથી. તેથી રાણેએ શિવસેના છોડી દીધી."
 
"2006માં રાજ ઠાકરેએ પણ આખરે શિવસેના છોડી દીધી અને પોતાના નવા પક્ષ 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના' (એમએનએસ)ની સ્થાપના કરી."
 
"આ બે મોટા નેતા શિવસેનામાંથી જતા રહ્યા તે પછી મુંબઈ મહાપાલિકામાં શિવસેનાની સત્તા ટકાવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ બહુ મથામણ કરવી પડી હતી."
 
"સાથે જ પોતાના ધારાસભ્યોને જાળવવા માટે પણ મથામણ કરવી પડે તેમ હતી. આ પડકારોનો સામનો ઉદ્ધવ ઠાકરેએ સફળતાપૂર્વક કર્યો."
 
"તેમણે એવું દર્શાવી આપ્યું કે તેઓ પક્ષને એકજૂટ રાખી શકે તેમ છે."
 
ઉત્તમ સંગઠન કર્યાં, પરંતુ...
 
કુલકર્ણી કહે છે, "ઉદ્ધવ ઠાકરેની પક્ષના સંગઠન પરની પકડ ચુસ્ત છે. તેઓ કુશળ સંગઠનકાર છે."
 
"2014ની વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીતરફી પ્રવાહ હોવા છતાં તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા અને શિવસેનાને 63 બેઠકો પર જીતાડી હતી."
 
સિનિયર પત્રકાર વિજય ચોમારે જણાવે છે, "ઉદ્ધવ ઠાકરે પક્ષના સંગઠનને સારી રીતે ચલાવી શકે છે, પરંતુ રાજકીય-સામાજિક મુદ્દાઓની તેમની સમજ એટલી ઊંડી નથી."
 
"તેઓ ક્યારેય કોઈ મુદ્દાનું બહુ ઊંડું વિશ્લેષણ કરતા નથી. તેમનો વ્યવહાર પણ બહુ મોકળાશભર્યો કે સ્વભાવમાં ખુલ્લાપણું નથી."
 
"કોઈ મુદ્દા પર અભિપ્રાય આપતી વખતે એવી વાત કરી નાખે છે, જેના કારણે સમાચારોનું મથાળું મળી જાય.,પણ વાતને તપાસવામાં આવે, ત્યારે તેમાં ખાસ કોઈ ઊંડાણ હોતું નથી."
 
કૉંગ્રેસી નેતા જેવી છાપ
 
દ્ધવ ઠાકરેની નેતૃત્વ શૈલી વિશે વાત કરતાં ધવલ કુલકર્ણી કહે છે, "ઉદ્ધવ ઠાકરેનું વ્યક્તિત્વ કોઈ કૉંગ્રેસના નેતાઓનું હોય તેવું વધારે છે."
 
"તે સ્વભાવ પ્રમાણે જ તેમણે ચૂંટણીસમજૂતિ માટે 'શિવશક્તિ-ભીમશક્તિ' એવું સૂત્ર આપ્યું હતું."
 
"આ ઉપરાંત તેમણે 'મી મુંબઈકર' એવી ઝુંબેશ પણ ચલાવી હતી. રાજ ઠાકરેની જેમ તેમનું વ્યક્તિત્વ આક્રમક પ્રકારનું નથી."
 
"જોકે ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોની દેવામાફી અને કામદારોની સમસ્યાના મુદ્દાઓ પણ સંભાળ્યા છે, જે શિવસેના કે એમએનએસ દ્વારા ક્યારેય ઉઠાવવામાં આવ્યા નહોતા."
 
વિજય ચોમારે ઉમેરે છે, "નેતા તરીકે ઉદ્ધવ ઠાકરે આમ આદમીને સહેલાઈથી મળી શકે તેવા નથી."
 
"સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને મળવા માટે કરવું પડે તે રીતે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તમારે કેટલીય ચૅનલમાંથી પસાર થવું પડે અને અમુક મધ્યસ્થીઓનો આશરો લેવો પડે."

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments