Webdunia - Bharat's app for daily news and videos

Install App

PV Sindhu બની પ્રથમ બીબીસી ઈંડિય સ્પોર્ટ્સવુમન ઓફ ધ ઈયર

Webdunia
સોમવાર, 9 માર્ચ 2020 (11:57 IST)
હૈદરાબાદની પી. ગોપીચંદ એકૅડમીમાં પ્રવેશવાની મને પહેલી જ તક મળી હતી. તેમાં પ્રવેશતાં એક અજબ અનુભૂતિ થાય છે. એક પછી એક એમ આઠ બૅડમિન્ટન કોર્ટ, જેના પર રમીને ભારતીય ઑલિમ્પિક્સ ચૅમ્પિયન, વર્લ્ડ ચૅમ્પિયન અને કેટલાય સુપર સિરીઝ ચૅમ્પિયન્સ બહાર પડ્યા છે.
 
વિશ્વવિજેતા પીવી સિંધુ તેમની કિટ બૅગ સાથે કોર્ટમાં પ્રવેશે છે ત્યારે વિચારોનો આ સિલસિલો અચાનક તૂટે છે. આવતાંની સાથે જ તેઓ તેમના સાથીઓ જોડે પ્રૅક્ટિસમાં જોડાઈ જાય છે.
 
1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે.
 
કોર્ટ પર ચારેક કલાકની પ્રૅક્ટિસ દરમિયાન એકેય વખત સિંધુનો ધ્યાનભંગ થયો નહોતો. તેમણે તેમના ફોન તરફ નજર સુધ્ધાં કરી નહોતી. હા, સાથી ખેલાડીઓ જોડે મજાકમસ્તી જરૂર ચાલતી રહી.
 
વિશ્વ ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલાં સિંધુની કહાણી સફળતાનું અનોખું ઉદાહરણ છે, પણ તેમને એ સફળતા રાતોરાત નથી મળી.
કલાકો સુધી રાહ જોયા બાદ આખરે સિંધુને ઇન્ટરવ્યૂનો સમય મળ્યો ત્યારે મનમાં પહેલો સવાલ એ આવ્યો કે તમારા બૅડમિન્ટનના આ સફરની શરૂઆત કેવી રીતે થઈ હતી?
 
પોતાના ટ્રૅડમાર્ક સ્મિત સાથે સિંધુ કહે છે, "હું આઠ વર્ષની હતી ત્યારથી બૅડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. મારાં માતા-પિતા વૉલીબૉલનાં ખેલાડી છે. મારા પપ્પાને વૉલીબૉલ માટે અર્જુન પુરસ્કાર મળી ચૂક્યો છે."
 
"તેઓ જે રેલવે ગ્રાઉન્ડ પર વૉલીબૉલ રમવા જતા હતા ત્યાં બાજુમાં એક બૅડમિન્ટન કોર્ટ પણ હતો. હું ત્યાં રમવા લાગી હતી અને બૅડમિન્ટનમાં મારો રસ વધવા લાગ્યો હતો. મહેબૂબ અલી મારા પહેલા કોચ હતા. 10 વર્ષની વયે હું ગોપીચંદ એકૅડમીમાં આવી હતી અને અત્યાર સુધી અહીં જ છું."
 
પીવી સિંધુ એક તેજસ્વી ખેલાડી છે. 2009માં સબ જુનિયર એશિયન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીત્યા બાદ સિંધુએ કદી પાછું વળીને જોયું નથી.
 
18 વર્ષની વયે તો સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતી ચૂક્યાં હતાં અને એવી સિદ્ધિ મેળવનારાં પહેલા ખેલાડી બન્યાં હતાં.
 
ત્યારથી લઈને અત્યાર સુધીમાં સિંધુ અનેક ખિતાબ જીતી ચૂક્યાં છે, પણ તેમનો સૌથી ફેવરિટ ખિતાબ ક્યો છે?
 
એ જીતને ભલે ચાર વર્ષ થઈ ગયાં હોય, પણ ઑલિમ્પિક્સની વાત સાંભળતાંની સાથે જ સિંધુનો ચહેરો ખીલી ઊઠે છે.
 
 
રગ્બીની રમતમાં યુવાન પ્રતિભા તરીકે નામના મેળવનાર ગામઠી યુવતીની કહાણી
2016ની ઑલિમ્પિક્સ અને સિંધુ ઘાયલ
 
સિંધુ કહે છે, "રિયો ઑલિમ્પિક્સનો મેડલ મારા માટે હંમેશાં ખાસ રહેશે. 2016ની ઑલિમ્પિક્સ પહેલાં હું ઘાયલ હતી. છ મહિના સુધી બહાર હતી. શું કરવું એ સમજાતું ન હતું, પણ મારા કોચ અને માતા-પિતાએ મારામાં ભરોસો રાખ્યો હતો."
 
"મેં એટલું જ વિચાર્યું હતું કે આ મારી પહેલી ઑલિમ્પિક્સ છે અને મારે મારી શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરવાનું છે. ત્યાર બાદ એક પછી એક મૅચ જીતતી ગઈ. ફાઇનલમાં તનતોડ મહેનત કરી હતી, પણ એ દિવસ બીજા કોઈનો હતો."
 
"હું સિલ્વર મેડલ જીતી એ પણ કોઈ મામૂલી વાત નથી. હું ભારત પાછી ફરી ત્યારે ગલી-ગલીમાં લોકો મારા સ્વાગત માટે રાહ જોતા હતા. એ વિચારું છું ત્યારે આજે પણ રૂવાં ઊભાં થઈ જાય છે."
 
વાતચીત જેમજેમ આગળ વધતી હતી તેમ એક વાત સમજાઈ રહી હતી કે સિંધુ એવા લોકો પૈકીનાં એક છે, જેમને શાશ્વત આશાવાદી કહે છે.
 
ઑલિમ્પિક્સની ફાઇનલમાં હારવાનો રંજ ક્યારેય થાય છે, એવું મેં સિંધુને પૂછ્યું તો કહે છે, "હું હારી ત્યારે મને થોડું ખરાબ જરૂર લાગ્યું હતું, પણ અમને બીજી તક હંમેશાં મળતી હોય છે."
 
"હું એ વાતથી ખુશ હતી કે જે મેડલ જીતવાનું મેં વિચાર્યું ન હતું, એ મેડલ હું જીતી હતી. મેં એ મેળવી લીધો ત્યારથી જિંદગી બદલાઈ ગઈ. 2019માં હું વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી. અહીં બે કાંસ્ય અને બે સિલ્વર મેડલ જીતી ચૂકી છું."
 
અલબત્ત, એ જીત આસાન ન હતી. સિંધુએ ગોપીચંદની કોચિંગમાં આકરી તાલીમ લીધી છે એટલું જ નહીં, 21 વર્ષની સિંધુનો મોબાઈલ ફોન તેમની પાસેથી ઘણા મહિનાઓથી લઈ લેવાયો હતો.
 
આઇસક્રીમ ખાવા જેવી નાની-નાની ખુશી પણ તેમના માટે દૂરની વાત હતી.
 
રિયો ઑલિમ્પિક્સમાં મેડલ જીત્યા બાદ આઇસક્રીમ ખાઈ રહેલાં સિંધુનો વાઇરલ થયેલો વીડિયો તમારા પૈકીના ઘણાને યાદ હશે.
 
 
10 વર્ષની વયેથી કોચિંગની શરૂઆત
 
સિંધુ હસતાંહસતાં કહે છે, "મેં માત્ર ઑલિમ્પિક્સ મેડલ જ જીત્યો ન હતો. મારો આઇસક્રીમ ખાવાનો હક પણ ગોપીસર પાસેથી મેળવ્યો હતો."
 
સિંધુ અને તેમના કોચ ગોપીચંદ વચ્ચે વિશિષ્ટ સંબંધ છે.
 
સિંધુ કહે છે, "હું દસ વર્ષની હતી ત્યારે ગોપી સર પાસેથી કોચિંગ લેવાની શરૂઆત કરી હતી. હવે હું 24 વર્ષની છું અને અત્યારે પણ તેમની પાસેથી કોચિંગ લઈ રહી છું."
 
સિંધુની આ સાધારણ લાગે તેવી વાત બન્ને વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવવા માટે પૂરતી છે.
 
સિંધુ ઉમેરે છે, "ગોપી સર સારા કોચ જ નહીં, સારા દોસ્ત પણ છે. કોચ તરીકે તેઓ એકદમ સ્ટ્રિક્ટ છે, પણ કોર્ટની બહાર તેઓ દોસ્ત હોય છે. ખેલાડી તરીકે તેઓ મને બરાબર સમજે છે અને તેમના માર્ગદર્શનથી મારી ગેમ બહેતર થઈ છે."
 
વાત મુશ્કેલી કે નિષ્ફળતાની કેમ ન હોય, પણ સિંધુનો દરેક જવાબ એક સ્મિત સાથે જ પૂરો થાય છે.
 
પારાવાર સફળતા મેળવ્યા છતાં સિંધુની ટીકા કરનારા લોકો પણ છે, જેઓ સિંધુ મોટા ફાઇનલમાં હારે ત્યારે તેની સામે સવાલ ઉઠાવે છે, પણ સિંધુ શબ્દોથી જવાબ આપતા લોકો પૈકીનાં નથી.
 
સિંધુ કહે છે, "ઘણા લોકો કહેતા હતા કે એ ફાઇનલમાં શું કરે છે, સિંધુને ફાઇનલ ફોબિયા છે, પણ હું માનું છું કે તેમને મારા રૅકેટ વડે જવાબ આપું. મેં મારી ક્ષમતા સાબિત કરી છે."
 
 
સૌથી વધુ કમાણી કરનારાં ખેલાડીઓમાં સમાવેશ
 
સિંધુએ આ વાત કહી ત્યારે તેનો ઇશારો 2019માં તેમણે જીતેલા વર્લ્ડ ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલ તરફ હતો. એ પહેલાં 2018 અને 2017માં સિંધુ ફાઈનલમાં હારી ગયાં હતાં.
 
સિંધુનો સમાવેશ માત્ર ભારતની સફળ મહિલા ખેલાડીઓમાં જ થતો નથી. તેમની ગણના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં પણ થાય છે.
 
ફૉર્બ્સ સામયિકે 2018માં સિંધુનો સમાવેશ સૌથી વધુ કમાણી કરતાં દુનિયાનાં મહિલા ખેલાડીઓની યાદીમાં કર્યો હતો. સિંધુ પોતે એક બ્રાન્ડ બની ચૂક્યાં છે અને બ્રાન્ડનો ચહેરો પણ.
 
2018માં બૅડમિન્ટન કોર્ટ્સ પર રમીને તેમણે પાંચ લાખ ડૉલરની કમાણી કરી હતી અને જાહેરાતોમાંથી તેમને બીજા 80 લાખ ડૉલરની કમાણી થઈ હતી.
 
તેનો અર્થ એ થયો કે તેમણે દર અઠવાડિયે 1.63 લાખ ડૉલરની કમાણી કરી હતી, જે અનેક ક્રિકેટરોની કમાણી કરતાં પણ વધારે છે.
 
એક સફળ ખેલાડી હોવા ઉપરાંત વાતચીતમાં સિંધુ એક એવી વ્યક્તિ તરીકે ઊભરી આવે છે, જેને પોતાની યોગ્યતા પર ભરોસો છે, જે પોતાના ખભા પરની અપેક્ષા તથા જવાબદારીના ભારને સમજે છે અને દબાણ છતાં પોતાની ગેમનો ભરપૂર આનંદ પણ માણે છે.
 
 
પ્રૅક્ટિસનું ચુસ્ત શેડ્યૂલ, રમવા માટે દુનિયાભરમાં સતત પ્રવાસ, બિઝનેસ, ઍડ્વર્ટાઇઝમૅન્ટ... 24 વર્ષનાં એક છોકરી માટે આ બધું બોજારૂપ નથી બનતું?
 
પોતાની ગેમની માફક સિંધુના વિચારો પણ સ્પષ્ટ છે.
 
તેઓ કહે છે, "હું આ બધાનો આનંદ માણું છું. લોકો મને પૂછતા હોય છે કે તમારી પર્સનલ લાઇફ તો હશે જ નહીં, પણ મારા માટે આ ઉત્તમ સમય છે."
 
"મારે તેનો સંપૂર્ણ આનંદ માણવો જોઈએ, કારણ કે તમે હંમેશાં લાઇમલાઇટમાં જ રહેશો એ જરૂરી નથી. હું જિંદગીમાં કંઈ મિસ કરતી હોઉં એવું મને ક્યારેય લાગ્યું નથી. બૅડમિન્ટન મારું પેશન છે."
 
તો પછી સિંધુની સફળતાનો મંત્ર ક્યો છે?
 
એક વર્લ્ડ ચૅમ્પિયન પાસે જ હોય તેવા આત્મવિશ્વાસ સાથે સિંધુ કહે છે, "ભલે ગમે તે થઈ જાય, જાત પર હંમેશાં ભરોસો રાખવો. આ જ મારી તાકાત છે, કારણ કે આપણે કોઈ બીજા માટે નહીં, પણ પોતાના માટે રમીએ છીએ. તમારી જાતને કહો કે તમે કંઈ પણ કરવા સમર્થ છો."
 
વિશ્વ ચૅમ્પિયન હોવાનો અર્થ પારાવાર મહેનત અને થોડોક કંટાળો એવું માનતા લોકોને સિંધુ ખોટા સાબિત કરે છે.
 
રમતની સાથે સિંધુ ફેશન આઇકન પણ બની રહ્યાં છે. પોતાના વ્યક્તિત્વના એ પાસાની વાત કરતાં સિંધુ બાળકની માફક ઉત્સાહિત થઈ જાય છે.
 
એ પાઇલટની કહાણી, જેણે પત્નીને મળવા નૅવીનું પ્લેન ચોર્યું
 
બૅડમિન્ટન સિવાય મ્યુઝિક સાંભળવાનો શોખ
 
સિંધુ કહે છે, "મને સારા ડ્રેસ પહેરવાનું, શણગાર કરવાનું ગમે છે."
 
સિંધુની આંગળીઓ પરની ઝળકતા રંગની નેઇલ પૉલિશ પણ એ તરફ ઈશારો કરે છે.
 
એક ક્ષણ માટે મને એ પૂછવાની લાલચ થઈ હતી કે તમે આ નેઇલ પૉલિશ ક્યાંથી લાવ્યાં?
 
ખૈર, પોતાની વાત આગળ વધારતાં સિંધુ કહે છે, "જાહેરાતોનાં જંગી પાટિયાં પર, જાહેરાતોમાં પોતાને જોવાનું સારું લાગે છે."
 
બૅડમિન્ટન સિવાય સિંધુને મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ છે.
 
પોતાના ભત્રીજા સાથે રમવાનું તેમના માટે સૌથી મોટું સ્ટ્રેસબસ્ટર છે અને હૈદરાબાદી હોવાને કારણે તેઓ હૈદરાબાદી બિરયાનીનાં તો ફૅન છે.
 
ભોજન, ફેશન અને પરિવારને બાદ કરતાં સિંધુનું સંપૂર્ણ ફોકસ ટોક્યો ઑલિમ્પિક્સ-2020 પર છે.
 
ફરી ઑલિમ્પિક્સ મેડલ જીતવાનું તેમનું સૌથી મોટું સપનું છે. આ વર્ષે સિંધુ ગોલ્ડ મેડલ જીતવા ઇચ્છે છે. તેમને ભારતનાં પહેલા ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા બનવું છે.
 
સિંધુ તેમના ચિરપરિચિત સ્મિત સાથે આ વાતચીતના અંતે સલાહ આપે છે, "મને લોકો પ્રેરણાસ્રોત માને છે એ જાણીને હું ખુશ છું. ઘણા લોકો બેડમિંટનમાં કરિયર બનાવવા ઈચ્છે છે."
 
"તેમને હું એટલું જ કહીશ કે તેમાં થોડા અઠવાડિયાઓની નહીં, વર્ષો સુધી મહેનત કરવી પડે છે. સફળતા આસાનીથી ક્યાં મળે છે?"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

સંભલમાં પથ્થરમારો બાદ જામા મસ્જિદનો સર્વે પૂર્ણ, સ્થિતિ તંગ, 3 PAC કંપનીઓ તૈનાત

કેરળના વિદ્યાર્થીએ હોમવર્ક મશીન બનાવ્યું, હોમવર્ક તમારા રાઈટિંગરમાં લખી શકે

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

IPL 2025: સૌથી મોંઘા ખેલાડી પહેલા સેટમાં જ મળી જશે! આ 6 દિગ્ગજ નો સમાવેશ થાય છે

આગળનો લેખ
Show comments